Editorial

સાંસદોને સંસદમાં હાજર રહેવાનો કંટાળો આવે છે?

શુક્રવારે સંસદનું શિયાળુ સત્ર પુરું થયું. પુરું થયું એમ કહેવા કરતા એમ કહેવું જોઇએ પુરું કરી દેવાયું. આમ તો સાતમી ડિસેમ્બરે શરૂ થયેલું આ સત્ર ૨૯મી ડિસેમ્બરે પુરું થવાનું હતું પરંતુ તેને એક સપ્તાહ વહેલું સમાપ્ત કરી દેવાયું. આ માટે   એવું કારણ અપાયું છે કે અનેક સાંસદોની એવી માગણી હતી કે સત્ર વહેલું પુરૂ઼ કરી દેવામાં આવે કારણ કે નાતાલ અને નવા વર્ષ જેવા તહેવારો આવી રહ્યા છે! સંસદનું શિયાળુ સત્ર કે જે શુક્રવારે સમેટી લેવાયું હતું તે એવું સતત આઠમુ સત્ર છે   કે જે ટૂંકાવી દેવાયું હોય એમ એક લેજિસ્લેટિવ થીંક ટેંક દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાઓ સૂચવે છે. આ સત્ર તેના નિર્ધારિત કાર્યક્રમ કરતા છ દિવસ વહેલું પુરું કરી દેવાયું છે.

સંસદનું આ સત્ર સાતમી ડિસેમ્બરના રોજ શરૂ થયું હતું અને તે ૨૯ ડિસ ડીસેમ્બરના રોજ સમાપ્ત થવાનું હતું. જો કે અનેક સાંસદોએ સરકારને અને બંને ગૃહોના પ્રિસાઇડિંગ અધિકારીઓને વિનંતી કરી હતી કે આ સત્ર વહેલું પુરું કરી દેવામાં   આવે. આ માટે તેમણે તહેવારોની સિઝન અને નવા વર્ષની ઉજવણીઓનું કારણ આપ્યું હતું. આ સત્ર ૧૩ દિવસ ચાલ્યું છે અને આ ૧૭મી લોકસભામાં તે સૌથી ટૂંકા સત્રોમાંનું એક છે.

બીજું એક આનાથી પણ ટુંકુ સત્ર વર્ષ ૨૦૨૦નું ચોમાસુ સત્ર   હતું જે માત્ર દસ દિવસ જ ચાલ્યું હતું, જો કે તે સત્ર તે વખતે ચાલતા કોવિડના રોગચાળાને કારણે આટલું ટૂંકુ રાખવું પડ્યું હતું. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ નામની થિંક ટેંક દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાઓ પરથી આ જાણવા મળે છે.   છેલ્લા સતત આઠ સત્રોથી સંસદ તેના નિયમ કાર્યક્રમ કરતા વહેલી મોકૂફ કરી દેવામાં આવે છે. આ લોકસભામાં આ રીતે વહેલી મોકૂફીઓને કારણે ૩૬ નિયત બેઠકો ગુમાવવી પડી છે. આ વર્ષે સંસદમાં પ૬ બેઠકો જ થઇ શકી છે એમ આ   સંસ્થાએ ભેગા કરેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. છેલ્લા પ૦ વર્ષમાં સંસદની બેઠકોની સંખ્યા ઘટતી રહી છે અને ૧૯પ૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં સંસદની જેટલી બેઠકો યોજાતી હતી તેના કરતા હાલની બેઠકોની સંખ્યા અડધી જ થઇ    ગઇ છે એમ આ અહેવાલ વધુમાં જણાવે છે.

આના પરથી શું સમજવું? તે સમયે સાંસદોમાં પ્રજાના કાર્યો કરવાની જે ઉત્કંઠા હતી તે અડધી થઇ ગઇ છે? આમ તો જોવા જાવ તો અડધી પણ રહી નથી. સરખામણી જ થઇ શકે તેમ નથી.  સાચી  વાત તો એ છે કે લોકસેવાનું હવે માત્ર નામ રહ્યું છે અને તમામ નહીં તો યે મોટા ભાગના સાંસદોને અને ધારાસભ્યોને હવે પોતાનો વિકાસ કરવામાં જ રસ છે. આ છતાં સંસદના સત્રો તોફાનો સાથે પણ ચાલતા તો લાંબા સમય સુધી  રહ્યા  હતા પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી જે સત્રો ટૂંકાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે સાંસદોને હવે સંસદમાં આવવાનો પણ કદાચ કંટાળો આવે છે.

વર્ષ ૨૦૨૦ના બજેટ સત્ર પછી તમામ સંસદીય સત્રો તેમની નિર્ધારિત  તારીખ  કરતા વહેલા પુરા કરી દેવાયા છે એમ આ થિંક ટેન્કે જણાવ્યું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું છે કે આ શિયાળુ સત્ર ટૂંકાવવા માટે તમામ પક્ષોના ફ્લોર નેતાઓમાં સહમતિ પ્રવર્તતી હતી. તેમનું આ નિવેદન મહત્વનું  છે કારણ  કે ઘણા વિપક્ષી નેતાઓ એવો આક્ષેપ કરી ચુક્યા છે કે સરકાર સંસદીય સત્રોને ટૂંકાવી રહી છે. આના પરથી સ્પષ્ટ સમજાય છે કે એક બીજા પર ઢોળવાની પ્રકૃતિ ધરાવતા એવા તમામ પક્ષોના સાંસદોને સંસદમાં આવવાનો કંટાળો  આવે છે અને વહેલું સત્ર પુરું કરી દેવામાં બધાની સહમતિ છે. તહેવારોના બહાને કે ચૂંટણી જેવા કારણોના બહાને સત્રો ટૂંકાવવાના અનેક બનાવો બન્યા છે.

સંસદના જે સત્રો ચાલે છે તેમાં પણ ઘણા સત્રોમાં એક યા બીજા કારણોસર ધાંધલ ધમાલ અને તોફાનો થાય છે અને કામ વ્યવસ્થિત થતું નથી. વારંવારની સભામોકૂફીઓ થાય છે અને હવે કેટલાક ખરડાઓ તો ચર્ચા વિના ધાંધલ ધમાલ વચ્ચે જ પસાર કરી દેવામાં આવે છે! આ બધુ જોઇને સામાન્ય જન વિચારે છે કે આપણા સાંસદો કેવી રીતે કામ કરે છે? વળી, સંસદના ગૃહોમાં જે બેઠકો વ્યવસ્થિત રીતે ચાલતી હોય તેમાં પણ જોઇ શકાય છે કે ઘણી બેઠકો ખાલી હોય છે. અનેક સાંસદો એવા છે કે જેઓ સત્ર ચાલતું હોય છતાં વ્યવસ્થિત હાજરી આપતા નથી. આના પરથી જનતાએ શું સમજવું? છેલ્લા કેટલાક દાયકાઓમાં સાંસદોના પગાર ભથ્થાઓ ખૂબ વધ્યા છે અને મોટા ભાગના સાંસદો ઉપરની બીજી આવક કરતા હોય છે તે તો જુદું! અને અઢળક નાણાકીય લાભો છતાં સાંસદોને સંસદમાં હાજરી આપવાનો જાણે કંટાળો આવે છે અન એક યા બીજા બહાને સત્રો ટૂંકાવવાની માગણી કરે છે.

Most Popular

To Top