સુરત (SURAT) શહેરના વિવિધ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ(NAVRATRI)ના પ્રથમ દિવસે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જો કે કોરોના(CORONA)ની પરિસ્થિતિને ધ્યાને લઇ દર્શનાર્થીઓનો ધસારો જોતા કેટલાક મંદિરના સંચાલકો (TEMPLE MANAGEMENT) દ્વારા તાત્કાલિક અસરથી મંદિરો બંધ કરી દેવાની ફરજ પડી હતી. જેથી ભક્તોઓ માતાજીના બહારથી જ દર્શન કરવા મજબુર બન્યા હતા. સાથે જ કોઈક મંદિરમાં ઓનલાઇન દર્શન (ONLINE PRAYER) પણ શરૂ કરાયા છે.
હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, અને ભક્તોને આ પ્રકારના લાભો પણ થયા છે જેથી આ માન્યતા સાથે લોકોની ખુબ જ આસ્થા પણ જોડાયેલી છે. સામાન્ય દિવસોમાં તો ચૈત્રી નવરાત્રિમાં લોકો વહેલી સવારથી મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા માટે મંદિરોમાં ઉમટી પડતા હોય છે. જો કે આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. અને કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ સુરતમાં માતાજીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર મોટા અંબાજી ખાતે વહેલી સવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેથી ભક્તોનો ધસારો જોતાં કોરોના સંક્રમણ ના ફેલાય તે હેતુથી મોટી અંબાજી મંદિર બંધ કરવામાં આવ્યુ હતું.
અંબિકા કેતન મન્દિરમાં ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મંદિર અંબિકા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા પહોંચતા હોય છે. અને આજે પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ પર્વ હોય લોકો ઉમટી પડ્યા હતા જેથી સવારની આરતી રાબેતા મુજબ કર્યા પછી મંદિરના સંચાલકોએ નિર્ણય કર્યો કે વધુ લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. માટે જ લોકોના મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી હતી. અને ત્યારબાદ માત્ર ઓનલાઇન સ્ક્રીન ઉપર દર્શન કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભક્તો દર્શનાર્થે ન આવે તેવી તેમણે વિનંતી કરી હતી. મહત્વની વાત છે કે ગત વર્ષે પણ આજ રીતે સ્ક્રીન મૂકીને ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવતા ભક્તોનો સારો એવો પ્રતિશાદ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરના અલગ-અલગ મંદિરોમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને આવતા ભક્તોને સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ચૈત્રી નવરાત્રિમાં આ મંદિરોમાં દર્શન કરવા માટે ઘરેથી જ ન નીકળે. સાથે જ લોકોએ સ્વૈચ્છિક રીતે જ પોતાની જવાબદારી સમજી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ જેથી કરીને પોતે પણ સંક્રમિત થાવથી બચી શકે અને પોતાના પરીવારને પણ સુરક્ષિત રાખી શકે.