World

પૃથ્વીના લીધે ચંદ્રને કાટ લાગ્યો?, શું છે હકીકત..

તાજેતરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ચંદ્ર પર પાણી અને ઓક્સિજનનો અભાવ હોવા છતાં ત્યાં કાટ (રસ્ટ) જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્ર પર કાટના નિર્માણમાં પૃથ્વીમાંથી પહોંચતો ઓક્સિજન મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ શોધે ચંદ્ર–પૃથ્વી સંબંધો પર નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

કુદરત ઘણીવાર એવા રહસ્યો રજૂ કરે છે કે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકો સામે એક એવી જ ચોકાવનારી ઘટના સામે આવી છે. ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં હેમેટાઇટ નામના ખનિજ મળી આવ્યા છે. જેને સામાન્ય ભાષામાં આયર્ન ઓક્સાઇડ અથવા રસ્ટ (કાટ) પણ કહેવામાં આવે છે. પરંતુ અહીં મોટો પ્રશ્ન એ છે કે ચંદ્ર પર પાણી અને ઓક્સિજનનો અભાવ હોવા છતાં ત્યાં કાટ કેવી રીતે થઈ શકે?

અહેવાલ મુજબ જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસે આ રહસ્ય પર પ્રકાશ પાડ્યો છે. આ અભ્યાસ દર્શાવે છે કે પૃથ્વીમાંથી નીકળતો ઓક્સિજન ચંદ્ર પર કાટની રચનામાં ફાળો આપી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો તો સ્પષ્ટપણે કહે છે કે “ચંદ્ર પરના કાટ માટે પૃથ્વી જ જવાબદાર છે.”

સામાન્ય રીતે કાટ બનવા માટે પાણી અને ઓક્સિજન બંને જરૂરી છે. પરંતુ ચંદ્ર પર પાણી ખૂબ જ મર્યાદિત છે અને વાતાવરણના અભાવને કારણે ઓક્સિજન પણ હાજર નથી. તેમ છતાં સંશોધનમાં જાણવા મળ્યું કે જ્યારે ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે ત્યારે તે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર (Magnetotail)માંથી પસાર થાય છે.

આ દરમિયાન લગભગ પાંચ દિવસ સુધી ચંદ્ર સૂર્યના પવનોથી સુરક્ષિત રહે છે. આ સમયે ચંદ્ર પર સીધી અસર માત્ર પૃથ્વીમાંથી નીકળતા ઓક્સિજન કણોની થાય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં “પૃથ્વીનો પવન” (Earth Wind) કહેવામાં આવે છે.

પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવી
આ વિચારની પુષ્ટિ કરવા વૈજ્ઞાનિકોએ એક અનોખો અભ્યાસ કર્યો. તેમણે ચંદ્ર પર જોવા મળેલા હેમેટાઇટ જેવા ખનિજો પર ઓક્સિજન અને હાઇડ્રોજન આયનોને ઉચ્ચ ગતિએ અથડાવ્યા. આ પ્રયોગ દરમિયાન ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. જ્યારે ઓક્સિજન કણો લોખંડ ધરાવતા ખનિજો સાથે અથડાયા ત્યારે હેમેટાઇટ (રસ્ટ) બનતો જોવા મળ્યો. જો કે હાઇડ્રોજન કણો આ પ્રક્રિયાને આંશિક રીતે અટકાવવાની ક્ષમતા ધરાવતા જોવા મળ્યા.

અંતે એવું કહી શકાય છે કે પૃથ્વીમાંથી આવતા ઓક્સિજન કાટની રચનાને પ્રોત્સાહન આપે છે. જ્યારે સૂર્યના પવનમાં રહેલો હાઇડ્રોજન તેને ધીમું કરી શકે છે. આથી વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્ર પર જોવા મળેલો કાટ પૃથ્વી અને ચંદ્રની પરસ્પર ક્રિયાઓનું પરિણામ હોઈ શકે છે.

ચંદ્ર–પૃથ્વી સંબંધ પર નવો દ્રષ્ટિકોણ
આ શોધ માત્ર એક વૈજ્ઞાનિક રહસ્ય નહીં પરંતુ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના સંબંધ પર એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. અત્યાર સુધી ચંદ્રને એક સૂકો, ઓક્સિજન વિનાનો માનવામાં આવતો હતો. પરંતુ હવે ત્યાં કાટના અસ્તિત્વથી સાબિત થાય છે કે પૃથ્વીનો પ્રભાવ ચંદ્ર પર અપેક્ષાથી વધુ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકો હાલમાં આ ઘટનાના વધુ વિગતવાર અભ્યાસ કરી રહી છે. કારણ કે આ શોધ ભવિષ્યમાં ચંદ્ર પરના અભિયાન અને સંસાધનોના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top