નેત્રંગ: નેત્રંગની એક કોલોનીમાં ચાલતા ખાનગી દવાખાનામાંથી (Dispensary) તસ્કરો ટેબલના ખાનામાં મૂકેલા રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ બેંક એટીએમ કાર્ડની (ATM Card) ચોરી (stealing) કરી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીસ દિવસના સમયગાળામાં તસ્કરોએ સોસાયટી વિસ્તારમાં આવેલા બીજા મકાનને નિશાન બનાવતાં નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ-ડેડિયાપાડા રોડ પર આવેલી ગોકુલધામ ટીચર કોલોનીમાં રહેતા પરિમલ રણછોડભાઈ પટેલ મૂળ વલસાડના પીઠાના તળાવ ફળિયાના રહીશ છે. એક ગાળામાં તેઓ ફેમિલી સાથે રહે છે અને બીજા ગાળામાં ખાનગી દવાખાનું ચલાવે છે. તા.૧૮ એપ્રિલે ૨થી ૩ના સમયગાળા દરમિયાન દવાખાનું બંધ કરી ડોક્ટર બાજુમાં જ પોતાના ઘરે સૂઈ ગયા હતા. સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળામાં દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો હતો. તેણે જોયું કે, ડોક્ટરના ઘરનો દરવાજો આગળથી બંધ હતો. આથી દૂધવાળાએ તબીબને જઈને કહ્યું કે, તમારો દરવાજો આગળના ભાગેથી બંધ હતો.
આ સાંભળી ડોક્ટરે બાજુમાં આવેલા પોતાના દવાખાનામાં નજર કરતાં ત્યાં દરવાજાના નકૂચા તૂટેલા હતા. અંદર જઇને જોતાં અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. ટેબલના ખાનામાં મૂકેલા પાકીટમાં રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, ડોક્ટરી આઇ કાર્ડ તસ્કરો ઉઠાવી રફુચક્કર થઇ ગયા હતા. દવાખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે જેટલા તસ્કરો મોટરસાઇકલ લઈ આવતા દેખાયા હતા.
દવાખાના પાસે આવી મોટરસાઇકલ બહાર ઊભી રાખી દવાખાનામા પ્રવેશી સામાન વેરવિખેર કરી ટેબલના ખાનામાં મૂકેલા રોકડા રૂપિયા એક તસ્કર પાકીટમાં ભરે છે, અને સાથે સાથે પોતાના પેન્ટના પાછલા ખીસ્સામાં મૂકતો દેખાય છે. નેત્રંગ નગરમા વીસ દિવસના સમયગાળામાં ચોરીનો આ બીજો મોટો બનાવ બન્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા તેમજ સ્ટાફ તસ્કર ટોળકીને પકડે તો નગરજનોને રાહત થાય.
ભરૂચમાં મંદિર પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી તસ્કરો બે બેટરી ચોરી ગયા
ભરૂચ: ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી તસ્કરો ૮ હજારની બે બેટરીની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા નરેશ બાબુભાઈ પ્રજાપતિએ પોતાની ટ્રક નં.(જી.જે.૧૬.ડબ્લ્યૂ.૮૫૯૮) ગત તા.૧૫મી એપ્રિલના રોજ દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ટ્રકની કેબિનનો લોક તોડી અંદર રહેલ ૮ હજારની બે બેટરીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બેટરીની ચોરી થતાં ભરૂચ A-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.