Columns

શું તમે ચમત્કારમાં માનો છો?

ધર્મ અને ચમત્કાર એ બે શબ્દ દરેક ધર્મમાં એટલા બધા ગાઢ સ્વરૂપે જોડાયેલા છે કે જેની પણ અલગ વ્યાખ્યા કે વિસ્તૃત માહિતી આપો તો અનાયાસે એકબીજા સાથે જોડાઈ જ જાય. ધર્મ એ માણસનો જીવન આધાર છે. ધર્મના નામે કંઈ પણ કરો તો માણસની માનસિકતા એવી છે કે બહુ જલ્દી સ્વીકારતો થઈ જાય અને આવી માનસિકતાનો લાભ કે ગેરલાભ લઈ લે-ભાગુ બાબાઓ, સંતો, ફકીર-ઓલિયાઓ કે ફાધરો પોતાના વિકૃત અસ્તિત્વને પોષવાનુ કામ કરે છે. વધારેને વધારે ભોગ સનાતનીઓ બને છે. ક્યાંક પ્રજાલક્ષી સારા કામો કરી પોતાના તરફ આકર્ષિત કરી ભક્તોના ખિસ્સા ખાલી કરનારા બાબાઓનુ લિસ્ટ તો બહુ લાંબુ બને તેવુ છે.

આવા લે-ભાગુ સાધુઓ બાબાઓ ખરેખર તો સનાતન ધર્મને શુધ્ધ આશયથી અનુસરતા સાચા સાધૂ-સંતોને પણ બદનામ કરે છે. 2017માં પ્રયાગરાજ ખાતે અખાડા પરિષદે રામરહિમ, રામપાલ, રાધેમાં, ઓમબાબા, આસારામ, નારાયણ સાંઈ, નિર્મલ બાબા જેવા અન્ય 14 જેટલા ઢોંગી સાધુ-બાબાઓનું લિસ્ટ પણ બનાવેલુ જે બધી રાજ્ય સરકારોને, શંકરાચાર્યની ચારેય પીઠોને તથા 13 જુદા જુદા અખાડાના પિઠાધીશ્વરોને મોકલી આપીને મહાકુંભ, અર્ધકુંભ જેવા મોટા હિન્દુ સાધુ-સંતોના કાર્યક્રમમાં પ્રેવશ ન મળે તેવી કાર્યવાહી કરી હતી. પણ માત્ર નામ અને દામના ભૂખ્યા આવા લંપટ બાબાઓને કોઈ ખાસ ફર્ક પડ્યો ન હતો. વર્તમાન જાગૃત સરકાર દ્વારા અંતે પગલા લેવાતા આસારામ, નારાયણ સાંઈ, રામરહીમ અને રામપાલ જેવા કેટલાક બાબાને જેલની હવા ખાવાનો વખત આવેલો છે.

હમણા છેલ્લા ક્ટલાંક સમયથી માત્ર 26 વર્ષની ઉંમરે ખ્યાતનામ બની ગયેલા મ.પ્ર.ના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બહુ ચર્ચામાં હોવાથી અન્ય ફકીર, ઓલીયા અને ફાધરોના ધર્મના નામે સારવાર અને ધતિંગ કરતા વીડિયો ઈલેક્ટ્રોનિક મીડીયામાં ખૂબ વાયરલ થયા હતા. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કાર નથી કરતા પણ ઈશ્વરની કૃપા હોવાની વાતો કરે છે. તેથી તેની સામે કાયદેસર રીતે કોઈ ગુન્હો નથી બનતો. હાર્ટની બિમારી તથા બાળકોની બિમારીના ઈલાજ માટે અનેક હોસ્પિટલો આપનારા તથા સાઉથના અનેક ગામડાઓને પાણીની વ્યવસ્થા પૂરી પાડનાર સત્યસાંઈ બાબાના પ્રજાના સેવાલક્ષી કાર્યો સારા હતા પણ હાથમાંથી ભસ્મ કાઢવી, માથામાંથી શિવલિંગ કાઢવી જેવા જે ચમત્કાર હતાં તે બિલકુલ ઢોંગ હતો.

