Columns

ડીજેવાલે બાબુ, મેરા એક ગાના ચલા દો…!

એક સિનારિયો કલ્પી લો.  ધારી લો કે સંગીતનો એક બહુ મોટો જલસો છે. અહીં અટપટા શાસ્ત્રીય સંગીતથી લઈને સુગમ સંગીત તેમ જ પોપ મ્યુઝિકના ધુરંધર ગાયકો-વાદકો એમની કળા પેશ કરવાના છે. રાબેતા મુજબ સંગીતકાર-ગાયકો એક પછી એક પેશ થતા જાય અને ત્યાં એવી જાહેરાત થાય કે ‘રિલાયન્સ ગ્રુપ’ના ચેરમેન મુકેશભાઈ અંબાણી કે પછી ‘અદાણી’ કે ‘વિપ્રો’ના સર્વેસર્વા એવા ગૌતમભાઈ કે અઝીમભાઈ પ્રેમજી હવે એક ગીત રજૂ કરશે…!’ એવું ઍનાઉન્સમેન્ટ થાય તો એ સાંભળીને તમે તો શું ત્યાં હાજર રહેલા બધા જ સંગીતરસિકો અવાક જ થઈ જાય ને?!

અલબત્ત,આપણે ત્યાં તો આવું કયારેય થવાનું નથી પરંતુ આવી જ અદલોદ્લ રજૂઆત ટૂંક સમયમાં શિકાગોમાં થવાની છે એટલે આપણે આ કાલ્પ્નિક સિનારિયો છોડીને હવે ખરેખર જે ઘટના આકાર લેવાની છે એ વાત પર આવીએ. નજીકના ભવિષ્યમાં યોજાનારા ચાર દિવસના આ મ્યુઝિકલ શો ‘લોલાપાલોઝા’ ફેસ્ટિવલમાં ૧૦૦થી વધુ મ્યુઝિક બૅન્ડ્સના અનેક વિખ્યાત કલાકારો એમની કળા- કૌશલ્ય પેશ કરીને શ્રોતા-દર્શકોને દંગ કરી દેશે. 31 વર્ષ પહેલાં શરૂ થયેલો આ સંગીત સમારોહ એકસાથે 8 તખ્તા પર ધમધમે છે ત્યારે દર વર્ષે મોંઘા એન્ટ્રી પાસ લઈને અહીં સરેરાશ 40 હજારથી વધુ દર્શકો એને પોતાની નજર સામે જીવંત માણે છે અને એનું વર્લ્ડવાઈડ – ગ્લોબલ લાઈવ ટેલિકાસ્ટ તો વધારાનું! આ વખતની એની જે એક વિશેષતા પર સંગીતપ્રેમીઓ મીટ માંડીને બેઠા છે એ પણ જાણવા જેવી છે.

 અંદાજે 60 અબજ ડોલર એટલે કે આશરે 46 હજાર કરોડ રૂપિયાની તગડી મૂડી ધરાવતી અમેરિકાની વિખ્યાત મલ્ટિનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બૅન્ક ‘ગોલ્ડમૈન સૈકસ’ના સર્વેસર્વા એવા CEO ડેવિડ સોલોમન આર્થિક જગતમાં ખાસ્સું નામ અને માન ધરાવે છે. છેલ્લાં એકાદ વર્ષમાં પોતાની આ બૅન્ક્ને રેકોર્ડબ્રેક અબજો ડોલરનો નફો રળી આપીને વાર્ષિક રૂપિયા 267 કરોડની સેલેરી મેળવનારા ડેવિડ સોલોમનને બસ, એક ને એક જ અને એ પણ ગાંડો શોખ છે DJ (ડિસ્ક જોકી) બનવાનો. ખુદ આ કળામાં એ જબરા પારંગત પણ છે. પોતાની અતિ વ્યસ્ત કામગીરીમાંથી એ સમય ચોરીને પણ ‘DJ’ગીરી કરવા ન્યૂયોર્કની જાણીતી નાઈટ કલબોમાં પોતાની પત્ની-દીકરીઓ સાથે પહોંચી જાય છે. આવા તગડા ધનવાનને શિકાગોના પેલા અતિ પ્રતિષ્ઠિત ‘લોલાપાલોઝા’ મ્યુઝિક ફેસ્ટિવલવાળાએ પોતાને ત્યાં રૉક્-પૉપ-હીપહોપના અનેક નામાંકિત ક્લાકારો સાથે ખાસ પર્ફોર્મ કરવા બોલાવ્યા છે. બાય ધ વૅ, આ 61 વર્ષી અબજપતિ આસામી ઈલેકટ્રોનિક ડાન્સ મ્યુઝિકમાં માસ્ટર હોવા ઉપરાંત એ આજ્કાલ ‘બિલિયૉન્સ’નામની TV સીરિયલમાં કૉમેડી રોલ પણ ભજવે છે! જોઈએ હવે, આ અબજોપતિ ‘ડીજેબાબુ’ શિકાગોમાં ‘લોલાપાલોઝા’મ્યુઝિક ફેસ્ટિવલમાં કેવી ધૂન- તર્જ પેશ કરીને ધમાલ મચાવે છે….

