Columns

ડોપામાઈન ફાસ્ટિંગ – એટલે કે આનંદનો ઉપવાસ

શિલ્પા શેટ્ટીએ હમણાં તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને અલવિદા ફરમાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ખાસી સક્રિય આ એક્ટ્રેસે એક પોસ્ટ મારફતે જાહેર કર્યું હતું, ‘’એકવિધતાના કારણે બોર થઈ ગઈ છું, બધું એક સરખું જ લાગે છે… નવા અવતાર સુધી સોશ્યલ મીડિયાને રામ રામ.’’ થોડા દિવસ પછી તે પાછી ફરી પણ શિલ્પા શેટ્ટી તરીકે નહીં પરંતુ તેની અગામી ફિલ્મ ‘નિકમ્મા’ની સુપરવૂમનના અવતાર તરીકે. સોશ્યલ મીડિયા પરથી આવી રીતે થોડા દિવસનો બ્રેક લેવાને ડોપામાઈન  ફાસ્ટિંગ અથવા ડિજિટલ ડિટોક્સ કહે છે. વિશેષ કરીને દુનિયાની ટેક-રાજધાની ગણાતી અમેરિકાની સિલિકોન વેલીમાં ૨૪ કલાકના ડોપામાઈન ઉપવાસ કરવાનું ચલણ શરૂ થયું છે અને હવે દુનિયામાં પણ પ્રચલિત થઇ રહ્યું છે.

ડોપામાઈન ઉપવાસ એટલે આપણે જેમ ભૂખ્યા પેટે અથવા ફરાળી ખાઈને કોઈ વાર-તહેવાર કરીએ છીએ તેવું જ. એમાં એકદમ અનિવાર્ય હોય તેવા ફોન કોલ્સ કે મેસેજને બાદ કરતા ઇન્ટરનેટ, ટેલિવિઝન, સોશ્યલ મીડિયા, કોમ્પ્યુટર ગેઈમ, રેડિયો કે સંગીતનો ઉપયોગ નહીં કરવાનો. બહુ જ જરૂરી હોય તો ટૂંકમાં જ બોલવાનુ અને ઉપવાસ ચાલે ત્યાં સુધી કશુંક સાર્થક વાંચન કરવાનું, ચાલવા જવાનું અથવા ડાયરી લખવાની.

ડોપામાઈન ઉપવાસનુ નામ ડોપામાઈન નામના કેમિકલ પરથી પડ્યું છે. તેને આનંદનુ કેમિકલ કહે છે. યુસી સાન ફ્રાંસિસ્કોમાં સાઈકિયાટ્રીના પ્રોફેસર કેમેરોન સેપાહે અમુક પ્રવૃતિઓથી આનંદની ટેવ પડી જાય તેમાંથી છૂટવા માટે ડોપામાઈનના સ્તરને કેવી રીતે ઘટાડવું તેના બાબતે એક માર્ગદર્શક લેખ લખ્યો હતો. તેમાંથી ડોપામાઈન ફાસ્ટિંગ શબ્દ પ્રચલિત થયો હતો. આપણે જેમ બહુ ગળ્યું ખાઈ લીધું હોય અને થોડા દિવસ માટે મીઠાઈથી આઘા રહીએ તેવું જ ડોપામાઈનથી છેટા રહેવાનું છે. સેપાહે લખ્યું હતું, “આવા બ્રેક વગર આપણે હાઈ લેવલના કેમિકલના હેવાયા થઇ જઈએ છીએ.”

આપણે જે પણ ઓનલાઈન પ્રવૃત્તિઓ કરીએ છીએ જરૂરી, બિનજરૂરી કે શુદ્ધ રૂપે મજા-મસ્તી માટે, તેનું એક કેમિકલ રિએક્શન હોય છે. દાખલા તરીકે ફેસબૂક પર આપણને આપણી પોસ્ટને મળતી લાઈક્સ કે કોમેન્ટ્સનો બહુ આનંદ આવે છે એટલે આપણે વારંવાર લોગઇન થઇને ચેક કરતા રહીએ છીએ. એ મજાને ડોપામાઈન ઇફેક્ટ કહે છે. જ્યારે પણ આપણે કોઈ ગમતી ક્રિયા કરીએ ત્યારે આપણું મગજ ડોપામાઈન નામનું ન્યુરોટ્રાન્સમિટર રિલીઝ કરે છે.

