સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ સ્માર્ટ (Smart) બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic issue)ને નાથવા માટે મનપાએ માસ ટ્રાન્સપોર્ટેશન (mass transportation)ની સેવા શરૂ કરી છે.
2007 પહેલા શહેરમાં રેલવે સ્ટેશન (railway station) વિસ્તારની આસપાસ જ 40,000 જેટલી રીક્ષાઓ પ્રતિદિન ફરતી હતી. પરંતુ મનપા દ્વારા રેલવે સ્ટેશન સુધી બસ સેવા (bus service) સુવિધા આપતા રીક્ષાઓની ટ્રીપ ઘણી ઓછી થઈ છે અને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. મનપા દ્વારા શહેરમાં તબક્કાવાર બસો શરૂ કરાઈ છે. અને હવે આ બસમાં સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે. મનપાએ શહેરીજનોને વધુ સરળ સુવિધા મળી રહે તે માટે એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં ઘણી જાણકારીઓ આપવામાં આવી જ રહી છે. જેમાં હવે વધુ એક ફીચર એડ કરાશે. જેથી શહેરીજનો એપ્લિકેશન થકી જ રૂટ પર આવનારી બસમાં બેસવાની જગ્યા છે કે કેમ તે જાણી શકશે.
શહેરીજનોને સુવિધાનું વધુ સરળીકરણ થાય તેવા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલમાં 163 બીઆરટીએસ સ્ટેશન પર 166 બીઆરટીએસ બસ, 575 સીટી બસ દોડાવવામાં આવી રહી છે. તેમજ હાલમાં હવે ઈ-બસ પણ ચાલી રહી છે. આ તમામ બસોની માહિતી, રૂટની માહિતી વગેરે મોબાઈલ થકી મુસાફરો મેળવી શકે છે. પરંતુ ઘણીવાર બસમાં ભારે ભીડ હોય છે અને બેસવાની જગ્યા પણ રહેતી નથી. આ અંગેની માહિતી પણ મોબાઈલ એપ પરથી જ મળી રહે તેવી જોગવાઈ મનપા દ્વારા કરાશે. મનપાની બસ સુવિધા માટેની સીટી લીંક મોબાઈલ એપમાં આ ફીચર ટુંક સમયમાં શરૂ થશે, જેમાં ત્રણ કલર કેટેગરી પ્રમાણે બસમાં બેસવાની જગ્યા છે કે કેમ તે જાણી શકાશે.
કલર કોડ પ્રમાણે ત્રણ કેટેગરી હશે
શહેરીજનો બસ માટે રૂટ પર ઉભા હોય ત્યારે જે બસ આવતી હશે. તેની માહિતી મોબાઈલ એપથી જ જાણી શકશે. સાથે સાથે જે બસ આવી રહી છે તેમાં સીટ ખાલી છે કે કેમ તે અંગે કલર કોડ પ્રમાણે જાણી શકાશે. જેમાં સીટીંગ, સ્ટેન્ડીંગ અને ફુલ એમ સીટીંગ માટે ગ્રીન એટલે કે બેસવાની જગ્યા, ત્યારબાદ સ્ટેન્ડીંગ એટલે કે, ઉભા રહેવા માટેની જગ્યા છે જેમાં યલો કલર બતાવશે અને બસમાં બિલકુલ પણ જગ્યા ન હોય તેમાં રેડ કલર બતાવાશે. સાથે સાથે મનપાના તમામ બીઆરટીએસ બસ સ્ટેશન પર જે ડીસ્પ્લે લગાવાયા છે તેમાંથી પણ જાણી શકાશે.
ગુગલ સાથે ટાઈ-અપ કરાયું હોવાથી બસની તમામ માહિતી ગુગલ મેપ પરથી પણ જાણી શકાય છે
મનપા દ્વારા ગુગલ સાથે પણ ટાઈ-એપ કરાયું છે. જેથી ગુગલ મેપ પર પણ બસ કયા રૂટ પર જઈ રહી છે તેમજ કયા રૂટ પર જામ છે કે બસ ક્યા બંધ પડી છે કે, બસને ક્યાં અકસ્માત થયો છે તે તમામ માહિતી તુરંત જાણી શકાય છે. જેથી મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર તમામ માહિતી અપડેટ થઈ જાય છે અને મનપા દ્વારા જે-તે રૂટ પર બીજી બસ મુકવાની વ્યવસ્થા તુરંત કરી દેવામાં આવે છે.
હાલમાં મોબાઈલ એપ પર કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે?
1) જર્ની પ્લાનર
2) ટાઈમ ટેબલ એન્ડ શીડ્યુલ
3) રૂટ ઈન્ફર્મેશન
4) ક્યુઆર બેઝ એન્ડ ટીકીટીંગ
5) સુરત મની કાર્ડ