સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) રેસિડન્ટ ડોક્ટરોની (Doctor) નવી ભરતી કોવિડ (Covid) બાદ થઇ નથી, ત્યારે ઓપીડીના (OPD) સમયમાં (Time) કરાયેલા ફેરફાર સામે રેસિડન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત રહ્યો છે. દરમિયાન મંગળવારે સાંજે સૌથી વ્યસ્ત રહેતી મેડિસીન ઓપીડીમાં રેસિડન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. 15 જેટલા રેસિડન્ટ તબીબ ઓપીડીમાં હાજર રહ્યા ન હતા અને તેમણે મેડિકલ કોલેજ ડીનને ફરી વખત રજૂઆત કરી હતી. એક તરફ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે નવી સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલાં જ ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ઓપીડીના સમયમાં કરાયેલા વધારાને કારણે રેસિડન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત રહ્યો છે. જેમાં આજે પાંચમાં દિવસે પણ રેસિડન્ટ ડોક્ટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. મેડિસીન ઓપીડીમાં સાંજના સમયે 15 રેસિડન્ટ તબીબ કામથી અળગા રહ્યા હતા અને મેડિકલ કોલેજ ડીન ઋતંભરા મહેતાને રજૂઆત કરી હતી.
ડોક્ટરોની ઘટને કારણે કામનું ભારણ છે, પણ દર્દીઓની સારવાર તો કરવી જ પડે : એચઓડી કે.એન.ભટ્ટ
મેડિસીન ઓપીડીના એચઓડી કે.એન.ભટ્ટે જણાવ્યું હતું કે, કામનું ભારણ અને દર્દીઓની સંખ્યા વધવાને કારણે રેસિડન્ટ ડોક્ટરો ઓપીડીમાં વધુ સમય આપવો પડી રહ્યો છે. નવી બેચ નહીં આવવાને કારણે આ સમસ્યા ઊભી થઇ છે. પરંતુ સરકારનો પરિપત્ર છે ત્યારે નવા સમય પ્રમાણે ડ્યૂટી તો કરવી જ પડશે.
30 રેસીડન્ટ ડોક્ટરોની વિધાઉટ પે રજા ઉપર ઉતરી જવાની ચિમકી
મેડીકલ કોલેજ ડીન ઋતંભરા મહેતાને રેસીડન્ટ ડોક્ટરોએ કામના ભારણને કારણે રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મેડીસીન ઓપીડીના વડા પણ શારીરિક અને માનસિક રીતે કામના ભારણને કારણે અસ્વસ્થ બન્યા છે. અને તેને કારણે રેસીડન્ટો ઉપર પણ પ્રેશર વધ્યું છે. કામનું ભારણ અને બીજી તરફ 16 જેટલી પ્રધ્યાપકો અને સહ પ્રધ્યાપકોની જગ્યા ખાલી પડી છે તે વહેલી તકે ભરાઇ તો કામગીરી સરળ થઇ શકે છે.