Comments

ભારતનાં પ્રદૂષિત શહેરોની દેવોસમાં ચર્ચા

ભારતના પ્રદૂષણની ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ થઇ રહી છે. દેવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક સંમેલનમાં “ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થ તંત્ર બની શકશે?” અંગેની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે દેશના પ્રદૂષણ સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભારત પર કોઈ પણ પ્રકારની જકાત લાદવામાં આવી છે એના  કરતાં પ્રદૂષણની ભારતના અર્થતંત્ર પર વધુ માઠી અસર છે!

એમનો ઈશારો રાજધાની દિલ્હીના વાયુ પ્રદૂષણ સામે હતો.  પ્રદૂષણનો સૂચકાંક (એ.કયુ.આઈ) ૪૦૦થી ઉપર પહોંચી ભયજનક સપાટીથી ઘણો ઊંચો અનેક વાર નોંધાયો છે. દેશનાં સો થી પણ વધુ શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ છે. જી.ડી.પી. ને ઝડપથી વધારી દેવાની આપણી આકાંક્ષાની આપણે ચોક્કસપણે ઊંચી કિંમત ચૂકવી છે. જે મૂડી રોકાણકારોને આકર્ષવાની રેસમાં આપણે આગળ રહેવા માંગીએ છીએ તેઓ પ્રદૂષણની અસરથી ડરી રહ્યાં છે.

ગીતા ગોપીનાથે કહ્યું એ પ્રમાણે જે કોઈ ભારતમાં વ્યવસાય વિસ્તારવા માંગે છે અને અહીં દુકાન ખોલવા માંગે છે તેમને અહીં આવવામાં આરોગ્યનું જોખમ લાગે છે. એટલે અહીં રોકાણ કરતાં પહેલાં બે વખત વિચારશે. દેશના શહેર રહેવાલાયક નહિ હોય તો સ્વાભાવિક રીતે મૂડીરોકાણ દૂર ભાગશે. આમ, પ્રદૂષણ એ અર્થતંત્રને અસર કરતો પ્રશ્ન છે. જકાત અને બે દેશના નેતા ચર્ચા કરી કોઈ હલ શોધી શકશે, પણ પ્રદૂષણનો પ્રશ્ન કાયમી છે અને ટેબલ પર સામસામે બેસીને ઉકેલી શકાય એવો નથી.

માત્ર આર્થિક પ્રવૃત્તિની ગતિ પર જ નહિ પણ પ્રદૂષણને કારણે વધતા મૃત્યુઆંકની પણ માઠી અસર પડે છે. દા.ત. વિશ્વ બેન્કના ગયા અઠવાડિયે જ પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે ભારતની સમગ્ર ૧.૪૬ બિલિયનની વસ્તી ઝેરીલી હવાનો શ્વાસ લે છે. પરિણામે ભારતમાં પ્રદૂષણને કારણે  દર વર્ષે ૧૭ લાખ લોકો મૃત્યુ પામે છે, જે કુલ મૃત્યુના ૧૮ ટકા છે. પ્રદૂષણ માંદગી નોંતરે છે. વિશ્વ આરોગ્ય સંગઠન પ્રમાણે હૃદય રોગ, શ્વસનતંત્ર સંબંધી રોગ, ન્યુમોનિયા કે કેન્સર જેવી બીમારીનું કારણ પ્રદૂષિત હવા હોઈ શકે છે. નવજાત શિશુમાં પણ ઓછું વજન, ડાયાબીટીસ, કેન્સર, મગજનો અપૂરતો વિકાસ જેવી સમસ્યા પ્રદૂષણને કારણે વધી છે.

વિશ્વ બેન્કના સંશોધન મુજબ, વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે આશરે 5.7 ટ્રિલિયન ડોલરનું વૈશ્વિક ખર્ચ થાય છે, જે વિશ્વની જીડીપીના આશરે 4.8 ટકા જેટલું છે! એક તરફ આરોગ્ય સંભાળ ખર્ચમાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ  શ્રમની આવકમાં ઘટાડો તેમજ મજૂર કાર્યક્ષમતામાં ઘટાડાને કારણે આર્થિક ઉત્પાદકતામાં ઘટાડો થયો છે. જો માંદગી અને કસમયના મૃત્યુને કારણે થતા આર્થિક નુકસાનની ગણતરી માંડીએ તો એનું મૂલ્ય ૩૫ બિલિયન ડોલર જેટલું થાય! એટલે કે જી.ડી.પી. ના લગભગ ૧.૩૬ ટકા!  આરોગ્ય પાછળ સરકારી ખર્ચ પણ વધી રહ્યો છે અને સારવાર પાછળ ખાનગી બચત પણ ટૂંકી પડી રહી છે. આર્થિક વૃદ્ધિ અને માનવવિકાસ વચ્ચેનો સ્પર્ધાત્મક સંબંધ અંગેની ચર્ચા  ફરીથી સપાટી પર આવી છે.

જો કે, ગીતા ગોપીનાથે ભારતને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવા માટે પ્રદૂષણ નિયંત્રણની સાથે સાથે ઉદારીકરણ ઉપર પણ યુદ્ધના ધોરણે કામ કરવાનું સૂચન કર્યું. શું આ બંને લક્ષ્ય સાથે હાંસલ કરી શકાય ખરાં? ઉદારીકરણથી ઊભી થતી તકોમાં  ખાનગી નફાનું પ્રોત્સાહન હોય છે. વ્યક્તિગત ફાયદાની સામે જાહેર હિતો અંગેની નિસ્બત ટકી શકતી નથી અને એની કુરબાની આસાનીથી ચડતી હોય છે. એક સામાન્ય અવલોકન છે કે મોટા ભાગના ઉદ્યોગપતિઓને પર્યાવરણ સંરક્ષણના નિયમો બાધારૂપ લાગતા હોય છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ ના નામે શ્રમ કાયદાની સાથે સાથે પર્યાવરણના કાયદામાં પહેલી છૂટછાટ અપાતી હોય છે.

3.3 મિલિયન ચો. કિ.મી ક્ષેત્રફળનો વિસ્તાર અને ૧.૪૬ બિલિયનની વસ્તીવાળા દેશની જી.ડી.પી. તો વધવાની જ છે. શક્ય છે કે ટૂંક સમયમાં આપણે વિશ્વની ત્રીજી મોટી  અર્થવ્યવસ્થા બની જઈએ. પણ આ હોડમાંથી જરા હટીને વિચારવા જેવું છે કે શું સામાન્ય નાગરિકનું જીવન ખરેખર સુધરી રહ્યું છે? જે ગીતા ગોપીનાથે કહ્યું એ પર્યાવરણવાદી વર્ષોથી કહી રહ્યા છે. પર્યાવરણની અનિયંત્રિત બહારી અસર વિકાસની ગતિને અવરોધી શકે છે એ ચેતવણી અર્થશાસ્ત્રીઓ અનેક વાર આપી ચૂક્યા છે.  અત્યાર સુધી પ્રદૂષિત હવા અને પાણી સામાન્ય માણસને અસર કરતાં હતાં અને એ.સી. રૂમમાં બેઠેલાં રોકાણકારો આંખ આડા કાન કરતાં હતાં પણ હવે રેલો રોકાણકારોના પગ નીચે પહોંચી ગયો હોય એવું લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top