Gujarat

તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે રૂ.૧૬૦૦ કરોડની દિવાળી

ગાંધીનગર, વ્યારા: સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારો માટે વિકાસના મહત્ત્વના પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. ઉકાઈ જળાશય આધારિત અંદાજિત રૂ.૧૬૦૦ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારી વિવિધ ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોના હજારો ખેડૂતોની ખેતી સમૃદ્ધ બનશે. મુખ્યમંત્રીએ રૂ.૯૬૨.૧૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલી સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના કુલ ૧૩૬ ગામોને સીધો ફાયદો થશે. આશરે ૨૮,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળતા ખેડૂતો હવે બારેમાસ પાક લઈ શકશે.

બોરીસાવર યોજનાનું ખાતમુહૂર્ત: સોનગઢ-વ્યારાને મળશે નવું બળ
આ પ્રસંગે રૂ. ૬૫૧.૩૭ કરોડના ખર્ચે સાકાર થનારી બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ યોજના દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના ૨૯ ગામોની ૮,૦૦૦ હેક્ટરથી વધુ જમીન સિંચાઈ સુવિધાથી સજ્જ થશે. વર્ચ્યુઅલ સંબોધનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ હંમેશા ‘સેચ્યુરેશન એપ્રોચ’ અને વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું કે, આજે ઇજનેરી કૌશલ્યના સહારે આપણે ઉકાઈ ડેમનું પાણી ઊંચાઈવાળા ડુંગરાળ વિસ્તારો સુધી પહોંચાડી રહ્યા છીએ, જે છેવાડાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

તાપી મૈયાના નીરના વધામણા
ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડો. જયરામ ગામીતે ઉપસ્થિત રહી તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા. રાજય સરકારના મંત્રીઓએ ખેડૂતોને ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિ અપનાવવા અને સરકારની સબસિડીનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે આદિજાતિ સમુદાયના ઉત્થાન અને ખેતીની સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી એક શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. આ યોજનાઓના અમલીકરણથી તાપી જિલ્લો હવે સિંચાઈ ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ મક્કમ ડગ માંડી રહ્યો છે.

Most Popular

To Top