SURAT

ડેપ્યુટી CM હર્ષ સંઘવી એ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી,કહ્યું “વડીલોનો હું દીકરો છું”

વડીલો સાથે રંગોમાં રમ્યા હર્ષ સંઘવી, ભાવુક પળોમાં આંખે આવી ખુશીના આંસુ

સુરત શહેરમાં ધૂળેટીના પર્વે એક ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું, જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે રંગોની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે વડીલો સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને હોળી-ધૂળેટીના તહેવારની ખુશીઓ વહેંચી.

મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડીલો સમાજ માટે આશીર્વાદ સમાન છે અને તેઓએ પોતાના દીકરા-દીકરીઓના ચહેરા પર હાસ્ય લાવવાનું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે દરેકના જીવનમાં ખુશીના રંગો બની રહે અને સૌના જીવનમાં આનંદ અને સકારાત્મકતા રહે તેવી તેઓ પ્રાર્થના કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે વડીલો સાથે ખુશી વ્યક્ત કરવાનો અવસર મળ્યો છે અને હોળીના પર્વ પર વડીલોના આશીર્વાદ મેળવવું એ તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. “વડીલોના ચહેરા પર આ ખુશીના રંગ હંમેશા રહે તેવી હું શુભકામના પાઠવું છું,” એમ તેમણે કહ્યું.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેઓ દર વર્ષે તહેવારો દરમિયાન વડીલોને મળવા આવતા હોય છે. તેમણે ભાવુક સ્વરે કહ્યું, “હું વડીલોનો દીકરો છું. આજે જ્યારે વડીલોના આંખોમાં આંસુ આવ્યા, તે દુઃખના નહીં પરંતુ ખુશીના આંસુ હતા.” આ નિવેદન સાંભળીને હાજર લોકો પણ ભાવુક બન્યા હતા.

આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધ અંગે પણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે વિકટ પરિસ્થિતિમાં દેશના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલી વખત નથી; અગાઉ પણ જ્યારે યુક્રેનમાં સંકટ ઊભું થયું ત્યારે ભારત સરકારે પોતાના યુવાનોને સુરક્ષિત રીતે પરત લાવ્યા હતા.

હર્ષ સંઘવીએ આ બાબતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે મદદરૂપ થવું તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

અંતમાં તેમણે કહ્યું કે હોળી અને ધૂળેટી આપણી પ્રાચીન પરંપરા છે અને લોકો પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. તમામ નાગરિકોને તહેવારની શુભકામનાઓ પાઠવતા તેમણે આશા વ્યક્ત કરી કે દરેકના જીવનમાં ખુશીના રંગો હંમેશા છલકાતા રહે.

Most Popular

To Top