કોઈએ 7 વાર પ્રપોઝ કર્યું તો પણ પ્રેમિકાને મજાક જ લાગી, તો કોઈએ બુકમાં રોઝ બુકની આપ્યું જેને 1 વર્ષ સુધી બુક જ ના જોઈ તો વળી કોઈ ફક્ત મળવા ગયા અને સગાઈ પણ કરીને આવ્યા…
ફેબ્રુઆરીની શરૂઆત થતા જ પ્રેમની મોસમ પણ ખીલે છે. ફેબ્રુઆરીના મહિનાને જો પ્રેમનો મહિનો કહીએ તો એવું કહેવું ખોટું નથી. આ મહિનામાં શરૂ થાય છે વેલેન્ટાઈન વિક મતલબ કે પ્રેમ કરવા વાળા માટે નવ દિવસના નવરાત્ર શરૂ થઇ ગયા છે. આ વિકની શરૂઆત થાય છે 7 ફેબ્રુઆરીથી, જેમાં સૌથી પહેલો દિવસ આવે છે રોજ ડે. અને તેના પછી એટલે કે 8 ફેબ્રુઆરીએ હોય છે પ્રપોઝ ડે, એટલે કે આ દિવસે કરવામાં આવે છે ઈશ્કનો ઇજહાર.
કોઈની સામે પ્રપોઝ ડેના દિવસે પોતાના પ્રેમનો ઇજહાર કરવું ખરેખર ઘણી હિમ્મતનું કામ હોય છે, યુવાઓના મનમાં અલગ અલગ પ્રકારની કશ્મકશ ચાલી રહેલ હોય છે કે ક્યાંક સામે વાળા એ મનાઈ કરી દીધી તો શું કરશો અને ના જાણે શું-શું. હવે વાત જયારે ઈશ્ક અને ઇજહારની થઇ રહી છે તો આજે આપણે મળીશું કંઈક અલગ રીતે પ્રેમનો ઇજહાર કરનાર લોકો સાથે અને જાણીશું એમના અનુભવો….
મજાકિયા સ્વભાવને લીધે રિયલ પ્રપોઝને પણ મજાક માની 7 થી 8 વાર પ્રપોઝ કર્યા પછી સાચું માન્યું!!!! (ડો. હિરલ સવાણી- ડો. કલ્પના સવાણી)
જ્યારે એક મજાકિયો સ્વભાવ હોય એ વ્યક્તિ કોઈને સિરિયસ વાત પણ કરે તો પણ કોઈને મજાક જ લાગે ખરુંને. આવું જ બન્યું હતું સુરતના ડો. હિરલ સવાણી સાથે કે જેમના મજાકિયા સ્વભાને લીધે તેમના પ્રપોઝલને પણ મજાકમાં લીધું આવો જાણીએ એમની જ પાસેથી..
40 વર્ષીય ડો. હિરલ સવાણી જણાવે છે કે 2001ની વાત છે. હું અને મારી વાઈફ ડો. કલ્પના સવાણી પૂનામાં સાથે જ સ્ટડી કરતા હતા. અમારું સ્ટડી પૂરું થઈ ગયું પછી સાથે ઇન્ટનશીપ કરતા હતા. એ સમયે એક એક્સિડન્ટ થયેલું અને અમે સારા મિત્રો બની ગયા. જો કે મારો રહ્યો મજાકી સ્વભાવ અને કોલેજમાં પણ એવી જ હસી મજાકવાળી છાપ આથી હું કશું પણ કહું એ બધા મજાકમા જ વધારે લેતા. મેં મારી વાઈફને પ્રપોઝ કર્યું જોકે એણે સિરિયસ નહીં લીધું.
થોડા દિવસ પછી પાછું પ્રપોઝ કર્યું એણે જવાબ નહીં આપ્યો તમે માનશો નહીં મેં તેને 7 થી 8 વાર પ્રપોઝ કર્યું હશે પણ એને સાચું લાગે જ નહીં. એમને એમ ઘણો સમય જતો રહ્યો પછી એક દિવસ હું તેને ચા માટે લઈ ગયો ત્યારે તો કેફે હતા નહીં એક સમોસા વાળાની શોપ પર લઇ ગયો અને ચા અને સમોસા ઓર્ડર કરી ત્યાં મેં તેને ફરી વાર પ્રપોઝ કર્યું અને લગ્ન માટે કહું ત્યારે એને મનમાં થયું કે આ હવે સિરિયસ છે અને તેણે ફાઈનલી હા પાડેલી!!!
ફ્રેન્ડને મળવા ગયા અને પ્રપોઝ કરી 48 કલાકની અંદર સગાઈ પણ થઈ ગઈ !!! (રાહુલ જોશી, પ્રેરણા જોશી)
હવે વાત કરીશું એવા વ્યક્તિની કે જેઓ ફક્ત તેના સ્કૂલ ફ્રેન્ડને મળવા ગયા હતા પણ નસીબે સાથ આપ્યો તો પ્રપોઝ કરવાની હિંમત પણ આવી અને પહેલી જ મિટિંગમા પ્રપોઝ કરી 48 કલાકમાં સગાઈ પણ કરી લીધી!!!
