અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સીક સાથે જે કર્યુ તેનો 40 જેટલા દેશોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે જ્યારે દુનિયાના તમામ દેશના લોકોને પણ આ ગમ્યુ નથી તેઓ મનોમન ટ્રમ્પના અભિમાનને વખોડી રહ્યાં છે. ટ્રમ્પે એ જાણી લેવું જોઇએ કે તેઓ માત્ર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ છે સમગ્ર દુનિયાના નથી. રામાયણકાળમાં સોનેરી લંકાના રાજા રાવણે પણ આ જ ભૂલ કરી હતી. ખૂબ જ પંડિત અને જ્ઞાની ગણાતા રાવણને પણ અભિમાન આવી ગયું હતું. જેના કારણે તે ભૂલી ગયો હતો કે, તે માત્ર લંકાનો રાજા છે નહીં કે સમગ્ર વિશ્વનો. અને ત્યાર પછી તેની સાથે જે થયું તે સમગ્ર દુનિયા જાણે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ કંઇ આવુ જ સમજી રહ્યા છે કે, તેઓ જે કહેશે તે સમગ્ર દુનિયા કરશે. ટૂંકમાં તેમના વર્તનના કારણે સમગ્ર દુનિયા ઝેલેન્સીકના રાષ્ટ્રપ્રેમને સલામ કરી રહી છે. આ ઘટના બાદ ઝેલેન્સકીએ એક્સ પર જે લખ્યું છે તેની દરેક લાઇન લોકોના હ્રદયને સ્પર્શી જાય તેવી છે. ઝેલેન્કીએ લખ્યું, ‘અમેરિકાના તમામ પ્રકારનાં સમર્થન માટે અમે તેમના આભારી છીએ. હું તેમના ગેરપક્ષપાતી સમર્થન માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કૉંગ્રેસની સાથે અમેરિકાના લોકોનો આભાર પ્રગટ કરું છું. જેમણે અમારો સાથ આપ્યો. યુક્રેની લોકોએ હંમેશાં આ સહયોગના વખાણ કર્યા છે.
ખાસ કરીને આ આક્રમણ પછી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન.’ ‘અમારું અસ્તિત્વ ટકાવી રાખવામાં અમેરિકાએ જે સહયોગ આપ્યો તે મહત્ત્વનો હતો. તેનો અમારે સ્વીકાર કરવો જ રહ્યો. તીખી વાતચીત બાદ અમે રણનીતિક સહયોગી છીએ. પરંતુ આપણે આપણાં લક્ષ્યાંકોને યોગ્ય રીતે સમજવા માટે એકબીજાના ઇમાનદાર સહકારની અને સ્પષ્ટ રહેવાની જરૂર છે.’ ઝેલેન્સ્કીએ યુક્રેન માટે અમેરિકાની મદદની જરૂર હોવાની વાત પર લખ્યું, ‘અમારા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સમર્થન હોવું જરૂરી છે. તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માગે છે, પરંતુ અમારાથી વધુ શાંતિ કોઈ નથી ઇચ્છતું.
અમે જ યુક્રેનવાસીઓ આ જંગને સહન કરી રહ્યા છીએ. આ અમારી આઝાદી અને અમારા અસ્તિત્વની લડાઈ છે.’ઝેલેન્સ્કીએ લખ્યું, ‘જેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ રિગને એક વખત કહ્યું હતું કે શાંતિનો અર્થ માત્ર યુદ્ધ ન હોવું જ નથી. અને અમે ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિની વાત કરી રહ્યા છે. એટલે કે તમામ માટે આઝાદી, ન્યાય અને માનવાધિકાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધવિરામ કોઈ કામનું નથી. તેમણે છેલ્લાં દસ વર્ષમાં 25 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અસલમાં શાંતિ માત્ર સમાધાન છે.’
શુક્રવારે જ્યારે ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે તીખી વાતચીત થઈ ત્યાર બાદ લાગતું હતું કે ટ્રમ્પ યુક્રેન સાથે જે ખાણ-ખનીજ સમજૂતિ કરવા માગે છે તે નહીં થાય. પરંતુ ઝેલેન્સ્કીએ શનિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે તેઓ સમજૂતિ માટે તૈયાર છે. તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ સ્થાયી શાંતિ અને સુરક્ષાની ગૅરંટી ઇચ્છે છે. તેમણે એમ પણ લખ્યું કે સુરક્ષા ગૅરંટીની દિશામાં પહેલું પગલું ખાણ-ખનીજ સમજૂતિ હશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમયથી યુક્રેનના યુરોપિયન યુનિયન, નાટો, તથા અન્ય યુરોપિયન સંસ્થાઓ સાથેના સંબંધોનો વિરોધ કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે યુક્રેન ક્યારેય પૂર્ણ દેશ નહોતો. તેઓ ઇચ્છે છે કે યુક્રેન નાટોમાં સામેલ ન થાય. તે માટે તેઓ યુક્રેન અને નાટોની ગૅરંટી ઇચ્છે છે.
