માસિક લંબાવવા માટે બે પ્રકારની ગોળીઓ આવે છે
સમસ્યા : મહિલાઓ ધાર્મિક પ્રંસગો અગાઉ ત્રણ-ચાર દિવસ પહેલાં માસિક લંબાવવા ગોળી લે છે. તો શું આ દવાઓથી મહિલાને નુકસાન કે આડઅસર થવાની શક્યતા ખરી?
ઉકેલ. માસિક લંબાવવા માટે બે પ્રકારની ગોળીઓ આવે છે. એક બજારમાં મળતી સામાન્ય ગર્ભનિરોધક ગોળી અને બીજી ગોળીમાં પ્રોજેસ્ટોન હોર્મોન્સ હોય છે. માસિકસ્રાવ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સનું પ્રમાણ ઓછું થવાથી આવે છે. જ્યારે આ ગોળી લેવામાં આવે ત્યારે આ હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે. જેથી માસિક આવતું નથી. ગોળી બંધ કર્યાના બે-ત્રણ દિવસમાં માસિક પાછું આવી જતું હોય છે. આ ગોળી અનિયમિત માસિકને નિયમિત કરવા માટે પણ વપરાય છે. આ ગોળીથી અમુક લોકોને દવા લે ત્યાં સુધી ઉબકા આવે અથવા શરીરમાં પાણી ભરાવાથી સોજા અનુભવાતા હોય છે. બાકી કોઇ કાયમી આડઅસર જોવા મળતી નથી. દુનિયામાં લાખો સ્ત્રીઓ આ દવાનું સેવન કરતી હોય છે. પરંતુ આ દવા સ્ત્રી રોગ નિષ્ણાંતના માગદર્શન હેઠળ જ લેવી જોઇએ.
પુરુષત્વના હોર્મોન્સથી દાઢી-મૂછ આવે છે
સમસ્યા: હું 18 વર્ષનો યુવાન છું. અઠવાડિયામાં બે વાર હસ્તમૈથુન કરું છું. મને છોકરી જોડે સેક્સ માણવાની તીવ્ર ઇચ્છા થાય છે. તો મારે શું કરવું?
ઉકેલ. ચૌદ-પંદર વર્ષની ઉંમરે પુરુષતત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટીરોનનું ઉત્પાદન શરીરમાં શરૂ થતું હોય છે. જેનાથી દાઢી-મૂછ આવે છે. ઇન્દ્રિયનો વિકાસ થાય છે. ઘણી વાર રાતે ઊંઘમાં વીર્ય સ્રાવ થાય અને સેક્સની ઇચ્છા પણ થાય. આ બધા નોર્મલ દરેક પુરુષના જીવનમાં આવતા માઇલસ્ટોન છે. જો આમ ના થાય તો ચિંતા કરવી પડે. હસ્તમૈથુનથી કોઇ જ નુકસાન ના થાય. લગ્ન પહેલાં જાતીય ઇચ્છાપૂર્તિ કરવા હસ્તમૈથુન સૌથી સુરક્ષિત રસ્તો છે. પરંતુ આપની આ ઉંમરે ભણવામાં વધારે ધ્યાન આપવું જોઇએ, નહીં સ્ત્રીઓમાં.
હેરાન થવા કરતાં યોગ્ય નિદાન બાદ સારવાર લેવી હિતાવહ છે.
સમસ્યા : હું અપરિણીત 24 વર્ષની યુવતી છું. હમણાં જ મારા મેરેજ છે. સ્ત્રીબીજ આગળ નાની ફોડકીઓ અને સાથળના ભાગમાં ખીલ થાય છે. કાળા ડાઘા પણ પડી ગયેલ છે. ડોક્ટરને બતાવવું મારા માટે યોગ્ય ન કહેવાય. તો આપ પ્લીઝ મને જલ્દી ઉપાય બતાવવા વિનંતી.
ઉકેલ. આપના પત્રની વિગત પરથી લાગે છે કે આપને ફંગલ ઇન્ફેક્શન થયેલ છે. આ માટે આપ ટેબ્લેટ FlucanaZole 150mg ની ગોળી અઠવાડિયામાં બે વાર લો. પછી લેવાની જરૂર નથી. મોટા ભાગે તો આપની તકલીફ દૂર થઇ જશે. છતાં પણ રહે અને આપને શરમ આવતી હોય તો ચામડીના સ્ત્રી ડોક્ટરને બતાવી લેવું જરૂરી છે. હેરાન થવા કરતાં યોગ્ય નિદાન બાદ સારવાર લેવી હિતાવહ છે.
