SURAT

દિવ્યાંગની અનોખી શ્રીજી ભકિત : બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી શ્રીજીનું પેઈન્ટિંગ બનાવ્યું

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન સુરતના ગણેશ મંડપોમાં ભક્તિ સાથે સમાજસેવાના અનેક ઉપક્રમો જોવા મળે છે. તેમા ઉધનાના મહાદેવનગર ખાતે આવેલા એક ગણેશ મંડપે સેવા સાથે કળાનું અદભૂત પ્રદર્શન રજૂ કર્યું છે. બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારેએ પોતાના મોઢા અને પગ વડે બાપાની પ્રતિમાને કાગળ પર ઉતારીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા.

આયોજકોને માહિતી મળી હતી કે મનોજભાઈ જેમણે બંને હાથ ગુમાવ્યા છે. તેઓ મોઢા અને પગ વડે અદભૂત પેઈન્ટિંગ બનાવે છે. તેમને પ્રોત્સાહન આપવા અને તેમની કલા ગણેશ ભક્તો સુધી પહોંચે તે માટે આયોજકોએ તેમને મંડપમાં આમંત્રિત કર્યા.

બાપાની પ્રતિમા સમક્ષ તેમણે લાઈવ પેઈન્ટિંગ બનાવ્યું. ભક્તિભાવ અને કલાનો અનોખો સંગમ બનેલું આ દૃશ્ય દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ બની ગયું. દર્શનાર્થીઓએ મનોજભાઈની કળાને વધાવી હતી અને આયોજકો પણ તેમની પ્રતિભા જોઈને દંગ રહી ગયા હતા.

10 વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા હાથ છતાં પણ હિંમત ન હારી
મનોજ ભીંગારે ડિંડોલી ખાતે રહે છે. તેઓ માત્ર 10 વર્ષના હતા ત્યારે અકસ્માતમાં બંને હાથ ગુમાવી બેઠા હતા. જોકે તેમણે આ પડકાર સામે હિંમત ન હારી. બાળપણથી જ પેઈન્ટિંગ પ્રત્યે રસ હોવાથી પગ અને મોઢાથી પીછી પકડીને ચિત્ર બનાવવાની શરૂઆત કરી.

સતત પ્રયત્નો બાદ તેઓ આ કળામાં નિષ્ણાત બની ગયા હતા. આજે તેઓ મોઢા અને પગ વડે બાપાની અદભૂત છબીઓ રચી રહ્યા છે. જેને જોઈ ભક્તો તેમને બિરદાવે છે. ગણેશ મંડપમાં દર્શન માટે આવતા લોકો માટે મનોજભાઈનું આ પ્રદર્શન એક પ્રેરણાસ્ત્રોત બની ગયું છે.

Most Popular

To Top