36 વર્ષીય રાહુલ જોશી જણાવે છે કે 2009મા હું મુંબઇ ઇન્ટનશીપ કરતો. જોકે મારી વાઈફ પ્રેરણા અને હું અમે સ્કૂલમાં સાથે હતા પછી વચ્ચેના સમયે અમે છુટા પડી ગયેલા. મારા સસરા અને મારા ફાધર પહેલેથી જ ફ્રેન્ડ્સ હતા. આથી હું રાજકોટ ગયો. ત્યાં પ્રેરણાને લઇ સીસીટીમાં કોફી માટે લઈ ગયો. જેનું મેનુ તો સમજમાં આવે એવું નહીં હતું આથી મેં પ્રેરણાને કીધું તમે તમારી રીતે ઓર્ડર કરો તો તેણે કીધું તમે ઓર્ડર કરો મને ચાલશે. મેં ઝટપટ કેપેચીનો ઓર્ડર કરી વટ પાડવા જે તેને બિલકુલ પસંદ નહીં હતી પણ મને ખોટું નહીં લાગે આથી તેને પીધી એ જ સમયે મેં તેને કીધું તું અહીંયા બેસ હું 10 જ મિનિટમાં આવ્યો.
મેં ઝટપટ બાઇક લઇ ફલાવર લેવા ગયો એને લઈને પહેલેથી મને ફિલિંગ તો હતી જ પણ છતાંય હું 3 રોઝ લાવ્યો કે માની જાય તો. વાઇટ, યલ્લો અને રેડ રોઝ લાવીને મેં તેને આવીને પહેલા વાઇટ રોઝ આપ્યું કે તમારા જીવનમાં શાંતિ બની રહે. પછી યલ્લો રોઝ આપ્યું કે આપણી દોસ્તી બની રહે અને પછી રેડ રોઝ આપી મેરેજ માટે પ્રપોઝલ મૂક્યું એણે તો તરત જ હા પાડી દીધી અને ઘરે તો બધા જાણતાં જ હતાં એની મમ્મીએ ફટાફટ મહારાજને ફોન કર્યો તો મહારાજે કીધું આવતી કાલે જ શિવરાત્રીનો યોગ છે. એ જ દિવસે કપડાં પસંદ આવ્યા ન આવ્યા લઈ લીધા; 48 કલાકમાં તો પ્રપોઝ કરી ગોળઘાણાં ખાઈ સગાઈ કરી બીજા દિવસે ટ્રેનમાં બેસી મુંબઈ પણ આવી ગયો.
સામે કહેવાની હિંમત ન થતા બુકમાં રોઝ મૂકીને આપ્યું જેના રીપ્લાય માટે 1 વર્ષ વીતી ગયું. (ડૉ વિશાલ રાઠી- નમ્રતા રાઠી)
જ્યારે પ્રપોઝ કરવાની સામ સામે હિંમત ના થાય ત્યારે પ્રેમનો ઇજહાર કરવાના અલગ અલગ નુસખા અપનાવતાં હોય છે આવું જ કંઈક થયું હતું ડો. વિશાલ સાથે જેમણે એટરન્સ એકઝામ બુકમાં રોઝ અને લેટર લખીને તો આપ્યો પણ સામે તેમની પ્રિયતમાએ તેના વિશે 1 વર્ષ પછી ખબર પડી!!! પણ લેટ તો લેટ મળ્યા ચોક્કસ..
ડૉ વિશાલ રાઠી જણાવે છે કે હું અને મારી વાઈફ નમ્રતા રાઠી રાજસ્થાનમા સાથે ભણતા. સ્કૂલમાં પણ સાથે કોચિંગમા પણ સાથે જ હતા. પણ સામે ચાલી પ્રપોઝ કરવાની મારામાં ક્યારેય હિંમત થયેલી જ નહીં. ઘણાં વિચાર પછી મને થયું સામે ચાલીને કહેવાની હિંમત તો નથી તો તેને કંઈક અલગ રીતે મારા પ્રેમનો ઇજહાર કરું.
આથી મેં મેડિકલ એટરન્સ એકઝામની બુકમાં રોઝ અને ‘આઈ લવ યુ’ લખી તેને આપી અને ડેઈલી વિચારતો કે આજે જોઈ હશે, પણ મળીએ તો કોઈ રિએક્શન નહીં આવે એટલે એમ વિચારું કે કાલે જોશે અને એવા ટેન્શનમાં ને ટેન્શનમાં ઘણાય મહિનાઓ જેટલો સમય જતો રહ્યો. તેણે એક વર્ષ પછી એ બુક ખોલી હશે ત્યારે એ રોઝ અને આઈ લવ યુ વાંચ્યું હશે અને પછી તેણે ફાઈનલી મને એક વર્ષ પછી પ્રપોઝલનો રીપ્લાય આપ્યો.