નેગેટીવ બ્લડ ગ્રુપવાળી છોકરીને પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ થાય?
સમસ્યા : આમ તો ઘણા પ્રશ્નો છે. પણ આ બધા પ્રશ્નોનું એક જ મૂળ છે અને એ છે મારું નેગેટીવ બ્લડ ગ્રુપ. મને એવું જાણવા મળ્યું છે કે નેગેટીવ બ્લડ ગ્રુપવાળી છોકરીને પ્રેગ્નેન્સીમાં અવશ્ય પ્રોબ્લેમ થાય, શું આ વાત સાચી છે? જો નાનો મોટો પ્રોબ્લેમ હોય તો વાંધો નથી. પણ મેં બે કેસ એવા જોયા છે, જેમાં બંને બહેનોનું બ્લડ ગ્રુપ નેગેટીવ હતું. એમાંથી એકને લગ્ન પછી 12 વર્ષે બાળક થયું અને બીજી બહેનને બાળક જલ્દી થયું, પણ એમનું બાળક ખામીવાળું છે. તો શું આ બધા પાછળ નેગેટીવ બ્લડ ગ્રુપ જવાબદાર છે? અને હા, એક જણે તો મને એમ પણ કહ્યું કે પતિ-પત્ની બન્નેનું બ્લડ ગ્રુપ સરખું ન હોવું જોઇએ. પણ મારું અને મારા મંગેતરનું બ્લડ ગ્રુપ ‘B’ નેગેટીવ છે. તો શું અમારી સાથે પણ આવું કંઇ થશે? શું પતિ-પત્ની બન્નેનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટીવ જ હોવું જોઇએ?
ઉકેલ. જો પતિ અને પત્નીનું બ્લડ ગ્રુપ એક જ હોય તો કોઇ જ વાંધો આવતો નથી. જ્યારે પતિનું ગ્રુપ પોઝિટીવ હોય અને પત્નીનું નેગેટીવ હોય તો મુશ્કેલીઓ થઇ શકે છે. તમારા કેસમાં બાળક રહેવામાં કોઇ જ વાંધો આ કારણસર ના થઇ શકે. આપે જે બહેનોની વાત કરી છે તેમની તકલીફ કોઇ બીજા કારણસર હશે.
જો આપને ભવિષ્યમાં થનાર પહેલા બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટીવ હોય તો જે માતા (નેગેટીવ) છે, એના લોહીમાં Rh એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. જેની અસર બીજી સુવાવડ વખતે બાળકમાં થાય છે. જેથી બીજા બાળકના લોહીમાં તકલીફ થઇ શકે અને બાળકને એનિમિયા અને કમળા જેવી બિમારી પણ થઇ શકે છે. આ અટકાવવા માટે પહેલી સુવાવડ પછી બોંતેર કલાકની અંદર એન્ટી-‘D’ ઇન્જેક્શન લેવું પડે. આ ઇન્જેક્શનની કિંમત આશરે રૂપિયા અઢારસોથી બે હજારની હોય છે. આ સારવાર લેવાથી બીજી સુવાવડમાં તકલીફ થતી નથી. આ સારવાર ગર્ભપાત પછી પણ લેવી જરૂરી છે.
કુંવારાની જાતિય ઇચ્છા સંતોષવા માટે કાયદેસરની છૂટ આપવી જોઇએ?
સમસ્યા: મોટી ઉંમરનાં અપરિણીત, કુંવારાઓને સલાહ આપાય છે કે સારા વિચાર, વાંચન કરવું. બહ્મચર્ય પાળવું, વગેરે વગેરે. પરંતુ આ બધું કરવા છતાં જેમને જાતીય સંતોષ મેળવવાની ઇચ્છા થતી હોય તો તેમનું શું? વળી એવી પણ સલાહ આપાય છે કે કોન્ટ્રાકટ મેરેજ કરી લો. પરંતુ આ બધું ગેરકાયદેસર અને સમાજથી ડરવા જેવું છે. પરંતુ જો સરકાર દ્વારા જ મોટી ઉંમરનાં અપરિણીતો, કુંવારાની જાતિય ઇચ્છા સંતોષવા માટે કોઇ વ્યવસ્થા ચાલવા દેવાની કાયદેસર છૂટ આપવી જોઇએ. જેથી ડર, ક્ષોભ, શરમ-સંકોચ વિના જાતીય જરૂરિયાત આસાનીથી, સરળતાથી અને ઓછા ખર્ચે કાયદેસર રીતે મેળવી શકે. હવે સરકારે અને આપશ્રીએ પણ આ અંગે તાત્કાલિક વિચારીને ઉદારતાભર્યું વલણ રાખવું જોઇએ.
ઉકેલ. થોડાક સમય પહેલાં એક અંગ્રેજી મેગેઝિને ભારતનાં લોકોની જાતીય ટેવ-કુટેવો અને હરકતોની તપાસ કરતો સર્વે કર્યો હતો. સર્વેક્ષણનાં કારણો દ્વારા જાણવા મળ્યું કે લગ્ન પૂર્વેની જાતીય પ્રવૃત્તિઓ, મુખમૈથુન, લગ્નેતર સેક્સ, સજાતીયતા લગેરે બાબતોમાં ભારતીય સમાજના લોકો વધારે ઉદાર અને છૂટછાટવાળા જણાય છે. પણ એક સેક્સોલોજીસ્ટ તરીકે આ સર્વેના અભ્યાસ પરથી હું એટલું જરૂર કહી શકું કે ભારતમાં જાતીય ક્રાંતિ આવવાની હજુ ઘણી વાર છે.
મારા હસબન્ડને નિરોધ પસંદ નથી
સમસ્યા : ડો. સાહેબ, હું આપની કોલમની નિયમિત વાચક છું. તેમાંથી અમારાથી અજાણ વાતો અમે તમારા થકી જાણી શકીએ છીએ. અમારા લગ્નને એક વર્ષ થયેલ છે. અને એક બાબો છે. આ સંતાન અમારાથી અજાણતાં જ થયેલ. પરંતુ હવે અમે પતિ-પત્ની થોડાંક વર્ષો માટે બાળક ઇચ્છતાં નથી. હું કોપર-ટી મુકાવવા માગતી નથી અને ગર્ભનિરોધક ગોળી લેવાની ઇચ્છા નથી. મારા હસબન્ડને નિરોધ પસંદ નથી. તો અમે ક્યા સમયે સમાગમ કરીએ તો ગર્ભ રહેવાની શક્યતાઓ ઓછી હોય? માસિક આવ્યા બાદ કેટલા દિવસે સમાગમ કરી શકાય?
ઉકેલ. એક બાળકના જન્મ પછી કોપર-ટી એ ગર્ભનિરોધક તરીકે સૌથી ઉતમ રસ્તો છે અને હવે તો કોપર-ટી એક વાર મુકાવ્યા પછી પાંચ વર્ષ સુધી કાઢવી પણ પડતી નથી. બીજો સારો રસ્તો ગર્ભનિરોધક ગોળીઓ છે. નવા જમાનાની આ ગોળી જો બરાબર સમયસર લેવામાં આવે તો ગર્ભ રહેવા સામે સો ટકા રક્ષણ આપે છે અને આ ગોળીઓ લેવાથી પહેલાં જેવી આડઅસરો પણ જોવા મળતી નથી. ત્રીજો રસ્તો નિરોધ છે.
પરંતુ તે આપના પતિને અનુકૂળ નથી. ચોથો રસ્તો જે આપ જાણવા માગ્યો છે તે ‘સેઇફ પિરિયડ.’ આ સમય એટલે માસિક આવ્યાના દિવસથી પહેલા અગિયાર દિવસ અને માસિકના સત્તરમા દિવસથી ફરી માસિક આવે ત્યાં સુધી. ટૂંકમાં માસિક આવ્યાના બારમા દિવસથી સોળમા દિવસ સિવાયનો સમય આ પાંચ દિવસ સિવાયનો સમય રિલેટીવલી સેઇફ સમય ગણાય. આ સમયમાં જાતીય સંબંધ રાખવા છતાં બાળક રહેવાની સંભાવના ઓછી રહેલ છે. પરંતુ આ દિવસો સો એ સો ટકા ગેરેન્ટીવાળા નથી. કારણ કે કોઇ પણ કારણસર સ્ત્રીનું માસિક આગળ પાછળ થઇ શકે છે. તો આ દિવસો બદલાઇ જાય છે. આપને પ્રથમ બાળક પણ પ્લાન વગર રહેલ છે. માટે મારી સલાહ આપને ગર્ભનિરોધક ગોળી અથવા કોપર-ટીની છે. આપ જે રસ્તો અપનાવવા માગો છો તે યોગ્ય નથી.
કઇ રીતે સ્તનને સ્ટ્રોંગ અને મોટા કરી શકું?
સમસ્યા : હું 29 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં બે બાળકો છે. મારા સ્તન લબડેલા અને તેમાં ઢીલાશ આવી ગઇ છે અને તેની સાઇઝ પણ નાની છે. હું કઇ રીતે મારા સ્તનને સ્ટ્રોંગ અને મોટા કરી શકું? જો ઓપરેશન દ્વારા થાય તો તેની કોઇ આડ-અસર થાય? કોઇ બીજો ઉપાય? મારે એક બીજો સવાલ પણ છે. જેમ આપ જણાવો છો કે માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે જ ગર્ભ રહે. તો શું તે પહેલાં અથવા પછી ગર્ભ ન રહે? 100 ટકા ગર્ભ ક્યા દિવસોમાં ન રહે?
ઉકેલ. ઘણી વાર પ્રેગ્નન્સી અને સ્તનપાન વખતે યોગ્ય સાઇઝની બ્રા નહીં પહેરવાથી તેમજ ઉંમર પ્રમાણે સ્તનમાં ઢીલાશ આવી જતી હોય છે. જેથી સ્ત્રીને લઘુતાગ્રંથી થઇ શકે છે. આજના મિસ વર્લ્ડ અને મિસ ઇન્ડિયાના જમાનામાં દરેક સ્ત્રીને ફિગર પરફેક્ટ રહે તેમ ઇચ્છે છે. સૌ પ્રથમ તો સ્તનની નીચે આવેલ પેકટોપિયસ સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો ડોક્ટર પાસે શીખી તેનો દરરોજ અમલ કરો. યોગ્ય સાઇઝ અને ફિટિંગવાળી બ્રાનો જ ઉપયોગ કરો. બાકી સ્તનની ઢીલાશ દૂર કરવા અને તેની સાઇઝ વધારવાનો અકસીર, તુરંત ઇલાજ ઓપરેશન જ છે. ટાંકા બિલકુલ દેખાતા નથી અને આનું સૌથી સારું પાસું એ છે કે એ તમને ગમતી સાઇઝના સ્તન તમને મળી શકે છે. આની કોઇ જ આડ-અસર થતી નથી.
માસિક બારમા દિવસથી અઢારમાં દિવસની વચ્ચે સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ સૌથી વધુ રહેતી હોય છે. પરંતુ કોઇ સ્ત્રીનું માસિક અનિયમિત હોય, બે-ચાર દિવસ આગળ-પાછળ આવેલ હોય તો આ દિવસો પહેલાં અથવા પછી પણ ગર્ભ રહેવાની શક્યતા રહેલ છે. માટે સો ટકા ગર્ભ ના રહે તેવું કોઇ પણ સ્ત્રી માટે હમેશાં સત્ય રહેતું નથી. આપને બે બાળકો છે. માટે આપના માટે સૌથી ઉતમ રસ્તો ‘કોપર-ટી’ છે. આજના સમયમાં પાંચ વર્ષની કોપર-ટી પણ આવે છે. એટલે એક વાર મુકાવ્યા પછી પાંચ વર્ષની શાંતિ. હા, અમુક સ્ત્રીઓને કોપર-ટી માફક નથી આવતી. તો તેઓ તેને દૂર કરી ગર્ભનિરોધક ગોળી અથવા નિરોધનો ઉપયોગ પણ કરી શકે છે. જો આ બન્નેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભ રહેવા સામે 100 ટકા રક્ષણ આપે છે.
નવીનતાની જરૂરીયાત જાતિય જીવનમાં હોય છે
સમસ્યા : સમસ્યા તો મારે કાંઇ જ નથી, પરંતુ એક મૂંઝવણ-એક સમસ્યા છે. એટલે પૂછી રહ્યો છું. મને જમ્યા પછી વરીયાળી ખાવાની ટેવ છે. બે-ચાર વસ્તુ મિક્સ કરી મુખવાસ બનાવીએ છીએ. મારી પત્ની અને અમારો 21 માસનો બાળક પણ મને જોઇને ખાતાં શીખ્યો છે. પરંતુ મારા અમુક ઓળખીતાઓનું કહેવું છે કે વરીયાળી પુરષોએ ન ખાવી જોઇએ. કારણ કે એનાથી નપુંસકતા આવી જાય છે અને જો સ્ત્રી ખાય તો એ ઠંડી રહે છે. તો આ વિષે પ્રકાશ પાડશો.
ઉકેલ. એલોપથી વિજ્ઞાનમાં આવી કોઇ વાત લખેલ નથી અને મારી આટલાં વર્ષોની પ્રેક્ટિસમાં પણ આવી કોઇ વાત જાણમાં આવેલ નથી. સામાન્ય રીતે પુરુષોમાં નપુંસકતા તમાકુ, સિગારેટ, દારુના સેવનથી આવતું હોય છે. સોયા પ્રોટીન, સોયાસ્ટીક, વગેરેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો પણ જાતિય ઇચ્છાઓ પુરુષમાં ઓછી થઇ શકે છે.
કારણ કે સોયા પ્રોટિનમાં સ્ત્રીઓનો હોર્મોન્સ- ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. માટે જો શક્ય હોય તો નાનાં બાળકોને સોયાની બનાવટવાળી વસ્તુઓ ઓછી આપવી જોઇએ. સ્ત્રીને ઠંડી કરવામાં કે તેમની જાતિય ઇચ્છાઓ ઓછી કરવામાં ઘણી વાર પુરુષો જ જવાબદાર હોય છે. એકનું એક વાતાવરણ, જગ્યા, આસનો, માત્ર રાત્રીનો સમય વગેરે કારણોસર જાતિય જીવનમાં એકધારાપણું આવી જતું હોય છે. બટાકાની સૂકી ભાજી સાત દિવસ સળંગ જમ્યા પછી આઠમા દિવસે ફરી વાર થાળીમાં જોઇને જેમ જમવાની ઇચ્છા ઓછી થઇ જાય છે. તે જ વસ્તુ જાતિય જીવનમાં પણ બનતી હોય છે. નવીનતા અહીં પણ જરૂરી છે. પાર્ટનર બદલવાની વાત કરું છું તેમ ભૂલથી પણ ના વિચારતા. વૈવિધ્ય લાવવાની જરૂરિયાત છે. ફોર પ્લેમાં ક્વોલિટી સમય પસાર કરો. કોઇ પણ સ્ત્રીને જાતીય જીવનમાં એકટીવ કરવા તેના સાથીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.
આજની સેક્સ ટીપ…
*એચ.આઇ.વી. એઇડ્સ કોઇ પણ અવિવેકી લગ્નેતર સંબંધ રાખનાર પુરુષ-સ્ત્રીને થઇ શકે છે.
*સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં બે ઇંચની હોય તો તે પૂરતી છે. તેની લંબાઇ વધારવા માટે કોઇ દવા, ઇન્જેક્શન કે તેલ ઉપલબ્ધ નથી.
*તમાકુ,સિગારેટ, દારુ અને માંસાહારના સેવનથી લાંબા ગાળે નપુંસકતા આવી શકે છે.
*સેક્સ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માણી શકાય છે.
*સેક્સને કોઇ જ એક્સપાયરી તારીખ હોતી નથી.
*માસિક ધર્મ બંધ થવાની પ્રકિયા (મેનોપોઝ) શરૂ થયા પછી કેટલીક સ્ત્રીઓની જાતિય ઇચ્છા વધુ બળવત્તર બનતી પણ જોવા મળે છે.
*વીર્ય લોહીમાંથી નથી બનતું.