કોઇપણ વ્યક્તિ માર સહન કરી લે છે ગમે તેવી ગાળ સહન કરી લે છે પરંતુ જાહેરમાં થયેલું અપમાન ક્યારેય ભૂલતી નથી. આ વાત દરેકે યાદ રાખવા જેવી છે. સુરતના એક કિસ્સાની વાત કરીએ તો ડો.વિનોદ શાહના એક તબીબ મિત્ર તેમના પુત્રને કારણે ચિંતામાં હતાં. તેમનો પુત્ર બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યો હતો અને અચાનક તેનું વર્તન બદલાઇ ગયું હતું. તેનો સ્વભાવ ચીડચીડીયો થઇ ગયો હતો. આ વાત તેમણે ડો. વિનોદ શાહને કરતાં તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા. તે સમયે તેમને તબીબ પિતાએ કહ્યું હતું કે, ‘મારો પુત્ર ગમે તે વ્યક્તિ સાથે ગમે તેમ વાત કરે છે એટલે તમારે સાચવીને મળવું પડશે.’
તે સમયે ડો. વિનોદ શાહે તેમને પ્રત્યુત્તર આપ્યો હતો કે કોઇ વાંધો નહીં રૂમમાં તો અમે બે એકલા જ હોઇશું એટલે તે અપમાન કરે તો પણ વાંધો નહીં. આ વાત નાની છે પરંતુ ખૂબ જ સૂચક છે. કારણ કે વડીલ હોય, શિક્ષક હોય કે સિનિયર અધિકારી હોય જ્યાં સુધી તેઓ કોઇનું કચેરીમાં અપમાન કરે ત્યાં સુધી વાંધો નથી આવતો પરંતુ જો જાહેરમાં અપમાન થાય તો તે વ્યક્તિ જિંદગીભર બદલાની ભાવનાથી પીડાતી રહે છે. જાહેરમાં અપમાનના એક કિસ્સાએ હાલમાં જ કર્ણાટકમાં ભારે ચર્ચા જગાવી છે.કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કે. સિદ્ધારમૈયાએ પોલીસના એક ઉચ્ચ અધિકારી સાથે કરેલા અપમાનજક વર્તનને કારણે અત્યંત વ્યથિત થયેલાં આ અધિકારીએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે.
કર્ણાટકના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (એએસપી) એન.વી. બારામણિએ પોતાના રાજીનામામાં ‘મુખ્યમંત્રી દ્વારા કરાયેલાં અપમાનને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ’ લઈ રહ્યો હોવાનું કારણ દર્શાવ્યું છે. બારામણિના રાજીનામામાં લખેલી વિગતો અનુસાર, ગત 28 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારની ભાવ વધારાની નીતિનો વિરોધ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા બેલગામમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજની વ્યવસ્થાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાજપની કેટલીક મહિલા કાર્યકરો દેખાવો કરી રહી હતી, જેને કારણે મુખ્યમંત્રી નારાજ થઈ ગયા હતાં. આથી તેમણે ત્યાં હાજર પોલીસ અધિકારીને બોલાવવા કહ્યું હતું. જેથી હું તેમની પાસે ગયો ત્યારે તેમણે રોષે ભરાઈ મને થપ્પડ મારવા હાથ ઉપાડ્યો હતો. અખબારો અને ટીવીમાં સતત બે દિવસ સુધી આ સમાચાર પ્રસારિત થતાં હું અને મારો પરિવાર અપમાન અને સખત માનસિક તણાવ અનુભવી રહ્યાં છીએ. મારી પત્ની અને બાળકો હજી પણ અપમાનની આ ઘટના નથી ભૂલ્યાં. તો અપમાનનો બદલો લેવા માટે લોકો તકની રાહ જીંદગીભર જોતા હોય છે તેનું ઉદાહરણ સાંસદ કંગના રણોત સાથે બનેલી ઘટના છે.
