આખરે જેનો ડર હતો તે જ થયું. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાની સાથે જ ટ્રમ્પએ પોતાનું પોત પ્રકાશવા માંડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવી વ્યક્તિ છે કે જેનો કોઈ જ ભરોસો કરી શકાય નહીં. અગાઉ આજ ટ્રમ્પ માટે નરેન્દ્ર મોદીએ અનેક કાર્યક્રમો કર્યા હતા પરંતુ ટ્રમ્પે આ વખતે નરેન્દ્ર મોદીને પોતાના શપથગ્રહણમાં આમંત્રણ સુદ્ધાં આપ્યું નહીં. સરેરાશ ભારતીય એવું માનતો હતો કે ટ્રમ્પ આવ્યા બાદ ભારતને ફાયદો થશે પરંતુ ટ્રમ્પની પ્રકૃત્તિ એવી સ્હેજેય નથી કે જે ભારતને અનુકુળ થાય. અગાઉ અમેરિકામાં ચૂંટણી હતી ત્યારે ટ્રમ્પ દ્વારા ભારતીયોનો ઉપયોગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટતા વધારવામાં આવી હતી પરંતુ હવે ‘ગરજ સરીને વૈદ વેરી’ની જેમ ટ્રમ્પ ફરી ગયા છે.
ગત વખતે ચૂંટણી હારી ગયા બાદ પણ ટ્રમ્પ દ્વારા ધમપછાડા કરવામાં આવ્યા હતા. પરંતુ તેની કારી ફાવી નહોતી પરંતુ આ વખતે ચૂંટણીમાં જીતી ગયા બાદ ટ્રમ્પના તેવર એવું બતાવતા જ હતાં કે ટ્રમ્પ નવાજૂની કરશે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ પહેલું મોટો ઘા ભારતીયોને માર્યો છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને અને ગેરકાયદે રીતે અમેરિકા આવતા લોકો પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતને પગલે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 7.25 લાખ જેટલા ભારતીયો પર જોખમ આવી ગયું છે. ટ્રમ્પે બધા માટે આ પ્રતિબંધ મુક્યો છે પરંતુ તેની મોટી અસર ભારતીયોને થનારી છે.

અગાઉ 2022માં પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા એક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા 10.10 કરોડ બતાવવામાં આવી હતી. તેમાં ભારતમાંથી આવતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની સંખ્યા 7.25 લાખ ગણાવવામાં આવી હતી. આ આંકડો 2022નો છે પરંતુ હાલમાં તેમાં વધારો પણ થયો હશે. આ મૂલ્યાંકનના આંકને માનવા માટે ટ્રમ્પ તૈયાર નથી. ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોની સંખ્યા 2થી અઢી કરોડ હોવાનું માની રહ્યા છે. ટ્મ્પે યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ટ્રમ્પે ગેરકાયદે રહેતા લાખો લોકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. ટ્ર્મ્પની આ જાહેરાતને કારણે લાખો ભારતીયો ચિંતામાં મુકાઈ ગયા છે અને ફફડી રહ્યા છે.
ભારત સરકાર પણ હાલ તો ટ્રમ્પની આ જાહેરાત પછી મૌન ધારણ કરીને જ બેઠી છે. જે ગેરકાયદે લોકો અમેરિકામાં રહે છે તેમાં મેક્સિકોથી 40 લાખ, અલ સાલ્વાડોરથી 7.5 લાખ, ભારતના 7.25 લાખની સાથે અન્યોનો સમાવેશ થાય છે. મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ઈમિગ્રન્ટ્સમાં ભારતીયોનો જ નંબર છે. અમેરિકાના કુલ વસતીમાં 3.3 ટકા લોકો ગેરકાયદે રહે છે અને હવે તે ટ્રમ્પના નિશાના
પર છે.
ટ્રમ્પે તો હજુ શપથ લીધા જ છે અને પોતાના ફરમાનો છોડવા માંડ્યા છે. ટ્રમ્પને સરેરાશ ભારતીય પ્રત્યે નફરત છે તે જોતા આગામી દિવસોમાં ભારતીયોને નુકસાન થાય તેવા અનેક પગલા ટ્રમ્પ દ્વારા લેવામાં આવે તેવી સંભાવના છે. ટ્રમ્પની રશિયા સાથે મિત્રતા છે અને ચીન સાથે પણ ટ્રમ્પ મિત્રતા કેળવવા માંગે છે. બાઈડનના દરેક નિર્ણયોને ઉલટાવવા માટે ટ્રમ્પ તત્પર છે. આ સંજોગોમાં આગામી દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે વર્તશે તેનો કોઈ જ વર્તારો કરી શકાય તેમ નથી. ટ્રમ્પ સાથેના સંબંધોમાં ભારતે ભારે રાજદ્વારી કૂનેહ વાપરવી પડશે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથગ્રહણ માટે આમંત્રણ નહીં આપીને પોતાની નારાજગી જાહેર કરી જ દીધી છે ત્યારે આગામી દિવસોમાં ભારત સરકાર દ્વારા શું વલણ લેવામાં આવે છે તેની પર સૌની નજર છે.