ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેક અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા રૂા. 2800 કરોડ વિકાસ કાર્યો માટે આપ્યા હતા.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે.
શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે તેવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે.
તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું સૂચન કરતાં કહયું હતું કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે.આપણા ૬ શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમમાં કહયું હતું કે મુખ્યમંત્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
આ રીતે કરાયું ચેક વિતરણ:
8 મહાનગરપાલિકાઓને કુલ : ₹2132 કરોડ
નવરચિત 9 પ્રત્યેક મનપાને : ₹40 કરોડ
152 નગરપાલિકાઓને કુલ : ₹308 કરોડ