અમદાવાદ: રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એડમિશન કમિટી ફોર પ્રોફેસનલ કોસીર્ષ (ACPC) દ્વારા ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસી પ્રવેશ માટે લેવામાં આવતી DDCET-2026 પરીક્ષાની તારીખોમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ પરીક્ષા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની હતી, પરંતુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા વિવિધ યુનિવર્સિટીઓના પરીક્ષા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી જાહેર થયેલી તારીખો મુજબ ડિપ્લોમા થી ડિગ્રી ઈજનેરીની પરીક્ષા હવે 05 મે, 2026ના રોજ અને ડિપ્લોમા થી ડિગ્રી ફાર્મસીની પરીક્ષા 09 મે, 2026ના રોજ યોજાશે. પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. DDCET માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 30 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હોલ ટિકિટ હવે 24 એપ્રિલ, 2026ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષા બાદ ઈજનેરી માટે 06 મેના રોજ આન્સર કી જાહેર કરવામાં આવશે અને 06 થી 11 મે દરમિયાન ગ્રિવન્સ નોંધાવી શકાશે, ત્યારબાદ 20 મેના રોજ ફાઈનલ આન્સર કી જાહેર થશે. ફાર્મસી માટે 10 મેના રોજ આન્સર કી જાહેર થશે, જ્યારે 11 થી 15 મે દરમિયાન ગ્રિવન્સ નોંધાવી શકાશે અને 20 મેના રોજ ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવશે.
પરીક્ષાના શહેરમાં ફેરફાર કરવા 15મી એપ્રિલ સુધી અરજી કરવી
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સમિતિએ વધુમાં જણાવ્યું હતુ કે જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષાના શહેરની પસંદગીમાં ફેરફાર કરવો હોય તો તેઓ 15 એપ્રિલ, 2026 સુધીમાં અરજી કરી શકે છે. આ વર્ષે DDCET પરીક્ષા માટે ઈજનેરીમાં કુલ 21,707 અને ફાર્મસીમાં 339 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ ફેરફારો વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપી અને યુનિવર્સિટીઓના પરીક્ષા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.