સુરત: તાજેતરમાં સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાના આજુબાજુના વિસ્તારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં (જેવા કે, ઓલપાડ, કીમ, સેવણી, કામરેજ, કોસંબા, માંગરોળ, કઠોર, માંડવી, વિગેરે) વીજ લાઇન પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેના કારણે વીજ કંપનીને આર્થિક નુકશાન ભોગવવું પડે છે, તથા વીજ ગ્રાહકોને વીજ-વિક્ષેપ (પાવર-કટ) નો સામનો કરવો પડે છે.
ખાસ કરીને ખેતીવાડીને લગતી વીજ લાઇન પરથી વાયરની ચોરીઓ થવાથી ખેતીવાડીને લગતી વિવિધ પ્રવૃતિઓને અસર થાય છે. આવા કિસ્સાઓમાં વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ (FR) દાખલ કરવામાં આવે છે. આવી વીજ વાયર ચોરીની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.વીજ વાયર ચોરીની ખુબ જ ગંભીર સમસ્યાને રોકવા અને જુની ફરિયાદ (FIR)ની તપાસને ઝડપથી પૂરી કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં જે તે કચેરીના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ દ.ગુ.વી.કં.લિ.ની કોર્પોરેટ કચેરીના અધિક્ષક ઇજનેર (વિજિલન્સ) ના વડપણ હેઠળ કાર્ય કરશે.
આ ટાસ્ક ફોર્સ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન પોલીસ ડિપાર્ટમેન્ટના ડીવાય. એસપી (Dy. SP) સાથે સંકલન કરીને જૂના વીજ વાયર ચોરીના પેન્ડિંગ કેસો (HR) ની ઝડપી તપાસ અને સાથે સ્થાનિક વીજ કચેરીના કર્મચારીઓની ટીમોની રચના કરી સ્થાનિક પોલીસની સાથે રહીને રાત્રિ પેટ્રોલીંગ અને ચોરીઓ અંગેની જરૂરી માહિતી આદાન-પ્રદાન કરી વીજ વાયર ચોરીના બનાવો અટકાવવા તથા ચોરી પકડવામાં મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ વાયર ચોરીના બનાવોને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને ખાસ કરીને ખેડૂત મિત્રોને પડતી હાલાકીને દુર કરવા માટેના ભાગરૂપે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.