Entertainment

ટેકનિકલ ગડબડ છતાં ‘ધુરંધર 2’ હિટ મોડમાં, પ્રિવ્યૂમાં જ તોફાની કમાણી

રણવીર સિંહની બહુચર્ચિત ફિલ્મ ‘ધુરંધર 2: ધ રીવેન્જ’ રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડતી નજરે પડી રહી છે, પરંતુ પેઇડ પ્રીવ્યૂ દરમિયાન ટેકનિકલ સમસ્યાઓના કારણે કેટલાક રાજ્યોમાં શો રદ થવાથી ધુરંધર ફેન્સમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચાઓ થવા લાગી હતી, આ જોતા નિર્દેશક Aditya Dharએ લોકોને વિનંતી કરતા જણાવ્યું કે કોઈપણ અસુવિધા બદલ અમે દિલથી માફી માંગીએ છીએ. ફિલ્મ પ્રત્યેનો તમારો પ્રેમ અમારા માટે બધું જ છે. હિન્દી શો દેશભરમાં સાંજે 5 વાગ્યાથી સમયસર શરૂ થયા છે, પરંતુ તામિલ અને તેલુગુ શોમાં વિલંબ થયો છે, જે રાત્રે 9 વાગ્યા સુધી શરૂ કરાશે, અથવા આવતીકાલે 19 માર્ચે રિલીઝ કરાશે, અને કેટલાક સ્થળોએ તે રદ કરવા પડ્યા છે. કન્નડ અને મલયાલમ વર્ઝનના શો સંપૂર્ણપણે આગામી દિવસ એટલે કે 19 માર્ચ સુધી ખસેડવામાં આવ્યા છે, જેના કારણે દર્શકોને રિફંડ આપવામાં આવી રહ્યો છે અથવા હિન્દી વર્ઝન સબટાઈટલ સાથે જોવા સલાહ આપવામાં આવી છે. આદિત્ય ધરે કહ્યું, “ફિલ્મોને કોઈના ફોન પર ઝાંખી તસવીર તરીકે નહીં, પણ એક રીતે જોવી જોઈએ. તેથી, મારી આપ સૌને હૃદયપૂર્વક વિનંતી છે કે કૃપા કરીને ફિલ્મ વિશે સ્પોઇલર ના આપો જેથી દરેક સિનેમાપ્રેમી આ ફિલ્મને ઉત્સાહ સાથે સિનેમામાં જઈ જુએ, અને પોતાના અનુભવ સાથે લઈને જાય. આ સાથે એમણે આ ફિલ્મ ખાસ થિયેટરમાં જોવાની અપીલ પણ ધુરંધર ફેન્સને કરી હતી”

બાંદ્રાના ગેટ્ટી ગેલેક્સી સિનેમા હોલમાં ‘ધુરંધર 2’ના સ્ક્રીનિંગ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીએ આ ઉત્સાહને નિરાશામાં ફેરવી દીધો હતો. મંગળવારે સાંજે 4:45 અને 5:15 વાગ્યાના બે શો માટે થિયેટર બહાર મોટી ભીડ એકત્રિત થઈ હતી, લાંબી કતારો સુધી લાગી ગઈ હતી. જોકે, ફિલ્મ સમયસર શરૂ થઈ શકી નહીં કારણ કે KDM (કી ડિલિવરી મેસેજ)માં વિલંબ થયો હતો, જે ફિલ્મ પ્રદર્શિત કરવા માટે જરૂરી ડિજિટલ કોડ છે.

આ ટેકનિકલ અડચણ છતાં ફિલ્મ માટેનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. અભિનેત્રી Shilpa Shetty પરિવાર સાથે પ્રિવ્યૂ જોવા પહોંચી હતી, જ્યારે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ ફિલ્મને રિલીઝ પહેલા જ સુપરહિટ જાહેર કરી દીધી છે. ચાહકોમાં ફિલ્મને લઈને એવો જુસ્સો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ચર્ચા થઈ રહી છે. ફિલ્મનું નવું ગીત “મૈં ઔર તુ” સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને રિલીઝ પહેલા જ ફિલ્મે મજબૂત હાઈપ ઉભી કરી છે. ફિલ્મ બે ભાગમાં રજૂ થશે, જેમાં પહેલો ભાગ 1 કલાક 45 મિનિટનો છે, જ્યારે બીજો ભાગ 2 કલાકથી વધુ લાંબો અને વધુ એક્શનથી ભરપૂર રહેશે. આદિત્ય ધરે દર્શકોને ફિલ્મના અંત સુધી બેઠા રહેવાની અને સ્પોઇલર ન ફેલાવવાની અપીલ કરી છે, જેથી દરેકને સંપૂર્ણ થિયેટર અનુભવ મળી શકે. તેમના એક પોસ્ટ બાદ ‘ધુરંધર 3’ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ટિકિટના ઊંચા ભાવ છતાં પેઇડ પ્રિવ્યૂ માટે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મલ્ટિપ્લેક્સમાં 600થી 900 અને IMAX માટે 1000થી વધુના ભાવ હોવા છતાં ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ. મુંબઈ અને દિલ્હીમાં પ્રીમિયમ સીટ્સ 3000 સુધી પહોંચી ગઈ છે. ફિલ્મમાં Akshaye Khannaનું રહેમાન ડકૈતનું પાત્ર ફ્લેશબેકમાં જોવા મળશે, જે ચાહકો માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે. સાથે જ અભિનેતા વિક્રમ ભામ્બરીએ આ ફિલ્મને એક ખતરનાક ફિલ્મ છે, જે બધા ગણાવી રેકોર્ડ તોડશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની પ્રશંસા કરી છે, અને ફિલ્મને સાડા ચાર સ્ટાર આપી તેને એક મહા બ્લોકબસ્ટર ગણાવી છે.

એડવાન્સ બુકિંગના મામલે ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ઓપનિંગ વીકએન્ડ માટે વૈશ્વિક બુકિંગ 200 કરોડને વટાવી ગયું છે, જ્યારે ભારતમાં જ પ્રિવ્યૂ બુકિંગ 42 કરોડ (બ્લોક સીટ્સ સિવાય) સુધી પહોંચ્યું છે. ફિલ્મમેકર Ram Gopal Varmaએ ફિલ્મને લઈને અતિશય પ્રશંસા કરી છે અને તેને ‘શોલે’થી પણ અનેક ગણો મોટો અનુભવ ગણાવ્યો છે. ફિલ્મનો રનટાઈમ લગભગ 3 કલાક 49 મિનિટ છે અને તેને ‘A’ સર્ટિફિકેટ મળ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વર્ઝન થોડું વધુ લાંબું છે. ટેકનિકલ વિક્ષેપો છતાં ‘ધુરંધર 2’નો ક્રેઝ અને બોક્સ ઓફિસ પાવર દર્શાવે છે કે ફિલ્મ રિલીઝ પછી નવા રેકોર્ડ બનાવવા તૈયાર છે.

Most Popular

To Top