ગાંધીનગર : ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે ૨૦૨૬માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
‘ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. ૧૨ થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૧ દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. ૧૨ મે ૨૦૨૬ના રોજ રાજકોટથી – સુરેન્દ્રનગર- વિરમગામ- સાબરમતી:અમદાવાદ- નડિયાદ- આણંદ –વડોદરા – ભરૂચ- સુરત થશે. સરકારી કર્મચારીઓને ઉનાળુ વેકેશન દરમિયાન રજા પ્રવાસ રાહત- LTCનો લાભ લેવાની ઉત્તમ તક મળી રહેશે.