ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળેલ સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે જે ધરતી ઉપર ઈ.સ. 1492માં પ્રથમ વાર પગ મૂક્યો હતો એ દેશ ‘યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકા’તરીકે ઓળખાય છે. વિશ્વના સૌથી આગળ પડતા અમેરિકામાં આજની તારીખમાં 30 લાખથી વધુ ભારતીયો રહે છે! અમેરિકામાં જેટલા ડૉક્ટરો છે, એમાંના 10 % ભારતીયો છે! અમેરિકાની શાળાઓ, કૉલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જે ટીચરો અને પ્રોફેસરો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીયો જ છે! એ દેશમાં જે એન્જિનિયરો છે, એમાં પણ ભારતીયો પુષ્કળ પ્રમાણમાં છે!
કેલિફોર્નિયામાં આવેલ સિલિકોન વેલી, જે કમ્પ્યુટરના ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત છે, ત્યાં જે કમ્પ્યુટર નિષ્ણાતો છે એમાંના ત્રીજા ભાગના ભારતીયો છે! સિલિકોન વેલીમાં જે હાઈ-ટેક કંપનીઓ આવેલી છે એના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો (CEO) છે એમાંના 7% ભારતીયો છે! વર્ષ 1995થી 2005 એટલે કે 10 વર્ષના ગાળામાં ભારતીય ઈમિગ્રન્ટોએ અમેરિકામાં UK, ચીન, તાઈવાન અને જાપાન આ સર્વે ભેગા થાય તોયે એમની સરખામણીમાં વધુ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજીની કંપનીઓ સ્થાપી છે! આજે અમેરિકા જઈને ત્યાં વસેલા ભારતીયો અન્ય પરદેશીઓ, જેઓ ત્યાં જઈને વસ્યા છે, એમની સરખામણીમાં વધુ ધનિક છે!
અમેરિકામાં વસતા ભારતીયોમાં 71% ભારતીયો બેચલર્સ કે હાઈસ્કૂલની ડિગ્રી ધરાવે છે! ત્યાં રહેતા ભારતીયોમાંના 40% માસ્ટર્સ, ડોક્ટરેટ કે અન્ય પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે, જે અન્ય અમેરિકનો કરતાં 5 ગણી વધારે છે! કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ, અમેરિકાની આ બન્ને પ્રતિષ્ઠિત સ્ત્રીઓ ઈન્ડિયન અમેરિકન છે! હૈદરાબાદમાં જન્મેલ અને મનીપાલમાં ભણેલ ઈન્ડિયન અમેરિકન સત્યા નાડેલા ‘માઈક્રોસૉફ્ટ’ના CEO હતા! ઈન્ડિયન અમેરિકનો અમેરિકામાં ખરેખર ઝળહળે છે! એક સમયે અમેરિકામાં આવેલ લગભગ બધી જ મોટેલો જ્યુ જાતિના લોકોની માલિકીની હતી. ત્યાંનાં મોટાં શહેરોના રસ્તાના દરેક ખૂણે આવેલ નાના-નાના ન્યૂઝપેપર, ઠંડાં પીણાં, સિગારેટ આ બધાના સ્ટૉલો જ્યુ જાતિ હસ્તક હતા. આજે પરિસ્થિતિ ફેરવાઈ ગઈ છે. મોટા ભાગની મોટેલો તેમ જ સ્ટોરો ભારતીયોના હસ્તક છે!
ગુજરાતની પટેલ કોમના ભારતીયોને અમેરિકાનું ઘેલું લાગ્યું છે. એમ કહોને કે ‘ભારત છોડો’અભિયાન પટેલ જ્ઞાતિના લોકોએ જ શરૂ કર્યું છે! આજે મહેસાણા કે આણંદના જ પટેલો નહીં, સમગ્ર ગુજરાતના પટેલો અને પટેલો જ શું કામ? સમગ્ર ગુજરાતના મોટા ભાગના લોકો, એમાં પણ ખાસ કરીને યુવાનો, એક ‘અમેરિકન સ્વપ્નું’ સેવે છે. બધાને અમેરિકા જવું છે. દુ:ખની વાત એ છે કે આ લોકોને અમેરિકાના વિઝા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એની પૂરેપૂરી જાણકારી નથી. નોન-ઈમિગ્રન્ટ વિઝાના કેટલા કેટલા પ્રકારો છે એની એમને ખબર નથી. તેઓ તો વિઝા ક્ન્સલ્ટન્ટોના કહેવા મુજબ અમેરિકા જવાનો પ્રયત્ન કરે છે. થોડાક યુવાનો હવેથી ‘ગૂગલ’ ઉપર અમેરિકાના વિઝા વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ એ જાણકારી પૂરતી નથી હોતી. અમેરિકા કેમ જવાય? એ માટે જરૂરી વિઝા કેમ મેળવાય? આની કાયદાકીય જાણકારી નથી હોતી. આથી જ તેઓ વિઝા મેળવવામાં નિષ્ફળ જાય છે.
