National

‘ભાજપમાં આવો નહી તો જેલ જાઓ’- આતિશીનો દાવો, AAPના 4 નેતાઓની થઈ શકે ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી સરકારના (Delhi Govt) મંત્રી અને AAP નેતા આતિશીએ (Atishi) મોટો ખુલાસો કર્યો છે. તેણીએ કહ્યું કે ભાજપમાં જોડાવા માટે તેણી પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જો તે ભાજપમાં નહીં જોડાય તો ED તેની ધરપકડ કરશે. દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મારા ખૂબ નજીકના વ્યક્તિ દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીની નેતા આતિશીએ પોતાના દાવાઓને એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘મને કહેવામાં આવ્યું કે ભાજપમાં જોડાઈ જાવ અને તમારી રાજકીય કારકિર્દી બચાવો. જો હું ભાજપમાં નહીં જોડાઉં તો આવતા મહિનામાં મારી ધરપકડ કરવામાં આવશે. તેમજ આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના કેટલાક વધુ નેતાઓની ધરપકડ કરવામાં આવી શકે છે. આતિશીએ કહ્યું, ‘વડાપ્રધાન અને ભાજપે પોતાનું મન બનાવી લીધું છે. તેઓ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને કચડી નાખવા માંગે છે, તેઓ પાર્ટીને ખતમ કરવા માંગે છે.’

આતિશીએ કહ્યું, ‘આમ આદમી પાર્ટીનું સીનિયર લીડરશીપ કસ્ટડીમાં છે. પરંતુ રવિવારે રામલીલા મેદાનમાં લાખો લોકોના આગમન અને રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના સંઘર્ષ બાદ ભાજપ આવનારા સમયમાં અમારા ચાર મોટા નેતાઓને જેલમાં ધકેલી દેશે. આગામી દિવસોમાં મારા અંગત નિવાસસ્થાને EDના દરોડા પાડવામાં આવશે. મારા સંબંધીઓ અને પરિવારના સભ્યોના ઘરે દરોડા પાડવામાં આવશે. અમને બધાને સમન્સ મોકલવામાં આવશે અને પછી અમારી ધરપકડ કરવામાં આવશે.

ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે
આતિશીએ કહ્યું કે ભાજપ આગામી બે મહિનામાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વધુ 4 નેતાઓની ધરપકડ કરવા માંગે છે. તેણીએ કહ્યું, ‘તેઓ મારી ધરપકડ કરશે, તેઓ સૌરભ ભારદ્વાજની ધરપકડ કરશે, તેઓ દુર્ગેશ પાઠકની ધરપકડ કરશે અને તેઓ રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે. અમને બધાને જેલમાં ધકેલી દેવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ભાજપ પર પ્રહાર કરતા આતિશીએ કહ્યું કે, ‘આજે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે અમે તમારી ધમકીઓથી ડરતા નથી અમે ભગત સિંહના શિષ્ય છીએ, કેજરીવાલના સૈનિક છીએ. જ્યાં સુધી આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરના અંતિમ શ્વાસ બાકી છે ત્યાં સુધી અમે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આ દેશને બચાવવા માટે કામ કરતા રહીશું.

Most Popular

To Top