ગાંધીનગર : આજે ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૭મા સ્થાપના દિવસની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષનો ધ્વજ લહેરાવી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બંને નેતાઓએ ભારતમાતા તેમજ પક્ષના આદ્યસ્થાપકો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી પરંતુ જનસેવાનું સબળ માધ્યમ છે. તેમણે પક્ષના સિદ્ધાંતો અને સિદ્ધિઓ પર ભાર મૂકતા કહ્યું હતું કે, માત્ર બે બેઠકો હોવા છતાં ભાજપ ક્યારેય વિચલિત નથી થઈ. આજે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ તે અનેક કાર્યકર્તાઓના લોહી-પરસેવાનું પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની રાજનીતિને આજે વિશ્વએ સ્વીકારી છે. ગુજરાતનું બજેટ ૯ હજાર કરોડથી વધીને ૪.૦૮ લાખ કરોડ સુધી પહોંચ્યું છે.
મોદી-શાહના નેતૃત્વમાં ભારત સુરક્ષિત છે. મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જેવો નિર્ણય ભાજપની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. ભાજપના કાર્યકર માટે “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ” એ માત્ર સૂત્ર નહીં પણ કાર્યશક્તિનો આધાર છે.

ગાંધી સરદારની ભૂમિનું ખડગેએ કરેલા અપમાન સામે પ્રદેશ પ્રમુખનો આક્રોશ
ગુજરાતીઓને મૂર્ખ કહેનારને જનતા જડબાતોડ જવાબ આપશે તેમ કહેતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના ઇતિહાસને વાગોળતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે યાદ અપાવ્યું હતું કે, જ્યારે નહેરુજીએ જનસંઘને કચડી નાખવાની વાત કરી હતી, ત્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ તેમની વિધ્વંસક વૃત્તિનો વિનાશ કરવાની ગર્જના કરી હતી.
- અટલજીએ કરેલી ભવિષ્યવાણી અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા આજે સાચી ઠરી છે. આજે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં ભાજપ-NDAનું શાસન છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા સામે તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ગાંધી, સરદાર, મોદી અને શાહની આ ધરતીનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે અને જનતા તેનો જડબાતોડ જવાબ આપશે.
ભાજપ વંશવાદ પર નહીં પણ લોકશાહી પર ચાલતો પક્ષ છે, જ્યાં સામાન્ય કાર્યકર પણ વડાપ્રધાન બની શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આહવાન
સ્થાપના દિવસને ‘સંકલ્પ ઉત્સવ’ ગણાવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય સંકલ્પ સાથે કાર્યરત રહી તમામ સ્થાનોએ ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે, પંડિત દીનદયાળજીના ‘અંત્યોદય’ના માર્ગે ચાલતો ભાજપ પક્ષ ‘લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુખી’ ના મંત્રને વરેલો છે.