દિલ્હી-એનસીઆર વિસ્તારમાં આજે 20 ડિસેમ્બર શનિવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતાં જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ભારે ધુમ્મસના કારણે દૃશ્યતા ઘણી ઘટી ગઈ. જેના પરિણામે રસ્તાઓ પર વાહનો ધીમા ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસ સૌથી વધુ અસર હવાઈ સેવાઓ પર પડી છે. ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પરથી કુલ 129 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI Airport) તરફથી હવાઈ મુસાફરો માટે એક સત્તાવાર એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસન દ્વારા જણાવાયું છે કે હાલ ઓછી દૃશ્યતાની સ્થિતિ યથાવત છે. જોકે તમામ ફ્લાઇટ્સને શક્ય તેટલી સામાન્ય રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા પોતાની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરી ફ્લાઇટની તાજી સ્થિતિ જાણી લે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે શુક્રવારે પણ વધુ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. શુક્રવારે ઓછામાં ઓછી 177 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે 500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. રદ કરાયેલી ફ્લાઇટ્સમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર નબળી દૃશ્યતા અને હવામાનની અણુકૂળ સ્થિતિને કારણે દિવસભર ફ્લાઇટ્સના શિડ્યૂલમાં મોટો ફેરફાર થયો હતો. ઘણી ફ્લાઇટ્સને લેન્ડિંગ અને ટેક-ઓફ માટે લાંબી રાહ જોવી પડી હતી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ ભારતીય હવામાન વિભાગ (IMD) સાથે સંપર્કમાં રહી કામ કરી રહ્યું છે. હવામાનની વાસ્તવિક સમયની આગાહીને આધારે ફ્લાઇટ ઓપરેશન અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ધીરજ રાખે અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરે.