Editorial

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનું અન્ય નાના દેશો પર હુમલાનું ગાંડપણ ગમે ત્યારે વિશ્વયુદ્ધ કરાવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને સમૃદ્ધ કરવા માટે ધાંધા થયા છે. ટ્રમ્પ દેશને સમૃદ્ધ કરશે કે પોતાની કંપનીઓને તે સમય કહેશે પરંતુ ટ્રમ્પના પગલાઓ ગમે ત્યારે વિશ્વયુદ્ધ શરૂ કરાવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ટ્રમ્પ દ્વારા નાના દેશો પર હુમલા કરીને તેમની સંપત્તિ હડપી લેવાની શરૂ કરાયેલી પ્રવૃત્તિ સામે આખા વિશ્વમાં રોષની લાગણી છે. આ લાગણી ક્યાં તો ટ્રમ્પને ઉથલાવશે અથવા ક્યાં તો નાના દેશોને ટ્રમ્પની વિરુદ્ધ ભેગા કરશે.

ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં માદુરો અને તેમનાં પત્ની ઊંઘતાં હતાં ત્યારે જ તેમની ધરપકડ કરાવીને કહી દીધું કે હવે વેનેઝુએલાનું ઓઇલ અમારું છે. જોવામાં આવે તો આ વેનેઝુએલાનું સત્તા પરિવર્તન નથી પણ ટ્રમ્પની ખુલ્લેઆમ કોઈ દેશ અને તેના સંસાધનો હડપી લેવાની નીતિ છે. ટ્રમ્પે માત્ર વેનેઝુએલા પર જ કબજો કર્યો નથી પરંતુ સાથે સાથે મેક્સિકો, ક્યૂબા, ઈરાન, ગ્રીનલેન્ડ, કોલંબિયા સહિત અન્ય નાના પાંચ દેશો પર પણ પોતે હુમલા કરશે તેવી જાહેરાત કરીને વિશ્વને ચોંકાવી દીધા છે.

આજથી બરાબર 203 વર્ષ પહેલાં 1823માં જેમ્સ મનરો નામના એક અમેરિકન વ્યક્તિ સિદ્ધાંત લાવ્યા હતા. જેનું નામ છે મનરો ડોક્ટ્રીન. જેનો અર્થ હતો કે અમેરિકા ખંડમાં યુરોપ દખલ ન કરે. આજે તે જ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને બદલીને ડોનરો ડોક્ટ્રીન લાવ્યા છે. એ સમયે ઇરાદો અમેરિકાનું રક્ષણ કરવાનો હતો પણ આજે સોફ્ટ પાવરની જગ્યા ટ્રમ્પની હાર્ડ પાવરની ગુંડાગીરીએ લઈ લીધી છે. આમ તો અમેરિકાએ અત્યાર સુધીમાં અનેક વખત અન્ય દેશો પર આક્રમણ કર્યા છે.

ઈતિહાસ જોવામાં આવે તો 1846થી 2026 સુધીમાં અમેરિકાએ 16થી વધુ દેશો પર સીધા અથવા પરોક્ષ રીતે આક્રમણ કર્યા છે. 1950 પછી અમેરિકાએ 400થી વધુ મિલિટરી ઓપરેશન કર્યાં છે. જેણે વિશ્વમાં મોંઘવારી વકરાવી છે. જોકે, ટ્રમ્પ એટલા માટે મિલિટરી એકશન કરી રહ્યા છે કે તેમણે અમેરિકામાં ચૂંટણીઓ જીતવી છે. અમેરિકામાં 2025ના વર્ષમાં ટ્રમ્પની પાર્ટી માત્ર 33 ટકા જ ચૂંટણી જીતી શકી છે. જ્યારે 67 ટકા ચૂંટણીઓ હારી ગઈ છે. હાલમાં અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ થવાની છે અને સ્થિતિ જોતાં ટ્રમ્પે તેમાં હારનું મોઢું જોવું પડે તેમ છે.

ટ્રમ્પ મિલિટરી એકશન દ્વારા પોતાની ઈમેજ સુધારવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સાથે સાથે અમેરિકાના મતદારોને એવું કહેવા માંગી રહ્યા છે કે મેં અમેરિકાને ફાયદો કરાવ્યો. ટ્રમ્પ વેનેઝુએલામાંથી ક્રુડ ઓઈલ લઈ લેવા માંગે છે. જ્યારે ગ્રીનલેન્ડમાં જે રેર અર્થ મિનરલ્સ છે તે ઉઠાવી લેવાની ઈચ્છા ધરાવે છે. ઈરાનની પરમાણુની જીદ છોડાવવા માટે ટ્રમ્પ તેની પર હુમલો કરવાનો ઈદારો ધરાવે છે. જ્યારે ડ્રગ્સનું નામ લઈને મેક્સિકો અને ચીન તેમજ રશિયાના પ્રભુત્વને નાથવા માટે ક્યૂબાને પણ કબજે કરવાનો ટ્રમ્પનો ઈરાદો છે.

ટ્રમ્પના ઈરાદા ખતરનાક છે. ટ્રમ્પ દ્વારા જો આ નાના દેશો પર હુમલા કરવામાં આવશે તેની અસર આખા વિશ્વ પર મોટાપાયે પડે તેમ છે. જો ગ્રીનલેન્ડ પર અમેરિકા હુમલો કરે તો નાટોનો છેદ ઉડી જશે અને આ સંજોગોમાં રશિયા યુક્રેનના ભૂક્કા બોલાવી દેશે. સરવાળે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે. અમેરિકાના ટ્રમ્પની લાલસા અને ગાંડપણ ગમે ત્યારે વિશ્વને વર્લ્ડ વોરમાં ધકેલી દેશે અને તેની અસર ભારતને પણ થશે.

ટ્રમ્પના તઘલખી નિર્ણયો સામે હવે નાના દેશોએ ભેગા થવું પડે તેમ છે. ટ્રમ્પને નાથવા હશે તો વિશ્વના અન્ય દેશોએ એકતા બતાવવી પડશે. ટ્રમ્પના મિલિટરી એકશને કારણે ભારતને પણ નુકસાન થશે. આઝાદી પછી 1950ના સમયમાં ભારતે કોરિયા અને વિયેતનામ મુદ્દે જે સ્પષ્ટ વલણ રાખ્યું હતું તેવી હિંમત ભારતે અને વિશ્વએ આજે ટ્રમ્પને પણ દેખાડવી પડશે. જો વિશ્વ હવે ચૂપ રહેશે તો કાલે રશિયા યુક્રેન પર, ચાઈના તાઈવાન પર અને બીજા દેશો પણ એકબીજા પર લોહી તરસ્યા દુશ્મનની જેમ તૂટી પડશે. શરૂઆત તો કોઈએ કરવી પડશે ચાહે એ ભારત હોય, ચીન હોય, રશિયા હોય કે યુનાઈટેડ નેશન્સ હોય બાકી ટ્રમ્પ દુનિયાનો ભરડો લઈ લેશે. ટ્રમ્પ એક પરિવકવ રાજકારણી નથી અને તેને કારણે તેના તમામ પગલા વિધ્વંશકારી છે. જો તેમ થશે તો દુનિયામાં અમેરિકાની એકમાત્ર ઈજારાશાહી ચાલશે અને બાકીના દેશો દેવાળીયા થઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top