મથુરાના વૃંદાવનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં હોટલના માલિક અને સ્ટાફે મુંબઈથી આવેલા ભક્તો પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો. માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર આ ઘટના વૃંદાવન કોતવાલી પોલીસ સ્ટેશનના કેશવ ધામ ચોકી વિસ્તારની નજીક સ્થિત એક હોટલમાં બની હતી. અહેવાલો મુજબ મુંબઈના એક પરિવાર શનિવારે વૃંદાવન દર્શન માટે આવ્યો હતો અને એ હોટલમાં રોકાયો હતો. ચેક-આઉટ સમયે પૈસાને લઈને હોટલ માલિક અને ભક્તો વચ્ચે વિવાદ થયો. વાત એટલી વધી ગઈ કે હોટલ માલિક અને સ્ટાફે લાકડીઓ અને સળિયા લઈને ભક્તો પર તૂટી પડ્યા.
ઘટનાનો વીડિયો ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે હોટલ સ્ટાફ ભક્તોને બેરહેમીથી લાકડીઓ અને સળિયાથી માર મારી રહ્યા છે. જ્યારે અન્ય લોકો તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા ફેલાઈ ગઈ છે.
પોલીસની કાર્યવાહી શરૂ
વૃંદાવન કોતવાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે વીડિયોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે અને દોષિત હોટલ માલિક તથા સ્ટાફની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે “વિડિયો આધારે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઘટના વૃંદાવન વિસ્તારની એક હોટલમાં બની હોવાનું પ્રાથમિક તારણ છે. ભક્તોને સુરક્ષા આપવા માટે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.”
વૃંદાવન જેવા ધાર્મિક સ્થળે ભક્તો સાથે આવી હિંસક ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભક્તો માટે સુરક્ષા વધારવા અને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે સ્થાનિક તંત્રે પગલા લેવાની માંગ ઉઠી છે.