Gujarat

ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ

ગાંધીનગર : ઈરાન યુદ્ધના પ્રભાવને કારણે સમગ્ર દેશમાં LPG ગેસની અછત ઉભી થતાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગેસના વિકલ્પ તરીકે હવે કેરોસીનનું વિતરણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મળીને વધારાની વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જ્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીન ફાળવવાની યોજના અમલમાં મૂકી છે.

આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારોને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન ફાળવવામાં આવશે. મોટા પરિવારો અને મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ કેરોસીનનો ઉપયોગ માત્ર રસોઈ અને પ્રકાશ માટે જ કરી શકાશે.કેરોસીન ફાળવણી માટે અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગત સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે. અરજદારો https://ipds.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

રાજ્યમાં કેરોસીન સંગ્રહ માટે વડોદરા અને પાલનપુર ખાતે બે સ્ટોરેજ ડેપો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પરથી કેરોસીન વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12,000 લિટર (એક ટેન્કર લોડ)ની ઓનલાઈન માંગણી મળતા જ તાત્કાલિક વિતરણ શરૂ કરવામાં આવશે.ભાવની દ્રષ્ટિએ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને કેરોસીનનો દર પ્રતિ લિટર રૂ. 61.40 થી 66.14 વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં ગેસની અછત દરમિયાન લોકો માટે રાહત ઉભી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top