નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કબ્જા હેઠળના કાશ્મીર (Kashmir) એટલે કે પીઓકેમાં (POK) વિદ્રોહની આગ ઝડપથી વધી રહી છે. અહીંના હિંસક પ્રદર્શનોએ (Violent Protests) પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી હતી. પ્રદર્શન બાદ શાહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક અસરથી 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું. તેમજ સ્થાનિક સરકારે વીજળીના દર અને બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
અસલમાં પીઓકેમાં સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ છેલ્લા ચાર દિવસથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારાના વિરોધ સ્વરુપે રાજધાની મુઝફ્ફરાબાદ સુધી કૂચનું આહ્વાન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે પણ લાખો વિરોધીઓએ મુઝફ્ફરાબાદ તરફ તેમની લોંગ માર્ચ ચાલુ રાખી હતી. કૂચને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો, જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસઆઈ અદનાન કુરેશીને ગોળી મારી દીધી હતી. હમણા સુધીમાં આ અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. તેમજ બે આંદોલનકારીઓના પણ મોત નિપજ્યા હતા.
ભીંબેરથી શરૂ થયેલ પ્રદર્શનકારીઓનો કાફલો સોમવારે દિરકોટથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશ્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુઝફ્ફરાબાદમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા હતા, ત્યારે પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ રહી હતી.
આ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પ્રદર્શનકારીઓને શાંત કરવા સક્રિય બન્યા હતા. શાહબાઝે સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સોમવારે વિરોધીઓ અને સ્થાનિક સરકાર સાથેની વાતચીત બાદ તેમણે પીઓકે માટે તાત્કાલિક અસરથી રૂ. 23 અબજનું બજેટ મંજૂર કર્યું હતું.
પાકિસ્તાન સરકારે તાત્કાલિક બેઠક બોલાવી, લીધો મોટો નિર્ણય
વિરોધ પ્રદર્શનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે સોમવારે એક વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હક, સ્થાનિક પ્રધાનો અને ટોચના નેતૃત્વએ હાજરી આપી હતી.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીઓકેના લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વડાપ્રધાન શરીફે 23 અબજ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ બેઠકમાં ગઠબંધન પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ પણ ભાગ લીધો હતો અને સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.