સુરત: કોરોનાકાળમાં ત્રણ મહિના લોકડાઉન (lock down) હોવા છતાં સુરતથી ડાયમંડ એક્સપોર્ટની છૂટ મળતાં 2020ના વર્ષમાં સુરત (surat)થી કુલ 4000 કરોડના કટ અને પોલિશ્ડ ડાયમંડ (diamond) એક્સપોર્ટ થયા છે. 2019માં જ્યાં 945 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતા. તે જોતાં 2020ના ચાર ગણો એક્સપોર્ટ સુરતથી વધ્યો છે. 2020-21માં છેલ્લા 9 માસમાં સુરતથી 10170 કરોડના હીરા એક્સપોર્ટ થયા છે. તે દર્શાવે છે કે, સુરતની ડાયમંડ કંપનીઓને એક્સપોર્ટ માટે સુરતથી મળેલી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.
અગાઉ સુરતથી હીરા એક્સપોર્ટ (export) કરવા માટે હીરા ઉદ્યોગકારોને બેંક ગેરંટી આપવી પડતી હતી. પરંતુ સરકારે તેમાં રાહત આપતાં એક્સપોર્ટ વધી રહ્યું છે. કોરોનાકાળમાં સૌથી વધુ હીરા હોંગકોંગ (Hong Kong)માં એક્સપોર્ટ થયા છે. બીજા ક્રમે દુબઇ મોકલવામાં આવ્યા છે. જૂન-2020માં સુરતથી ચાર્ટડ ફ્લાઇટમાં 2200 કરોડના હીરા એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 600 કરોડનો લોડ સુરતની સરથાણાની ડાયમંડ કંપનીનો હતો.
સુરતથી એક્સપોર્ટ વધવાનું કારણ આ પણ રહ્યું
કોરોનાની સૌથી વધુ અસર મુંબઇમાં હતી. જેના પગલે ત્યાં એરપોર્ટ (airport) બંધ કરવામાં આવતાં હીરાનાં પાર્સલો અટવાયાં હતાં. વિદેશના હીરા ઉદ્યોગકારોને સમય પર હીરાની ડિલિવરી નહીં મળતાં સુરતના હીરા ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના ઓર્ડર (order) રદ થાય તેમ હતું. જેના લીધે સુરતના હીરા ઉદ્યોગકારોએ અહીં સ્થાનિક સ્તરે કસ્ટમ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી અહીંથી હીરાનાં પાર્સલ મોકલાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. આખરે સુરત કસ્ટમના અધિકારીઓ મુંબઇ કસ્ટમ વિભાગના સંકલન સાથે આ ઓપરેશન પૂરું પાડ્યું હતું અને અહીંથી 2200 કરોડના હીરાનાં પાર્સલ હોંગકોંગ મોકલાયાં હતાં.
કોરોનાને લીધે 2020માં ભારતના પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 31 ટકાનો ઘટાડો
જેમ્સ એન્ડ જ્વેલરી (jams and jewelry) એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2020માં કોરોના સંક્રમણને લીધે ભારતના પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 31 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે, 2021ના વર્ષમાં કોરોનાની રસી આપવાનું શરૂ કરાતાં અમેરિકા અને ચીનનાં બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ડિબિયર્સ અને અલરોઝાએ રફ ડાયમંડની કિંમતમાં સાત ટકા સુધીનો વધારો કર્યો
કોરોનાની રસીના આગમન પછી ચાઇનીઝ ન્યૂ યર (new year)નો પ્રસંગ આવી રહ્યો હોવાથી હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડની ડિમાન્ડ જોતાં ડિબિયર્સ અને અલરોઝાએ રફ ડાયમંડની કિંમતમાં સાત ટકા સુધીનો વધારો કર્યો છે. બંને ડામયંડ માઇનિંગ કંપનીઓએ 2021થી પ્રથમ સાઇટમાં જ વધારો કર્યો છે.