આપણા તમામ વર્તનમાં મોટિવેશન હોય છે. પાણી પીવા પાછળ તરસ છીપાવવાનું મોટિવેશન હોય, ચોપડી વાંચવા પાછળ જાણકારી મેળવવાનું મોટિવેશન હોય, કામ કરવા પાછળ નામ અને દામનું મોટિવેશન હોય. મોટિવેશન ના હોય તો વર્તન ના હોય. મોટિવેશનનો સંકેત બહારથી આવે પણ તેનો આધાર બાયોલોજીલ હોય છે. જેને ‘ફીલ ગૂડ ન્યૂરોટ્રાન્સમિટર’ કહે છે. તે ડોપામાઈન નામનું કેમિકલ આપણામાં તલપ ઉભી કરે છે. આપણા મૂડ, મોટિવેશન અને એટેન્શન પાછળ આ કેમિકલની ભૂમિકા હોય છે, જેના ઉપભોગથી આપણને મજા આવે તે ચીજ આપણા માટે મોટિવેશનલ હોય.

આનંદની અનુભૂતિ એટલે ડોપામાઈનની અનુભૂતિ. એ ખાંડ જેવું છે. એટલા માટે આપણને દારૂ-સિગારેટની જેમ સોશ્યલ મીડિયાની, TVની, ટેકનોલોજીની લત લાગી જાય છે. આપણે એ ‘’આનંદ’’ને રિપીટ કરવો હોય છે. એ રિપીટેશનથી મગજમાં ડોપામાઇનનું ‘’પુર’’ આવે છે. મગજને પછી એ ‘’પુર’’ની એવી ટેવ પડી જાય છે કે સામાન્ય પ્રવૃત્તિઓ આપણને બોરિંગ લાગે છે. એટલા માટે આપણે જો ફોનથી દુર હોઈએ તો વ્યાકુળ થઇ જઈએ છીએ. જેમ બીડી-ચા પીવાવાળી વ્યક્તિને તેનો ટાઈમ થઇ જાય એટલે તલપ લાગે છે એવું જ ટેકનોલોજીનું છે. અમેરિકામાં એક સર્વેમાં 73 પ્રતિશત અમેરિકનો ફોન વગર ઘાંઘાં થઇ ગયા હતા. ત્યાં લોકો સરેરાશ રોજના 2થી 4 કલાક મોબાઈલ ફોનમાં પસાર કરે છે. એ કરવા ન મળે એટલે વ્યાકુળ થઇ જાય. એડિકશનની ભાષામાં તેને ‘’વિધડ્રૉઅલ સિમ્પટમ્સ’’ કહે છે. જ્યાં સુધી શરીરમાં એ કેમિકલ ન જાય ત્યાં સુધી ચેન ના પડે.

ફેસબૂકના પહેલા સ્થાપક પ્રેસિડેન્ટ 40 વર્ષીય શોન પાર્કરે એકાદ વર્ષ પહેલાં એવો એકરાર કર્યો હતો કે ફેસબૂકની રચના લોકોને જોડવા માટે નહીં પણ તેમને લલચાવવા માટે થઈ હતી. ‘અમારો ઈરાદો એ હતો કે લોકોના સમય અને એટેન્શનમાં કેવી રીતે ભાગ પડાવવો?’ એમ પાર્કરે કહ્યું હતું. તે માટે ફેસબૂકનું અલગોરિધમ એવી રીતે બનાવવા આવ્યું હતું કે યુઝર્સને લાઇક્સ કે કૉમેન્ટ્સની આદત પડી જાય અને તે ફરી ફરીને વોલ ઉપર આવે (જેથી ફેસબૂક જાહેરખબરો દ્વારા કમાણી કરી શકે). ફેસબૂકના એન્જિનિયરો અને ટેક્નિશિયનોએ તેની રચનામાં હ્યુમન સાયકોલોજીની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો હતો. દરેક માણસો વધતા ઓછા અંશે આત્મકામી (narcissistic) અહંકેન્દ્રિત (ego centric) હોય છે અને દેખાદેખીથી વર્તે છે. ફેસબૂકની લાઇક્સ અને કૉમેન્ટ્સ વ્યક્તિની આ જરૂરિયાતોને સંતોષે છે. આપણે જ્યારે પણ એક લાઇક્સ કે કોમેન્ટ મેળવીએ છીએ ત્યારે આપણા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે અને આપણને ‘સારું’ લાગે છે. આપણે બીજાઓને જોઇને પણ વ્યવહારની નકલ કરતા રહીએ છીએ.

