Editorial

કેટલીક મહાકાય કંપનીઓ ત્રાસવાદી સંગઠનોને ભંડોળો પુરા પાડે છે?

ફ્રેન્ચ સિમેન્ટ કંપની લાફાર્જે હાલમાં અમેરિકાની એક અદાલતમાં એવા આરોપમાં પોતે દોષિત હોવાની કબૂલાત કરી હતી કે તેણે સિરિયામાં પોતાનો એક પ્લાન્ટ ચાલુ રહી શકે તે માટે ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને લાખો ડોલરની રકમ ચુકવી હતી, અને અમેરિકાના ન્યાય વિભાગે આને આ પ્રકારની પહેલી કબૂલાત ગણાવી હતી. લાફાર્જની આ કબૂલાત મોટી ચર્ચાને જન્મ આપી ગઇ. એક મહાકાય કંપની પોતાના સ્વાર્થ ખાતર એક ખૂંખાર ત્રાસવાદી સંગઠનને લાખો ડોલર આપવા તૈયાર થઇ જાય તે બાબતે તેની ખાસ્સી ટીકા થઇ તો બીજી બાજુ એક અભિપ્રાય એવો પણ પ્રવર્તી રહ્યો હતો કે લાખો ડોલરના ખર્ચે બનાવેલો પ્લાન્ટ ચાલુ રાખવા આ કંપનીએ મજબૂરીથી ખૂ઼ંખાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસને આ લાખો ડોલરની રકમ ચુકવવી પડી હતી. આ અભિપ્રાય સાવ નકારી કાઢવા જેવો નથી, બીજી બાજુ ટીકાકારોનો અભિપ્રાય એવો છે કે અબજો ડોલરમાં આળોટતી કંપનીઓએ પોતાનો પ્લાન્ટ બંધ થવાનું જોખમ વહોરી લઇને પણ ત્રાસવાદી સંગઠનને તો નાણા આપવા જ નહીં જોઇએ.

જેને આઇએસના ટૂંકા નામે પણ ઓળખવામાં આવે છે તે આઇએસઆઇએસ અથવા તો ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા નામના આ સંગઠનની બાબતમાં અમેરિકા પહેલાથી જ ખૂબ સંવેદનશીલ છે અને આ ફ્રેન્ચ કંપની સામે અમેરિકાના ન્યૂયોર્કની એક અદાલતમાં ત્રાસવાદી સંગઠનને મદદનો આરોપ મૂકવામાં આવ્યો અને તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. કંપનીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અદાલતમાં આ કંપની ૯૧ મિલિયન ડોલર જેટલો ક્રિમિનલ દંડ ચુકવવા સંમત થઇ હતી અને વધારા ના ૬૮૭ મિલિયન ડોલર જમા કરાવવા પણ સંમત થઇ હતી જે સાથે તેને કુલ દંડ ૭૭૮ મિલિયન ડોલર જેટલો થયો છે.

પ્રોસિક્યુટરોએ આરોપ મૂક્યો હતો કે જ્યારે અપહરણ કરાયેલા પશ્ચિમી નાગરિકો પર યાતના ગુજારવામાં આ જૂથ સંડોવાયેલું હતું ત્યારે તેના આવા કૃત્યો તરફ આ કંપનીએ આંખ આડા કાન કર્યા હતા. પ્રતિવાદી એવી આ કંપનીએ વિશ્વના સૌથી બદનામ જૂથ આઇએસઆઇએસ અને સિરિયાના નુસરાહ ફ્રન્ટને સાંઠ લાખ ડોલર જેટલી રકમ ગેરકાયદે ચુકવણી તરીકે ચુકવી હતી અને તે પણ એવા સમયે કે જ્યારે આ જૂથો સિરિયામાં નિર્દોષ નાગરિકોને રંજાડતા હતા અને અમેરિકનોને નુકસાન પહોંચાડવાનું આયોજન કરતા હતા. આ કંપનીએ આ રકમની ચુકવણી આઇએસને ૨૦૧૩ અને ૨૦૧૪માં કરી હતી જ્યારે આ જૂથે સિરિયાના મોટા વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.

