Editorial

ગુજરાતની પ્રજાના ટેક્સના રૂપિયા રસ્તાના ખાડા પૂરવામાં જાય છે કે અધિકારીઓના પેટના ખાડા?

રસ્તા, પાણી, ગટર, સ્વાસ્થ્ય અને ભણતર પાયાની સુવિધા છે અને તે પૂરી પાડવી સરકારની ફરજ છે. આ વાત સામાન્ય માણસોથી લઇ અધિકારીઓ તમામ વર્ગના લોકો જાણે છે. પરંતુ અધિકારીઓએ એ સમજી લેવું જોઇએ કે અહીં રસ્તાનો અર્થ સારા રસ્તા કરવાનો હોય છે. ગુજરાતમાં એક જ વરસાદમાં રંગ પર પાણી પડે અને તે ધોવાઇ જાય તે રીતે રસ્તો ધોવાઇ જાય છે. એવું નથી કે વરસાદ ફક્ત ગુજરાતમાં પડે છે. સમગ્ર દુનિયામાં પડે છે પરંતુ જે રીતે આપણા રસ્તાની હાલત થાય છે તેવી તો કશે થતી નથી.

ગુજરાતના રસ્તાની હાલત અત્યારે એવી છે કે ઘરની બહાર નીકળવું હોય તો સો વખત વિચારવું પડે છે. એવું નથી કે કોન્ટ્રાક્ટરો આ રસ્તા મફતમાં બનાવીને સેવા કરે છે. આ રસ્તા બનાવવા પાછળ તેમને રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બજાર કિંમત મુજબ જ નાણા ચૂકવે છે પરંતુ આ રસ્તા સારા બને તે જોવાની જવાબદારી અધિકારીઓની થાય છે. પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઇ જાય એ પણ સનાતન સત્ય છે. ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આ અધિકારીઓ કરે છે શું? તેમણે શાનમાં સમજી લેવું જોઇએ કે પ્રજા વેરાના રૂપિયા સમયસર ભરી દે છે અને જો ન ભરે તો નબળો ધણી બૈરા ઉપર શૂરો તેવી હાલત અધિકારીઓ કરતાં હોય છે.

કેટલાક કિસ્સામાં તો વેરો નહીં ભરનારાના નળ અને પાણીના કનેકશન કાપી નાંખવામાં આવે છે ત્યારે અહીં સવાલ એ છે કે આવા નબળા રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે અધિકારી કેમ અદબ પલાંઠી મોં ઉપર આંગળીની સ્થિતિમાં આવી જાય છે. ખરેખર તો હવે આ ડામરમાંથી રેતી જેવા બની ગયેલા રસ્તાના રિપેરિંગનો ખર્ચ અધિકારીઓ પાસે વસૂલવામાં આવે તેવો કાયદો અમલમાં આવવો જોઇએ. ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

રસ્તા પરના ખાડા ગુજરાતની જનતાની કમર તો ભાંગે જ છે પણ સાથસાથે પ્રજાનું ખીસ્સુ પણ ભાંગે છે. આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલટેક્સ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં 4800 કરોડ રૂપિયા જેટલી રકમ ગુજરાતની પ્રજા ચૂકવે છે. બીજી બાજુ ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે સરકાર કુદરતનો વાંક કાઢે છે. દર વર્ષે રસ્તાઓ ધોવાઇ જાય અને ખાડાઓને કારણે જનતાની કમર તો તૂટે છે પણ સાથેસાથે મોટા પ્રમાણમાં સમય અને ઇંધણની પણ બરબાદી થાય છે. વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને ખાડા પડવાને કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે. 

2017થી 2021ના જ આંકડા લઈએ તો પાંચ વર્ષની અંદર ખાડામાં પડવાને કારણે થયેલ અકસ્માતમાં ૫૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એના માટે ફક્તને ફક્ત ભ્રષ્ટાચાર જવાબદાર છે. દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઇ જાય છે. એની પાછળ મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય આ તમામ પૈસા ખર્ચાઈ ગયા છે, કોન્ટ્રાકટરો અને સરકારના ખિસ્સા ભરાઈ ગયા છે એ પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી થઇ ગઈ છે. આખા ગુજરાતમાં ખાડારાજને કારણે પ્રજા ત્રાહિમામ છે, ચારે તરફ રસ્તાઓને નામે કરોડોનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ત્યારે જનતાજાણવા પણ માંગે છે કે, આમાં સાચી હકીકતે થઇ શું રહ્યું છે?

ગુજરાતના રસ્તાઓને ખાડાઓને અનુસંધાને શ્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા એક વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? બે વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કેટલા અને કયા છે? સાથેસાથે ગેરંટી પીરીયડમાં હોય અને રસ્તા ધોવાઇ ગયા હોય? ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? એવા રસ્તાઓની મરામત પાછળ માર્ગ અને મકાન વિભાગ કે શહેરી વિકાસ વિભાગે કયા રસ્તા પાછળ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે? ગેરંટી પીરીયડમાં હોય તો કયા કોન્ટ્રાકટર પાસેથી આનો ખર્ચ વસુલવામાં આવ્યો છે?

સાથેસાથે એક જ કોન્ટ્રાકટરની વારંવાર ગુણવતા હલકી હોવાની ફરિયાદો હોય, એક કોન્ટ્રાકટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોવાઇ જતા હોય એવા કેટલા કોન્ટ્રાકટરોને બ્લેક્લીસ્ટ કરવામાં આવ્યા? સરકાર જો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરે તો આખું તંત્ર મિલીભગત અને ભ્રષ્ટાચારમાં ગોઠવાયેલું છે કે એ જ એજન્સી બીજા નામે કોન્ટ્રાકટ લઈને કામો ચાલુ છે. ત્યારે સરકાર આ તમામનો સર્વે કરાવીને શ્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતાના ખ્યાલ આવે કે તેઓ જે ટેક્સ ચૂકવે છે એનાથી જે રસ્તા બને છે એમાં કોના ખિસ્સા ભરાય છે.

કોને લાભ થાય છે અને પ્રજા આ હાડમારીમાંથી ક્યારે છૂટશે. ગુજરાતમાં આજે શહેરના રસ્તા, ગામડાના રસ્તા, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે હોય બધાની એક જ પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચારી તંત્રએ સરદાર સાહેબને પણ છોડ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આખા દેશ અને વિશ્વમાંથી લોકો આવતા હોય, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તાની હાલત એવી છે કે વિદેશથી આવતા ટુરિસ્ટ પણ વિચારતા હશે કે ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ જોવા લાયક છે તેમ ગુજરાતના રસ્તા પણ જોવા લાયક છે કારણ કે, વિદેશમાં આવા રસ્તા ક્યાંય જોવા નહીં મળે એટલે આવા ટુરિસ્ટને તો એક સાથે બે અજાયબી જોવા મળી જાય છે.

Most Popular

To Top