વ્યારા: ડોલવણના (Dolvan) કમલાપોર ગામે વિરપોર વિભાગ ખેડૂતોની (Farmers) પિયત સહકારી મંડળીની મોટરોમાંથી 300 ફૂટ જેટલો વીજ વાયર ચોરી (Power Wires) જતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વીજવાયરોની ચોરીની વારંવાર ઘટના બનતાં વિરપોર વિભાગ ખેડૂતોની પિયત મંડળીના કેશવ રતનજી ભંડારી, મંત્રી જયભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખેડૂત બાલુ લલ્લુ પટેલ અને કેશવ ભંડારીના ખેતરમાંથી પણ વીજ કેબલોની ચોરી થતાં આ અંગેની કેશવ ભંડારીએ પોલીસને ફરિયાદ કરી હતી.ઉકાઈ ડાબા કાંઠા પર બેડચીત-કમલાપુર કેનાલ પર પાણી લઈ ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતી મંડળીના ઇલેક્ટ્રિક મોટરના વીજવાયરોની ચોરી થતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
છેલ્લા ત્રણેક દિવસથી આ ચોરીનો મામલો યથાવત
છેલ્લા ત્રણેક દિવસથી આ ચોરીનો મામલો યથાવત રહ્યો છે. જેને પગલે ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે. કમલાપોર હાલમાં ઉકાઈ ડાબાકાંઠા બેડચીત કમલાપુરને જોડતી પ્રશાખામાં નહેરનું કામકાજ ચાલતું હોવાથી આ કામગીરી કરનાર એજન્સી દ્વારા ખોદકામ કરતા ઈલેક્ટ્રિક મોટરના વીજ વાયરો બહાર નીકળી આવ્યા હતા. આ એજન્સીની બેદરકારીને કારણે વીજ વાયર બહાર નીકળી આવતાં ચોરટાઓને પોતાની મેલી મુરાદ પૂરી પાડવામાં સફળતા મળી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
અંકલેશ્વર GIDCમાં પાર્ક કરેલાં વાહનોમાંથી 5 બેટરીની ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફિસ બહાર પાર્ક કરેલાં ચાર વાહનોમાંથી પાંચ બેટરી મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત વૈભવ પાર્કમાં રહેતા ઇન્દ્રજીત મુરલીધર યાદવ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લાયકા ચોકડી પાસે આવેલી જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવે છે. જેમની ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ પાર્ક કરેલા ટેન્કર આઈસર ટેમ્પો ,આઈસર ટેમ્પો અને આઈસર ટેમ્પોને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં અને ચારેય વાહનોમાં રહેલી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માંડણ, સેલારપુર સહિત છ ગામમાંથી રૂ.2.50 લાખની વીજ ચોરી ઝડપાઈ
વાંકલ: માંગરોળ તાલુકાના માંડણ, સેલારપુર સહિત છ જેટલાં ગામોમાં વીજ કંપનીએ રેડ કરી રૂ.2,50,000 વીજ ચોરી ઝડપી પાડી હતી. બારડોલી વિભાગીય વીજ કચેરીમાં સમાવિષ્ટ વિવિધ વીજ કચેરીની ટીમોએ માંડણ, સેલારપુર, ઘોડબાર, ઝરણી, બોરિયા, કંટવાવ સહિત છ ગામમાં રેડ કરી હતી. જેમાં મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરનારા તેમજ ડાયરેક્ટ લંગર નાંખી વીજ ચોરી કરતા 16 જેટલા વીજ ચોરોને ઝડપી પાડી દંડનીય બિલો ફટકાર્યાં હતાં. જેને કારણે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.