આ કંપની પર ૨૦૧૪માં ત્રાસવાદી જૂથને નાણા આપવા સહિતના આરોપો ન્યૂયોર્કની અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. તે કેસમાં હાલ આ કંપનીએ પોતાનો દોષ કબૂલી લીધો છે તે સાથે જ એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ ફ્રેન્ચ સિમેન્ટ કંપનીએ આઇએસઆઇએસ જેવા ખૂંખાર ત્રાસવાદી સંગઠનને લાખો ઠોલરની જે રકમ ચુકવી તે યોગ્ય હતું ખરું? આ બાબતે ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે. એક અભિપ્રાય મુજબ આ કંપનીની લાચારી હતી અને લાચારીપૂર્વક તેણે આ ક્રૂર ત્રાસવાદી સંગઠનને નાણા આપ્યા હતા.

સિરિયામાં લાફાર્જ કંપનીનો સેંકડો ડોલરના ખર્ચે બંધાયેલો પ્લાન્ટ ચાલી રહ્યો હતો અને જે સમયે આ ખંડણી ચુકવવામાં આવી તે સમયે સિરિયાના એક મોટા ભાગ પર આઇએસઆઇએસ દ્વારા કબજો જમાવવામાં આવ્યો હતો અને ખરેખર તો તે ભાગો પર આઇએસઆઇએસનું જ રાજ હતું, તેવા સંજોગોમાં તેને નાણા આપ્યા વિના છૂટકો ન હતો એવો એક અભિપ્રાય છે. એક અભિપ્રાય એવો છે કે આ મહાકાય કંપનીએ પોતાનો પ્લાન્ટ બંધ થવાનું જોખમ વહોરી લઇને પણ આઇએસને નાણા આપવા જોઇતા ન હતા.

આ બધી ચર્ચા વચ્ચે એવી વાત બહાર આવી છે કે ખરેખર તો લાફાર્જ કંપનીના કેટલાક ડિરેકટરો જ આઇએસ તરફ કૂણો ખૂણો ધરાવતા હતા. જોસેફ અગુસ્તે પેવિન દ્વારા આ કંપની છેક ૧૮૩૩માં સ્થપાઇ હતી. ઇજિપ્તમાં સુએઝ નહેરના બાંધકામ માટે પણ તેણે લાખો ટન સિમેન્ટ પુરું પાડ્યું હતું. ખંડણીનો આ બનાવ બન્યો તેના પછી આ સદીમાં ૨૦૧૫માં આ કંપનીનું હોલ્સિમ કંપની સાથે મર્જર થયું અને તેનું નામ લાફાર્જહોલ્સિમ થયું અને હાલ ૨૦૨૧માં તે હોલ્સિમ ગ્રુપ તરીકે ઓળખાવા માંડી. આ કંપનીના આઇએસઆઇએસ પ્રત્યેના કૂણા વલણની વાત જો સાચી હોય તો તે ખૂબ ગંભીર બાબત છે.

લાફાર્જ કંપનીની અમેરિકી અદાલતમાં કબૂલાત અને આઇએસઆઇએસ જેવા ક્રૂર ત્રાસવાદી સંગઠન પ્રત્યે તેના કથિત કૂણા વલણ અંગેની બહાર આવેલી વાતોએ એક નવી શંકાને જન્મ આપ્યો છે અને તે એ કે બીજી પણ અન્ય કંપનીઓ વિવિધ પ્રકારના ત્રાસવાદી સંગઠનો કે જૂથોને જંગી નાણાકીય સહાય કરતી હશે? ત્રાસવાદી સંગઠનોને જે અઢળક નાણા મળે છે તે ક્યાંથી આવે છે તે એક ચર્ચાનો વિષય તો રહ્યો જ છે. કેફી દ્રવ્યોના ઉત્પાદન અને હેરાફેરીમાં સંડોવાયેલા માફિયાઓ, ગેરકાયદે ખાણીયાઓ વગેરે તરફથી ત્રાસવાદી સંગઠનોને નાણા મળતા રહે છે, આ ત્રાસવાદી સંગઠનો પોતે પણ ગેરકાયદે ધંધાઓમાંથી કમાણી કરે છે તેવી વાતો વચ્ચે લાફાર્જ પ્રકરણે જન્માવેલી નવી શંકા વધુ ચિંતાજનક છે.

Most Popular

To Top