માત્ર કલ્પના કે એક હૂબહૂ હત્યા?
ઇશિતાને હંમેશાં બે જુવાન હૈયા વચ્ચેનો રોમાન્સ અને પુસ્તકનાં પાને પાને ઘૂંટાતું રહસ્ય બહુ ગમે. એમાંય કોઈ રૂપાળી લલના રહસ્યકથા લખે ત્યારે તો કોઈ પણ વાચક પાણી પાણી થઈ જાય. મર્ડર – મિસ્ટ્રીની એક જાણીતી લેખિકાની રહસ્યકથામાં દર્શાવ્યું હોય તેમ જ એક પછી એક હત્યા થવા માંડે અને પોલીસ હત્યારાને ઝડપી લેવા ફાંફાં મારે છતાં અપરાધી હાથ ન આવે પછી પોલીસે પેલી લેખિકાની મદદ લેવી પડે એવી એક રોમાંચક – રસપ્રદ અને 280થી વધુ એપિસોડ્સ ચાલેલી અમેરિકન TV સીરિયલ : ‘મર્ડર શી રોટ’ બહુ જાણીતી થઈ હતી. પાછળથી આની નબળી નકલ જેવી આપણે ત્યાં બે-એક હિન્દી સીરિયલ પણ બનેલી.…

હવે આ પ્રકારનો એક સાચુકલો સિનારિયો અમેરિકાના ઓરેગૉન સ્ટેટની એક લેખિકા સાથે સર્જાયો છે. નેન્સી બ્રોફી આમ તો રોમેન્ટિક વાર્તા- નવલકથા લખે છે. એની કથાવસ્તુ અને શૈલી માટે જાણીતી પણ ખરી. થોડાં વર્ષ પહેલાં એણે હત્યા વિશે પણ એક રહસ્ય નવલ લખી હતી. ત્રણેક વર્ષ પહેલાં એના પતિ ડેનિયનની હત્યા થઈ એ જ્યાં જોબ કરતો હતો એ ઑફિસના કિચનમાં. લાંબા સમય સુધી હત્યારો હાથ ન લાગ્યો. અચાનક હમણાં પોલીસે ડેનિયલની લેખિકા પત્ની નેન્સીની ધરપકડ કરી પતિના હત્યારા તરીકે!  એવું તો શું કારણ હતું કે નેન્સી જેવી જાણીતી લેખિકા ખુદ પતિને પતાવી દે?

પોલીસ અનુસાર મર્ડરનું મોટિવ- હેતુ હતો પતિના વીમાની ધરખમ રક્મ. પતિનું અવસાન થાય તો નેન્સીને 15 લાખ ડોલર (આશરે 11 કરોડ રૂપિયા!) ની તગડી રકમ મળે એવી ઈન્શ્યોરન્સ પૉલિસી હતી. તો પોલીસે કયા પુરાવાના આધારે નેન્સીને અપરાધી માનીને એરેસ્ટ કરી? નેન્સીના કેસની સુનાવણી અત્યારે ચાલી રહી છે અને પોલીસ પાસે ગુનાના પુરાવારૂપે નેન્સીનું જ એક પુસ્તક છે, જેમાં એક પતિના પાત્રની હત્યા જે રીતે થતી દર્શાવી હતી અદ્લોદલ એ જ પધ્ધતિથી નેન્સીના પતિ ડેનિયલનું ખૂન થયું હતું. ઑફિસના કિચનમાં હત્યારાએ પાછળથી એની પીઠ પર પોઈન્ટ બ્લેન્ક બુલેટ ધરબી દીધી હતી …અને જેના આધારે પોલીસે નેન્સી પર હત્યાનો આરોપ દાખલ કર્યો એ નેન્સીના પેલા પુસ્તકનું નામ છે : ‘હાઉ ટુ મર્ડર યૉર હસબન્ડ’!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
સમાજમાં સ્ત્રીશક્તિને હજુ પણ વધુ પ્રાધાન્ય મળવું જોઈએ એવી ચર્ચા એક્ધારી ચાલતી રહે છે. મોટાભાગના લોકોને એવું છે કે અમુક દેશોમાં જ સ્ત્રીને વધુ વિકસવાની જેવી તક મળે છે એવી નાના દેશમાં મળતી નથી. આ માન્યતા ખોટી છે એવું તાજેતરનું એક સંશોધન કહે છે. અમુક દેશમાં જો તમે જોબ કરતાં હો તો પૂરેપૂરી શક્યતા એવી છે કે તમારા બૉસ પુરુષ નહીં, અચૂક સ્ત્રી જ હશે…!

ઉદાહરણ તરીકે…-
તમે ટોગો દેશમાં જોબ કરતા હશો તો 71% તમારી બૉસ લેડી જ હશે. એ જ રીતે, નાઈજેરિયામાં 64%- જોર્ડનમાં 60 % લાઓસમાં 59% અને જમૈકામાં તમને 56% લેડી બૉસના હાથ નીચે કામ કરવાની તક મળશે…! – રામમંદિર બાંધવાની તડામાર તૈયારી ચાલી રહી છે એ અયોધ્યામાં જમીનનો એક પ્લોટ ત્રણ વેપારીએ રૂપિયા 2 કરોડમાં ખરીદીને મંદિર ટ્રસ્ટને રૂપિયા 18 કરોડમાં વેચી નાખ્યો. આ જમીનની ખરીદી અને વેચાણમાં લાગી હતી રોકડી 10 મિનિટ…!
* ઈશિતાની એલચી *
માણસ તો જોઈએ એટલા મળે પણ ભાગ્યે જ જોઈએ એવા મળે!!

Most Popular

To Top