અમેરિકાની ફોકસ ન્યૂઝ ચેનલે કરાવેલા એક અભ્યાસમાં પણ એ સાબિત થયું હતું કે મોટાભાગના લોકો ‘મજા’ આવે છે એટલે સોશ્યલ મીડિયા પર હોય છે. વાસ્તવમાં વ્યસન સોશ્યલ મીડિયાનું નહીં, ડોપામાઇનનું હોય છે. ૧૯૫૭માં મગજના વૈજ્ઞાનિકોએ શોધેલું ડોપામાઇન 20 પ્રકારના મુખ્ય ન્યુરોટ્રાન્સમિટર પૈકીનું એક છે. આ ન્યુરોટ્રાન્સમિટરો ઝોમેટોનો ઓર્ડર લઈને મોટરસાઇકલ પર દોડતા યુવાનો જેવાં હોય છે, જે શરીરના એક ન્યુરોનથી બીજા ન્યુરોન વચ્ચે ઝડપથી મેસેજની આપલે કરવા માટે દોડાદોડી કરે છે. 50ના દાયકામાં પાર્કિન્સનના દર્દીઓ પરના પ્રયોગ પરથી એવું મનાતું હતું કે ડોપામાઈન શરીરની મુવમેન્ટ સાથે જોડાયેલું છે. પરંતુ 80ના દાયકામાં ઉંદરો પર પ્રયોગો પરથી સાબિત થયું હતું કે મગજને જયારે મજા આવે ત્યારે તે મુવમેન્ટ કરવા માટેનો મેસેજ શરીરમાં રિલીઝ કરે છે. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે ડોપામાઈન ડિઝાયર, મહત્ત્વાકાંક્ષા, એડિકશન અને સેક્સ ડ્રાઈવનું કેમિકલ છે.

આપણું દિલ ધબકતું રહે છે, ફેફસાં ફુલતાં રહે છે, આપણને તરસ લાગ્યાની કે ભૂખ લાગ્યાની ખબર પડે છે અથવા સુંદર સ્ત્રી જોઇને મનમાં સળવળાટ થાય છે આ ડોપામાઇનને આભારી છે. ડોપામાઈન મનુષ્યની જાતિના સર્વાઇવલ માટે અગત્યનું કેમિકલ છે. જેમ ખાવાનું શરીરમાં ઊર્જા માટે હોય છે પણ આપણે મજા આવે છે એટલે ખા-ખા કરીને બીમાર પડીએ છીએ. તેવી જ રીતે પ્રકૃતિએ આપણા તંદુરસ્ત જીવનના હિતમાં ગોઠવેલી ડોપામાઇન સિસ્ટમનો આપણે ગેરઉપયોગ કરીને મગજથી બીમાર પડી રહ્યા છીએ.  અહીં ડોપામાઈન ફાસ્ટિંગની જરૂર પેદા થાય છે. મગજનું આ રિવર્સ એન્જિનિયરિંગ છે. એમાં તમે થોડો થોડો સમય માટે તમારી ટેવોને બ્રેક આપો છો. તમે જે પણ આદતવશ કરતા હોય તેનાથી દૂર થઈ જાવ છો. જેથી ડોપામાઈનનું લેવલ સામાન્ય સ્તરે આવી જાય અને તમે જીવનની સામાન્ય, પ્રાકૃતિક પ્રવૃત્તિઓનો આનંદ માણવાનું શરૂ કરો.

Most Popular

To Top