ગાંધીનગર,તા.10
રાજ્ય સરકારના વિઝનરી બજેટથી ગુજરાત વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર નવી ઊંચાઈઓ સર કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું પ્રેરક એન્જિન બનશે, એવો વિશ્વાસ મંત્રી જીતુ વાઘાણીએ વિધાનસભામાં વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે વિભાગ માટે ₹13,942 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પ્રવાસન, રમતગમત અને યુવક સેવા સહિતના સંલગ્ન ક્ષેત્રોમાં કુલ મળીને ₹23 હજાર કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની આર્થિક કરોડરજ્જુ સમાન MSME ક્ષેત્ર માટે ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ’ હેઠળ ₹1775 કરોડ ફાળવાયા છે. માત્ર એક વર્ષમાં MSME એકમોમાં ₹38 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે અને 1.40 લાખથી વધુ નવી રોજગારીઓ ઊભી થઈ છે. મોટા ઉદ્યોગોમાં પણ ₹63 હજાર કરોડના રોકાણથી અંદાજે 2.50 લાખ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. ગુજરાતના ગૌરવ સમાન કાપડ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા ₹2755 કરોડ ફાળવાયા છે, જેના પરિણામે કાપડ ક્ષેત્રે ₹18 હજાર કરોડનું મૂડીરોકાણ અને 50 હજાર યુવાનોને રોજગારી મળી છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ₹91 હજાર કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને ધોલેરાને ‘સેમિકોન સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સાથે જ GIDCની નાની 120 વસાહતોના નવીનીકરણ માટે ₹50 કરોડ અને માંડલ-દહેજ જેવી 10 વસાહતોને સ્માર્ટ અને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ બનાવવા વધુ ₹50 કરોડ ફાળવાયા છે.
તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પાંચ નવા ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક સ્થાપાશે અને વનબંધુ ઇન્ક્યુબેશન તથા કૌશલ્ય વર્ધન યોજનાઓ દ્વારા આદિવાસી યુવાનોને ₹2 લાખ સુધીની સહાય આપવામાં આવશે. મહિલા કામદારો માટે ઔદ્યોગિક વસાહતોમાં વુમન્સ હોસ્ટેલ અને આંગણવાડી જેવી સુવિધાઓ ઊભી કરવા વિશેષ ફંડ ફાળવાયું છે.સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં આગવી ઓળખ બનાવી છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય સતત પાંચમી વખત ‘બેસ્ટ પર્ફોર્મર’ જાહેર થયું છે અને હાલ રાજ્યમાં 16 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેને સરકાર દ્વારા સીડ સપોર્ટ અને માસિક સહાય આપવામાં આવે છે. કુટિર ઉદ્યોગ માટે ₹979 કરોડ ફાળવવામાં આવ્યા છે અને પરંપરાગત કારીગરોના ઉત્પાદનોને ઇ-કોમર્સ દ્વારા વૈશ્વિક બજારમાં પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ-2025’ હેઠળ 11 કાયદાની 516 જોગવાઈઓને ગુનારહિત બનાવતાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. સાથે જ ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપના પણ કરવામાં આવશે.વિધાનસભા ગૃહમાં અંતે ઉદ્યોગ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.