Columns

ડિજિટલ ધરપકડ, સાયબર અપહરણ, વર્ચ્યુઅલ બળાત્કાર!!

પીજીઆઈ લખનૌની ડૉ. રૂચિકા ટંડનને થોડા દિવસો માટે ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી! તેમની પાસેથી 2 કરોડ 81 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી! આવું કોઈ કહે તો તમે ચોંકી જશો! પણ આ સત્ય ઘટના છે! ડિજિટલ ધરપકડ, સાયબર અપહરણ અથવા વર્ચ્યુઅલ બળાત્કાર. તમે આ શબ્દો વારંવાર સાંભળતા જ હશો, કારણ કે દેશમાં ડિજિટલ ધરપકડના મામલા વધી રહ્યા છે. પણ આ બધું શું છે? આ ગુનાઓ વિશે ભારતીય કાયદો શું કહે છે? અને આવા મામલાઓનો ભોગ ન બનવા માટે તમે શું કરી શકો… ચાલો આ બધું સમજવાની કોશિશ કરીએ. આજનો આ લેખ માહિતી આપવાની એક કોશિશ છે, જે તમને ઉપયોગી સાબિત થશે.
સૌથી પહેલા સમજીએ, ડિજિટલ ધરપકડ શું છે? : ડિજિટલ ધરપકડ એ સાયબર ક્રાઇમની નવી પદ્ધતિ છે. આમ તો અત્યાર સુધી આપણી સાંજ મુજબ, ધરપકડનો અર્થ એ છે કે પોલીસ તમને લઈ જાય છે અને તમને જેલમાં ધકેલી દે છે, પરંતુ ડિજિટલ ધરપકડમાં છેતરપિંડી કરનારાઓ તમને પોલીસ અધિકારી, સીબીઆઈ અધિકારી અથવા અન્ય કોઈ સરકારી અધિકારી તરીકે દર્શાવીને વીડિયો કૉલ દ્વારા તમને ધમકાવે છે અને ડરાવે છે. તેઓ તમને કહે છે કે તમારું નામ માનવ તસ્કરી અથવા મની લોન્ડરિંગ જેવા કેટલાક ગંભીર ગુના સાથે જોડાયેલું છે.
પછી તમને કહેવામાં આવે છે કે તમારી ડિજિટલી ધરપકડ કરવામાં આવી છે, સાયબર ફ્રોડ કરનારા એવી ધમકી પણ આપશે કે, તમે વીડિયો કોલ કાપી નાખશો, તો પોલીસ ખરેખર આવશે અને તમને પકડીને જેલમાં ધકેલી દેશે. આ બધું એટલું ઝડપથી થાય છે કે પીડિત સમજી શકતા નથી અને ડરી જાય છે. આ કારણે તે સાયબર ફ્રોડની ચુંગાલમાં ફસાઈ જાય છે. વીડિયો કોલર્સ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સેટઅપ તૈયાર કરે છે, તેઓ પોતાના ડીપી પણ પોલીસ યુનિફોર્મમાં મૂકે છે, જેના કારણે ઘણી વખત સામાન્ય લોકો છેતરાય જાય છે. તમને સીબીઆઈમાંથી વૉટ્સએપ કોલ કેટલા આવ્યા છે, ખબર નહીં, મને ઘણા આવ્યા છે.
તેઓ તમને ડિજિટલ ધરપકડની ધમકી આપે છે અને કહે છે કે તમે કૉલ્સ ડિસ્કનેક્ટ નહીં કરી શકો, આ રીતે એ તમારા પર નજર રાખે છે. થોડા સમય પછી, ગુનેગારો મામલો શાંત પાડવા માટે તમારી પાસેથી પૈસાની માગ કરે છે. ઘણા લોકો આ છેતરપિંડીનો શિકાર બને છે.
PGI લખનૌના ડૉ. રૂચિકા ટંડન સાથે પણ કંઈક આવું જ બન્યું હતું..! રુચિકાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મને સવારે એક ફોન આવ્યો, સામેની વ્યક્તિએ કહ્યું કે તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સાથે વાત કરી રહ્યો છે. મને કહેવામાં આવ્યું કે પોલીસે મારો નંબર બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ ઓફિસના જણાવ્યા અનુસાર, મારા નંબર પરથી ઘણા લોકોને ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા છે.
તેણે આગળ કહ્યું, ત્યારબાદ તેઓએ મને કેટલાક કહેવાતા IPS અધિકારી સાથે વાત કરાવી, જેમણે કહ્યું કે હું બેંક ખાતા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહી છું અને 7 કરોડનું મની લોન્ડરિંગ કર્યું છે. તેણે કહ્યું કે મને તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મને ડિજિટલ કસ્ટડીમાં રાખવામાં આવશે. તમે આ કોઈને જણાવી નહીં શકો, કારણ કે, દેશની સુરક્ષાનો મામલો છે.
ઠગોએ ડૉ. ટંડનને 7 દિવસ સુધી ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા હતા અને તેમની સાથે 2.81 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેને કહેવામાં આવ્યું કે તેણે તમામ પૈસાનો રેકોર્ડ આપવાનો રહેશે અને આ માટે તેણે તમામ પૈસા સરકારી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. આવા ગુંડાઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી.
ડિજિટલ ધરપકડનો આ પહેલો મામલો નથી, દેશમાં અનેક મામલા સામે આવી રહ્યા છે. હરિયાણાના ફરીદાબાદમાં 23 વર્ષની યુવતીને 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી અને તેની સાથે 2.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
તેણીને સ્કાયપે પર એક વિડીયો કોલ મળ્યો હતો, જેમાં તેણીને કહેવામાં આવ્યું હતું કે તેઓ લખનૌમાં કસ્ટમ ઓફિસ સાથે વાત કરી રહ્યા છે અને તેઓએ એક પાર્સલને અટકાવ્યું છે, જેમાં ઘણા પાસપોર્ટ હતા જે કંબોડિયા પહોંચાડવામાં આવી રહ્યા હતા, યુવતી પર દાણચોરીનો આરોપ હતો.
ત્યારબાદ મામલો થાળે પાડવા તેની પાસેથી 15 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેણે 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. 24 કલાક ચાલેલી આ ગેમમાં તેઓએ યુવતીને વીડિયો કોલ મ્યૂટ કરવાની મંજૂરી આપી ન હતી, તેને માત્ર બાથરૂમમાં જવાની અને તેના પરિવાર સાથે થોડીવાર વાત કરવાની છૂટ હતી.
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) એ ટેલિકોમ વિભાગ સાથે મળીને નકલી ઈન્ટરનેશનલ કોલ્સ રોકવાનું કામ શરૂ કર્યું છે. I4C એ સુનિશ્ચિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે કે ED, CBI જેવી સરકારી એજન્સીઓના લોગોનો દુરુપયોગ ન થાય.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આવા સાયબર ગુનાઓથી બચવા માટેના પગલાં પણ આપવામાં આવ્યા છે. જોકે, ભારતીય કાયદામાં ડિજિટલ ધરપકડનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આ સાયબર ફ્રોડનો મામલો છે, તેથી ફરિયાદ નોંધાવી શકાય છે.

Most Popular

To Top