નવી દિલ્હી: બાંગ્લાદેશની () રાજધાની ઢાકા સહિત અનેક શહેરો પાછલા ઘણા દિવસોથી હિંસાની (Violence) ચપેટમાં છે. ત્યારે શેખ હસીના સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની (Curfew) જાહેરાત કરી હતી. અસલમાં ગયા મહિને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આ પ્રકારનું પગલું પ્રથમ વખત લેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને હિંસાને જોતા ભારત સરકારે પણ પોતાના નાગરિકોને ખાસ અપીલ કરી છે.
બાંગ્લાદેશની પરિસ્થિતિને જોતા ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકોને આગામી એડવાઇઝરી સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હાલમાં બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને તેમની હિલચાલ મર્યાદિત કરવા અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ માટે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશને ફોન નંબર જારી કર્યા છે. આ નંબરો છે +8801958383679, +8801958383680, +8801937400591.
અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત
ગઇકાલે રવિવારે રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા શહેરોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. હિંસાને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. તેમજ સેંકડો લોકો ઘાયલ થયા હતા. અસલમાં રવિવારે વિદ્યાર્થી વિરોધીઓની પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે અથડામણ થઈ હતી. તેમજ રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી.
પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગ
વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી. ત્યારે બાંગ્લાદેશ પોલીસે હજારો પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પોલીસ એક્શનના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
શેખ હસીના 15 વર્ષથી સરકારમાં
પીએમ શેખ હસીના માટે વિરોધ પ્રદર્શન એક મોટો પડકાર બની ગયો છે. જાન્યુઆરીમાં શેખ હસીના સતત ચોથી વખત સત્તામાં પાછા ફર્યા હતા. ત્યારે તેઓ 15 વર્ષથી વધુ સમયથી બાંગ્લાદેશ પર શાસન કરે છે. આવી સ્થિતિમાં હસીનાની સરકાર પડી જવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તમામ વિરોધીઓ એક જ માંગ પર અડગ છેઃ શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
નોકરીઓમાં અનામતનો વિરોધ
બાંગ્લાદેશમાં વિદ્યાર્થી સંગઠનો સરકારી નોકરીઓમાં અનામત માટે વિરોધ કરી રહ્યાં છે. સરકારી નોકરીઓમાં ક્વોટા નાબૂદ કરવાની માંગ સાથે અહીંના લોકો પાછલા ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે. ત્યારે વિદ્યાર્થીઓના પ્રદર્શને હવે હિંસાનું સ્વરૂપ લીધું છે.