વડોદરા: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ફરી ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ગુજરાતના લોકો તરફથી પણ બાબાને એટલો જ પ્રેમ પણ મળી રહ્યો છે. બાબાની એક ઝલક માટે લોકો પડાપડી કરતા હોય છે ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરાની મુલાકાતે હતાં. બાબા બાગેશ્વરે વાઘોડિયા રોડ પર આવેલા શ્રી મહેંદીપુર બાલાજી ધામના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાબા બાગેશ્વર અહીં હનુમાનજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં હતા.
વડોદરાના મહેંદીપુર બાલાજી ધામ ખાતે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાફલો મંદિરે પહોંચતા જ ભક્તોએ તેમનો ઘેરાવો કરી એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી. આ સમયે અવ્યવસ્થા સર્જાતા પોલીસે કડક વલણ અપનાવું પડ્યું હતું
બાગેશ્વર બાબાએ કારની બહાર આવતા જ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બાબાના દર્શન અર્થે મોટી સંખ્યામાં ભક્તો પંડાલમાં પહોંચ્યા હતા. જ્યાં બાબાએ પોતાના સંબોધનની શરૂઆત મારા પાગલો કહીને કરી હતી. ઉપરાંત કહ્યું હતું કે બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. હું પણ ગુજરાતી બોલી લઉં છું. આવું કહી ગુજરાતીઓના દિલ જીતી લીધા હતા. આ વિશેષ અવસરે લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી પણ હાજર રહ્યાં હતા. આ સાથે ભાજપના કાર્યકર્તાઓએ પણ હાજરી નોંધાવી હતી. પંડાલમાં જ બાબાએ એક નાની બાળકીને પોતાના ખોળામાં બેસાડી હતી અને તેને વ્હાલ કર્યું હતું.
હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી લોકોને સંબોધતા બાબાએ કહ્યું હતું કે હનુમાનજીનું ચિત્ર ખિસ્સામાં ભલે ન રાખો પણ તેમનું ચરિત્ર પોતાના હ્રદયમાં રાખજો. તેમણે કહ્યું ગુજરાતમાં હું જ્યારે પણ આવું છું ત્યારે ગુરુભાવ અને ગુરુસેવા માટે લોકો હાજર થઈ જાય છે. આ ઉપરાંત તેમણે વડોદરાવાસીઓને કહ્યું હતું કે હું વડોદરામાં ભવિષ્યમાં 3થી 5 દિવસની હનુમાનકથાનું આયોજન કરીશ.