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ (BJP) સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ CISF મહિલા કર્મચારીએ થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર CISFની મહિલા કર્મચારી કુલવિંદર કૌર હતી. કંગનાને થપ્પડ મારવાની ઘટના બનવા પાછળનું એક કારણ ખેડૂત આંદોલન હતું. વાસ્તવમાં જે CISF મહિલા કર્મચારીએ કંગનાને થપ્પડ મારી છે, તે ગુસ્સો આજથી પાંચ વર્ષ પહેલાનો, એટલે કે 2020નો છે. તે વખતે કંગનાએ ખેડૂત આંદોલનની પોસ્ટર લેડી તરીકે પ્રખ્યાત થયેલી એક વૃદ્ધ મહિલા અંગે વાંધાજનક ટ્વિટ કરી હતી. આ વૃદ્ધ મહિલાનું નામ મોહિંદર કૌર હતું. વળી ગયેલી કમર હોવા છતાં તેઓ ખેડૂત આંદોલનનો ઝંડો લહેરાવતા-લહેરાવતા ચાલતા રહ્યા હતી. કંગના રણૌતે આંદોલન કરી રહેલી જે મહિલાનું અપમાન કર્યું હતું તે CISF મહિલા કર્મચારીની માતા હતા અને તેણે પણ જાહેરમાં જ માતાના અપમાનનો બદલો લીધો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ગઈ કાલે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અંતે ઉગ્ર દલીલોમાં પરિણમી હતી. દુનિયા બે દેશોના વડા વચ્ચે જાહેરમાં થયેલી ઉગ્ર દલીલો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. ટ્રમ્પે યુક્રેઇનના વડા ઝેલેન્સકીનું સરેઆમ અપમાન કર્યું હતું. આ દ્રશ્ય જોઇને દુનિયાના લોકો સ્તબ્ધ થઇ ગયા હતાં. અને ઝેલેન્સ્કી તરફ લોકોની લાગણી આપોઆપ જોવા મળી હતી. એટલે કોઇનું જાહેરમાં અપમાન થાય તે પણ દુનિયા પંસંદ કરતી નથી. ટ્રમ્પે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સ્કી શાંતિ ઇચ્છતા નથી અને જો તેઓ સમાધાન નહીં કરે તો અમેરિકા આ યુદ્ધમાંથી બહાર થઈ જશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેન એ રશિયા સામે જંગમાં જીત હાંસલ કરી શકે તેમ નથી. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર અમેરિકા અને અમેરિકી લોકોનો અનાદર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
જ્યારે ઝેલેન્સ્કીએ વારંવાર કહ્યું હતું કે, અમે ગૅરંટી સાથે યુદ્ધવિરામ ઇચ્છીએ છીએ. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે જ્યારે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી એ દરમિયાન અમેરિકામાં યુક્રેનનાં રાજદૂત ઓક્સાના માર્કારોવા અતિશય તણાવમાં હતાં. ઓવલ ઑફિસના આ વીડિયોમાં યુક્રેનનાં રાજદૂત પોતાનો હાથ માથા અને ચેહરા પર રાખીને બેઠાં હતાં. ઓક્સાના ઓવલ ઑફિસમાં બંને નેતાઓની નજીક જ બેઠાં હતાં અને તેમની આ ચિંતાને સમગ્ર વિશ્વના મીડિયાએ પોતાના કૅમેરામાં કેદ કરી લીધી હતી. ઝેલેન્સ્કી બંને દેશો વચ્ચે કિંમતી ખનીજોના કરાર માટે અમેરિકા પ્રવાસે ગયા હતા, પરંતુ આ સમાધાન હવે ખોરંભે ચડી ગયું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે, યુક્રેન હાલમાં મોટી મુસીબતમાં છે અને તે રશિયા સાથે યુદ્ધ જીતી નહીં શકે.
આ દરમિયાન ટ્રમ્પે એવું પણ કહ્યું, યુક્રેન મોટી મુસીબતમાં છે. તમે તેને જીતી શકવાના નથી. પરંતુ જો તમે અમારી સાથે હશો, તો તમારી પાસે આમાંથી બહાર નીકળવાની તક છે. બેઠકમાં ટ્રમ્પે યુદ્ધ દરમિયાન યુક્રેનને આપવામાં આવેલી સહાય મુદ્દે વાત કરી. ટ્રમ્પે કહ્યું, અમે તમને 350 બિલિયન ડૉલર આપ્યા છે. અમે તમને લશ્કરી સાધનો આપ્યાં છે. જો અમે લશ્કરી સહાય ન આપી હોત, તો આ યુદ્ધ બે અઠવાડિયાંમાં સમાપ્ત થઈ ગયું હોત. ટ્રમ્પે કહ્યું, જો હું તમને બંનેને (રશિયા અને યુક્રેન) વચ્ચે નહીં લાવું, તો તમે ક્યારેય યુદ્ધવિરામ કરી શકશો નહીં. તમે પુતિનને નફરત કરો છો. સામેની તરફથી પણ પસંદ કરવા જેવી કંઈ બાબત નથી. તમે ઇચ્છો છો કે હું કઠોર બનું, તો પછી હું દુનિયાના બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં કઠોર બની શકું છું. પણ તમે આવી રીતે કોઈ ડીલ ન કરી શકો.