મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને તણાવ વચ્ચે ભારતે એવિએશન સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Directorate General of Civil Aviation (DGCA)એ ભારતીય એરલાઇન્સને યુદ્ધથી પ્રભાવિત 9 દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે છેલ્લા લગભગ 21 દિવસથી United States, Israel અને Iran વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં સુરક્ષાનો મોટો ખતરો ઊભો થયો છે. DGCA દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ બહેરીન, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જૉર્ડન, કુવૈત, લેબેનૉન, કતર અને United Arab Emirates જેવા દેશોના એરસ્પેસથી દૂર રહેવું જરૂરી બનાવવામાં આવ્યું છે. નિયામકે જણાવ્યું છે કે ઈરાન પર થતા હવાઈ હુમલા અને તેના જવાબી હુમલાના કારણે આકાશ માર્ગમાં જોખમ વધી ગયું છે. આ પરિસ્થિતિમાં કોઈપણ ફ્લાઇટ માટે આ વિસ્તારમાંથી પસાર થવું જોખમી બની શકે છે.
જોકે, DGCAએ કેટલીક શરતો સાથે Oman અને Saudi Arabiaના એરસ્પેસનો ઉપયોગ કરવાની મર્યાદિત મંજૂરી આપી છે. સાથે જ, આ દેશોમાં 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવાની સલાહ પણ આપવામાં આવી છે. DGCAએ એરલાઇન્સને પરિસ્થિતિ અનુસાર માર્ગ બદલવા, જોખમનું સતત મૂલ્યાંકન કરવા અને ઇમરજન્સી તૈયારીઓ મજબૂત રાખવા માટે કહ્યું છે. ક્રૂ મેમ્બર્સને ‘NOTAM’ (Notice to Airmen)ની તાજી માહિતી સાથે અપડેટ રહેવાની સૂચના પણ આપી છે, જેથી કોઈપણ અચાનક આવી પડતી પરિસ્થિતિનો સામનો કરી શકાય. આ ગાઇડલાઇન તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને 28 માર્ચ સુધી લાગુ રહેશે. જો સ્થિતિ સુધરે નહીં, તો આ સમયગાળો વધારવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ યુદ્ધના કારણે માત્ર જળમાર્ગ જ નહીં, પરંતુ આકાશ માર્ગ પણ અસરગ્રસ્ત બન્યો છે. અનેક દેશોની એરલાઇન્સે મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઇટ ઓપરેશનમાં ફેરફાર કર્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.