આજે સાંજથી IPL 2026 શરૂ થવા જઈ રહી છે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. આજે, ટુર્નામેન્ટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ, મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં. 28 માર્ચે CSK એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ધોની હાલમાં ‘કાલ્ફ સ્ટ્રેન’ (પગના સ્નાયુઓમાં ઈજા) થી પીડાઈ રહ્યાં છે. ડોક્ટરોએ તેમને બે અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે, ધોની IPL 2026 ની શરૂઆતની મેચોમાં ટીમનો ભાગ બની શકશે નહીં. ધોનીની ગેરહાજરી CSK માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે, કારણ કે તે ટીમના કેપ્ટન, વિકેટકીપર અને સૌથી મહત્વપૂર્ણ ફિનિશર તરીકે ઓળખાય છે. હવે પ્રશ્ન એ છે કે ધોની આ બે અઠવાડિયા દરમિયાન કેટલી મેચો ચૂકી શકે છે. CSK ની પહેલી મેચ 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. ત્યારબાદ, ટીમ 3 એપ્રિલે ચેન્નાઈમાં પંજાબ કિંગ્સ સામે રમશે.
આ સિવાય 5 એપ્રિલે Royal Challengers Bangalore સામે બેંગલુરુમાં હાઈ-વોલ્ટેજ મેચ યોજાવાની છે, જે ફેન્સ માટે સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે. આ ત્રણેય મેચોમાં ધોની રમવાની શક્યતા નથી. તાજી માહિતી મુજબ, ધોની 11 એપ્રિલે Delhi Capitals સામેની મેચમાં મેદાનમાં પરત ફરી શકે તેવી આશા છે. જોકે, તેની ફિટનેસ પર અંતિમ નિર્ણય મેડિકલ ટીમ દ્વારા લેવામાં આવશે. ધોનીની ગેરહાજરીમાં CSK માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિકેટકીપર કોણ બનશે અને મિડલ ઓર્ડરમાં ફિનિશરની ભૂમિકા કોણ ભજવશે. ટીમ મેનેજમેન્ટ માટે આ મોટો ચેલેન્જ બની શકે છે. ફેન્સ હવે આશા રાખી રહ્યા છે કે ધોની ઝડપથી સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરે અને ફરી એકવાર પોતાની મેચ જીતાડવાની ક્ષમતા બતાવે. અત્યારે સોશિયલ મીડિયા પર દરેક લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે, ગેટ વેલ સૂન થાલા…