National

આઇપીએલમાં આજે ગુરૂ ધોની અને ચેલા પંત વચ્ચે જામશે ખરાખરીનો જંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બીજી મેચમાં અહીં આવતીકાલે શનિવારે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે ગુરૂ મહેન્દ્ર સિંહ ધોની અને ચેલા ઋષભ પંત વચ્ચે જોરદાર જંગ જામવાની સંભાવના છે. યુએઇમાં રમાયેલી આઇપીએલની છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રનર્સ અપ રહી હતી, જ્યારે ત્રણ વારની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ આઠ ટીમોના પોઇન્ટ ટેબલમાં છેક સાતમા ક્રમે રહી હતી.
પોતાની ટીમના એ ખરાબ પ્રદર્શનને ભુલાવીને આઇપીએલની ધૂંરધર કહેવાતી ટીમ સીએસકે પહેલી મેચથી જ છાકો પાડી દેવાની ઇચ્છા ધરાવતી હશે, જ્યારે સામે પક્ષે કેપ્ટન તરીકેની પોતાની પહેલી જ મેચમાં ઋષભ પંત પોતાના ગુરૂ ધોનીની સામે પ્રભાવશાળી દેખાવ કરવા ઇચ્છુક હશે. શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં કેપ્ટન બનેલા વિકેટકીપર બેટ્સમેન પંતે હાલમાં જ કહ્યું હતું કે તે પહેલી મેચમાં ધોની પાસેથી તેને જે શીખવા મળ્યું છે તેનો ઉપયોગ કરશે. તેણે એવું કહ્યું હતું કે કેપ્ટન તરીકે મારી પહેલી જ મેચ માહી ભાઇની સામે છે ત્યારે મારા માટે એ અનુભવ ઘણો સારો રહેશે, કારણકે મેં તેમની પાસે ઘણું શીખ્યું છે. હું મારો પોતાનો અનુભવ અને તેમની પાસેથી જે શીખવા મળ્યું છે તે બંનેનો આ મેચમાં ઉપયોગ કરીશ.

ચેન્નાઇની ટીમ પાસે અનુભવી ખેલાડીઓની લાંબી લાઇન
આઇપીએલની યુએઇમાં રમાયેલી 13મી સિઝન દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ સાતમા ક્રમે રહી હતી, જો કે હવે તેની ટીમમાં આઇપીએલમાં સર્વાધિક રન કરનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે બેઠેલા અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાની વાપસી થઇ છે. સાથે જ ટોપ ઓર્ડરમાં તેની પાસે ઋતુરાજ ગાયકવાડ જેવો યુવા બેટ્સમેન હોવાની સાથે ફાફ ડુ પ્લેસિ અને અંબાતી રાયડુ જેવો અનુભવી બેટ્સમેન છે. મિડલ ઓર્ડરમાં ધોનીની સાથે ઓલરાઉન્ડર સેમ કરેન, મોઇન અલી મજબૂતાઇ આપશે, જ્યારે રવિન્દ્ર જાડેજા બેટિંગ બોલિંગ બંનેમાં પોતાનો ફાળો આપી શકે છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર હાલ ફોર્મમાં છે .

દિલ્હી કેપિટલ્સની ટીમમાં ઘણાં મેચ વિનરનો સમાવેશ
દિલ્હી કેપિટલ્સની ટીમમાં શિખર ધવન, પૃથ્વી શો, સ્ટીવ સ્મિથ, અજિંકેય રહાણે અને ઋષભ પંત જેવા બેટ્સમેનો છે, જો માર્કસ સ્ટોઇનીસ, શિમરન હેટમાયર અને સેમ બિલિંગ્સ જેવા ઓલરાઉન્ડર પર તેની ટીમમાં છે. જ્યારે બોલિંગમાં કગિસો રબાડા, ઇશાંત શર્મા, એનરિક નોર્કિયા, ઉમેશ યાદવ, ક્રિસ વોક્સની સાથે સ્પિનર રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. રબાડા અને નોર્કિયા ક્વોરેન્ટીન હોવાથી અને અક્ષર પટેલને કોરોના થયો હોવાથી પહેલી મેચમાં રમી નહીં શકે છતાં તેમનું બોલિંગ કોમ્બિનેશન મજબૂત છે. ગત સિઝનમાં ધવન સર્વાધિક રન બનાવનારાઓની યાદીમાં બીજા ક્રમે રહ્યો હતો, તો પૃથ્વી શોએ તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં રન કર્યા છે અને પંત ઓસ્ટ્રેલિયા-ઇંગલેન્ડ સામેની સીરિઝમાં મેચ વિનર સાબિત થયો છે.

0-

Most Popular

To Top