મને બરાબર યાદ છે કે જાદુગર કે.લાલને 2010માં મળ્યા ત્યારે તેમણે કહ્યું કે હું, સત્ય સાંઈબાબા અને સાઉથના જ એક જાદુગર પ્રેમાનંદ, અમે ત્રણેય કોલકત્તામાં સાથે જાદુ શિખતા હતા ત્યારબાદ અમે ખરેખર જાદુગર બન્યા અને સત્ય સાંઈબાબાએ જાદુ ટ્રિ્ક્સનો દુરઉપયોગ લોકોને છેતરીને પૈસા એકઠાં કરવામાં કર્યો હતો. અંધશ્રધ્ધા નિર્મુલન સંસ્થા, સત્ય શોધક સભા કે રાજકોટના એડવોકેટ જયંત પંડ્યાની વિજ્ઞાન જાત્થા જેવી કેટલીક જાગૃત સંસ્થાઓ આજે લોકોને શ્રધ્ધા-અંધશ્રધ્ધા વચ્ચેનો ભેદ બતાવતી થઈ છે, તેથી કેટલાંય બાબાઓ તો ઉદય થતાં જ અસ્ત થઈ જતાં હોય છે, તો કેટલાંક કાયદાની છટકબારીનો ઉપયોગ કરી સમાજની વચ્ચે જામી પડેલા છે.

સુરતના સત્ય શોધક સભા સાથે જોડાયેલા મેન્ટલ ગેઈમના જાણકાર મેન્ટાલીસ્ટ અને હિપ્નોટીસ્ટ મેજીશીયન એવા એડવોકેટ મુકુંદ ગજ્જર તો સ્પષ્ટપણે બાબા-સાધુઓના કોઈપણ પ્રકારના ચમત્કારોને ચેલેન્જ કરી શકે છે અને એના જેવા જ ચમત્કારો પણ કરી બતાવી શકે છે. નાળીયેરમાંથી ચુંદડી કાઢવી, દેવી-દેવતાઓના ફોટોમાંથી ભસ્મ કે કંકુ ખેરવવું. વગર માચિસે અગ્નિ પ્રગટાવવો કે સામેની વ્યક્તિનું દિમાગ વાંચી અગાઉથી શું વિચારે છે તે કાગળ પર લખી દેવા જેવી અસંખ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારીત ટ્રીકો તેઓ કરીને અંધવિશ્વાસમાં માનતા લોકોનાં જાગૃતિ લાવે છે.

આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી માણસને અંધવિશ્વાસુ બનાવતા રોકી શકે છે છતાં પણ હજારો વર્ષ પુરાણા સનાતન ધર્મના વણ ઉકેલાયેલા રહસ્યો કે ચમત્કારો આજે પણ અકબંધ રૂપે જોવા મળે છે જે અદ્‌ભૂત અને અવિશ્વસનિય બની રહ્યા છે. એક નહિ પણ હજારો પરંપરા એવી છે જે ચમત્કારથી વિશેષ કંઇ જ ના લાગે. તેમાંથી માત્ર થોડી પશુ-પક્ષીઓને સ્પર્શતી ચમત્કારિક બાબતોનો આજે અહીં ઉલ્લેખ કરવો છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બ્યાવર શહેરની એક દાદાવાડી નામની જગ્યા છે અહીં સુરેશ છલ્લાણી નામના એક ભાઇ તેના મોટા ગ્રાઉન્ડ જેવા ફળિયામાં કબુતરો માટે ચણ નાખે. ફળિયાની ત્રણ તરફની દિવાલની બહાર ઘેઘૂર વૃક્ષો પર હજારો કબુતરો બેઠા હોય છે.