અમેરિકાના ઈમિગ્રન્ટ વિઝા, અમેરિકન સિટિઝનના ઈમિજિયેટ રિલેટિવ હોવ તો પ્રાપ્ત કરી શકો છો. જુદી જુદી ચાર ફૅમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ મેળવી શકો છો. ચાર જુદી જુદી એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ એ મળી શકે છે. અમેરિકાના નવા બિઝનેસમાં કે પછી એના ઈમિગ્રેશન ખાતાએ મંજૂર કરે રિજનલ સેન્ટરમાં રોકાણ કરીને પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવી શકાય છે. લોટરી દ્વારા અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ આપે છે. રાજકીય આશરો પામીને કે રેફ્યુજી સ્ટેટસ મેળવીને અમેરિકામાં કાયમ રહી શકાય છે. અમેરિકાના લશ્કરમાં જોડાઈને પરદેશીઓ અમેરિકામાં કાયમ રહેવા માટેનું ગ્રીનકાર્ડ મેળવી શકે છે. અમેરિકાની સરકાર અનેક વાર કોઈ ખાસ દેશના રહેવાસીઓ, કોઈ ખાસ જાતિના લોકોને કાયદા ઘડીને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી આપે છે. અમેરિકાએ અનેક વાર એમને ત્યાં ઈલ્લિગલી રહેતા લોકોને માફી આપીને કાયમ રહેવા માટે ગ્રીનકાર્ડ આપ્યા છે. આ સઘળી માહિતીની અમેરિકામાં કાયમ રહેવા જવા ઈચ્છતા લોકોને જાણ નથી હોતી.
ઉંમર વધી જતાં ડિપેન્ડન્ટ બાળકો ક્યારે અને કેવી રીતે ‘ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન’નો લાભ લઈ શકે? ડિપેન્ડન્ટ બાળક એજઆઉટ થઈ જાય તો એમનાં માતા-પિતા એમના માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે ત્યારે કેવી રીતે અને કેવા સંજોગોમાં ‘રિન્ટેશન ઑફ પ્રાયોરિટી ડેટ’ની અરજી કરી શકે? ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરેલ પિટિશન અપ્રુવ થયા બાદ પિટિશનરનું મૃત્યુ થાય તો ‘સબ્સ્ટિટ્યુશન’ની અરજી કરીને એ પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય? અમેરિકામાં જ રહીને ‘સ્ટેટસ ઍડ્જસ્ટ’કેવી રીતે કરી શકાય?
જો ગુનો કર્યો હોય અને અમેરિકામાં પ્રવેશવા ઉપર 5 યા 10 વર્ષ કે પછી કાયમ માટે પાબંદી લાગી હોય તો ‘વેવર’ની અરજી કરીને કોણ, ક્યારે અને કેવી રીતે એ પાબંદી દૂર કરી શકે? આ સઘળી વાતોની મોટા ભાગના અમેરિકા જવા ઈચ્છતા લોકોને જાણ નથી હોતી. પ્રવેશનિષેધના કયા કયા કારણો છે? એમાંથી ક્યારે અને કેવી રીતે છૂટકારો મેળવી શકાય? એ કાયદાઓની બહુ ઓછા લોકોને ખબર છે. ટૂંક સમય માટે અમેરિકા જવું હોય તો કયા કાર્ય માટે, કયા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે? એ માટે ક્યાં અરજી કરવાની રહે છે? કઈ અરજી અમેરિકામાં કરવાની હોય છે? કઈ અરજી વાર્ષિક વિઝાના ક્વોટાથી સીમિત હોય છે? આ માહિતી સામાન્ય વિઝાના અરજદારોને નથી હોતી.
વિઝાના ઈન્ટરવ્યૂમાં કેવી રીતે વર્તવું? કયા કયા દસ્તાવેજો સાથે લઈ જવા? એ કેમ ગોઠવવા? ક્યારે દેખાડવા? ઈન્ટરવ્યૂમાં કયા કયા સવાલો પૂછવામાં આવી શકે છે? એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે? આ બધી માહિતી પણ મોટા ભાગના વિઝાના અરજદારોને નથી હોતી. ‘ચેન્જ ઑફ સ્ટેટસ’, ‘ઍડ્જસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ’, ‘એક્સ્ટેશન ઑફ ટાઈમ’, ‘30-60’દિવસનો નિયમ, ‘3-10 વર્ષનો બાધ’, ‘પ્રિ-ક્ધસીવ ઈન્ટેન્ટ’, ‘ડ્યુઅલ ઈન્ટેન્ટ’ આ બધાની માહિતીનો વિઝાના અરજદારોમાં અભાવ હોય છે.
અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાનું રહે છે, અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા વાર્ષિક ક્વોટાના બંધનોથી સીમિત હોય છે, અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવતાં નોન-ઈમિગ્રન્ટ ઈન્ટેન્ટ દેખાડવાનું ફરજિયાત હોય છે, જ્યારે અમુક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝાની માગણી કરતાં તમારો ઈરાદો ઈમિગ્રન્ટ પણ હોઈ શકે છે. સામાન્ય માનવીને આ બધા કાયદાઓની જાણ ન હોય એ સ્વાભાવિક છે. આથી વિઝાના અરજદારે ભલે એ વિશે જરૂરી એવી જાણકારી મેળવવી જ જોઈએ. એમણે અમેરિકાના વિઝાની અરજી કરતાં પહેલાં ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડ્વોકેટની સલાહ લેવી જોઈએ.