ચણ એટલે કે દાણા આખા ફળિયામાં વેરાયેલા હોય છતાં એક પણ કબુતર નીચે ના આવે પણ એ સુરેશભાઇ હાથ ઉંચો કરીને મોટેથી નિમંત્રણ આપે કે લ્યો, પધારો ગૌતમ પ્રસાદી તૈયાર છે જમવા પધારો પારેવડા… અને ખરેખર ચમત્કાર લાગે તેમ નિમંત્રણ પછી જ એક પછી એક એમ હજારો કબૂતરો દાણા ચણવા ફળિયામાં ઉતરી આવે છે. નિમંત્રણ વિના નહીં આવવાનું આશ્ચર્યજનક કબુતરોનું આ અનુસાશન છેલ્લા કેટલાય વર્ષોથી આજ સુધી અકબંધ અને ચમત્કારિક લાગે તેવુ છે, તો રાજસ્થાનનો એક કિસ્સો છે જયાં કબૂતરો ધનવાન ગણાય છે.

નાગોર જિલ્લાના જશનગરમાં પરિવાર કે વંશ-વારસ વગરના કેટલાક ધનવાનો મૃત્યુ પહેલા કબુતરોના નામે તેની સંપત્તિ કરતા ગયા છે. આવી સંપત્તિઓનું એક ટ્રસ્ટ બનાવાયું છે. આ ટ્રસ્ટ પાસે કબુતરોના નામની 360 વિઘા જમીન છે તો 27 જેટલી પાકી દુકાનો છે. જમીન ખેડવા માટે અને દુકાનો ધંધા માટે ભાડે આપીને તેની અધધધ આવક કબૂતરોના ચણ માટે વપરાય છે. એટલું જ નહિ 417 ગાયોની ગૌશાળા અને બેંકમાં 30 લાખ જેટલી રકમ પણ કબુતરોના નામે બોલાય છે. રાજસ્થાના જ એક અન્ય શહેર બિકાનેરમાં કરણી માતાનું મંદિર છે આ મંદિરમાં પ્રવેશો એટલે ચારે બાજુ ઉંદર જ ઉંદર જોવા મળે છે. 25000થી વધુ ઉંદર આ મંદિરમાં છે અને આશ્ચર્યની વાત તો એ છે કે બધા ઉંદર મંદિરમાં જ રહે છે.

મુખ્ય દ્વારના ઉંબરાની બહાર એક પણ ઉંદર કયારેય આવતો નથી એ સૌથી મોટુ આશ્ચર્ય છે. મંદિર ટ્રસ્ટ અને માતાજીના દર્શનાર્થે આવતા ભકતો પ્રસાદ-દૂધ તેને આપે છે. રાજસ્થાનના અજમેર પાસેના બજરંગ ગઢ મંદિરમાં એક વાંદરો રહે છે જે પૂજારીની સાથે હનુમાનજીની રોજ પૂજા આરતી અને વંદન કરે છે તથા આવનાર દર્શનાર્થીઓના માથા પર હાથ મુકી આશિર્વાદ પણ આપે છે. આ વાંદરો કયાંથી આવ્યો? કેમ આવ્યો? તેના સમૂહમાં કેમ જતો નથી? એવા અનેક પ્રશ્નાર્થોના કોઇ જવાબ નથી, પણ હનુમાનજીના મંદિરમાં જ રહે છે એ સૌના માટે મોટું આશ્ચર્ય છે.

એવો જ એક કિસ્સો લખનૌના બાબા બુધ્ધેશ્વર ધામનો છે. અહીં પણ સાંજની આરતી પછી રોજ એક બંદર આવે છે બધા દેવી દેવતાઓની મૂર્તિઓ સામે વારાફરતી દંડવત પ્રણામ કરતો એવી મુદ્રામાં રોજ વંદન કરે છે. આજે પણ તેની હાજરીની વીડિયો ઉતારવા લોકો એ સમયે ચોક્કસ અંતરે ગોઠવાઇ જતા હોય છે. આ બંદરનું રોજ આવવુ અને એ પણ ચોક્કસ સમયે એ સૌના માટે આશ્ચર્ય છે. છત્તીસગઢના મહાસમંદ જિલ્લાના ગુંચાપાની ગામમાં એક ચંડી માતાનું 150 વર્ષ જુનુ મંદિર છે. પહાડી અને જંગલ જેવા વિસ્તારમાં આવેલ આ મંદિરમાં રોજ બરાબર આરતીના જ સમયે બે રીંછ મંદિરમાં આવે છે.

બે પગે ઉભા થઇ આગલા પગ વડે નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં ઉભા રહે છે. આરતી પછી પ્રસાદ વહેચાય છે ત્યારે બંને રીંછોને પ્રસાદ અપાય છે. પ્રસાદ ખાઇને વર્ષોથી આવતા આ રીંછ કોઇને નુકસાન કર્યા વગર પાછા જંગલમાં ચાલ્યા જાય છે. ચમત્કારિક લાગે એવો એક કિસ્સો ઉત્તરપ્રદેશના સીતાપુર પાસેના ગામનો છે. અહીં એક શિવ મંદિરને પ્રદક્ષિણા કરવા રોજ એક નંદી (બળદ) ચોક્કસ સમયે આવે છે અને 108 પ્રદક્ષિણા કરે છે. ઘડિયાલ કે કેલકયુલેટર વગર રોજ સમયે આવવુ અને મંદિરના ફરતે 108 પ્રદક્ષિણા ફરવી એ એવી બાબત છે કે ભલભલા વિશેષજ્ઞો, સંશોધકો અને વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળતા રહી જાય.

પ્રાણીઓને ચોક્કસ સમયની ખબર કેવી રીતે પડે છે એ જરૂર વિચારવા જેવો વિષય છે તો આવી બાબતને જ સ્પર્શે તેવો ઉત્તરપ્રદેશના જ સાલેમબાદ ખાતેના શિવ મંદિરનો કિસ્સો છે. અહીં આ શિવ મંદિરમાં રોજ સવારની પૂજા પછી બરાબર 10 વાગ્યે એક સાપ આવે છે. શિવલિંગ ફરતો વિંટળાઇને બેસે છે અને બપોરે ત્રણ વાગે એટલે એની જાતે જ ચાલ્યો જાય છે તેથી સવારે 9:30 થી 3:30 સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રખાય છે. વૃંદાવનમાં યમુના નદીમાં તરીને સામે કાંઠેના ગોચર જંગલમાંથી એક ગાય રોજ બાંકે બિહારીજીના મંદિર સુધી આવે છે. લોકો તેને બાંકે બિહારીજીની ગાય તરીકે ઓળખે છે. ભકતો દર્શનાર્થીઓ આ ગાયને ખાવાનું અને પ્રસાદ આપે છે અને રોજ સાંજે 5.30 કલાકે પાછી જવા નીકળી જાય છે. ફરીને યમુના નદીમાં તરતી તરતી સામે કાંઠે ગોચર જંગલમાં ચાલી જાય છે. પ્રાણીઓને પણ ચોક્કસ સમયની પાબંદીનું આ એક ઉદાહરણ ચમત્કાર જ લાગે છે.

ગુજરાતમાં પણ સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી 16-17 કિ.મી.ના અંતરે આવેલ સુગાડા ગામ ખાતે ખોડિયાર માતાનું મંદિર છે. બાજુમાં શિંગોડા નામની વહેતી નદીમાં મગર પણ છે. જયારે ખોડિયાર માતાની આરતી શરૂ થવાની હોય ત્યારે, રોજ બરાબર ત્યારે જ એક મગર ગમે ત્યાં હોય પણ ત્યાથી મંદિર પાસે આવી જાય છે અને ઉંચુ મોં કરી માતાજીની આરતીમાં સહભાગી બને છે. સુરતમાં દાંડી રોડ પરના ઓખા ગામ પાસેનું ઓખેશ્વર મહાદેવ મંદિર છે અહીં પણ બે-ત્રણ કુતરાઓ છે, જે બરાબર આરતીના સમયે મંદિર પાસે હાજર થઇ જાય છે અને ઘંટ, ઝાલર તથા શંખના અવાજ સાથે સૂર પૂરાવતા હોય તેમ ઊંચું મોં રાખી ઉઉઉ… એવા અવાજ સાથે આરતીમાં સંગત કરાવે છે. કદાચ આવા કિસ્સાઓ માટે શ્રધ્ધાભાવ સિવાય બીજુ કંઇ વિચારી જ ના શકાય.

Most Popular

To Top