ઘેજ: ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં (Hospital) સાદકપોરની શ્રમજીવી સગર્ભાના પરિવારને ડોક્ટર (Doctor) નહીં હોવાનું જણાવી પ્રસુતિ માટે ના પાડી દેવાતા ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવાની નોબત આવતા આ શ્રમજીવી પરિવારને 40000 હજાર રૂપિયાનો આર્થિક બોજ વેઠવાની નોબત આવી હતી. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં તબીબોની મનમાની અને રેઢિયાળ કારભારને પગલે ગરીબ પરિવારોએ ખાનગી હોસ્પિટલ પર નિર્ભર રહેવું પડે છે.
પ્રાપ્ત વિગત મુજબ સાદકપોરના ભવાની ફળિયાની શ્રમજીવી પરિવારની સોનલબેન જગદીશભાઇ પટેલને પ્રસુતિની પીડા થતા ગત 19 એપ્રિલના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં પરિવાર ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેમને ડોક્ટર નથી તેમ જણાવી અગાઉ ડીલેવરી કરાવેલી હોય ત્યાં કે પછી સિવિલ હોસ્પિટલમાં લઇ જાવો તેમ કહી દેવાતા આ પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયો હતો. જો કે પરિવારે નજીકની જ એક ખાનગી હોસ્પિટલમાં સગર્ભાને દાખલ કરતા સીઝેરીયન ડિલીવરી દ્વારા આ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. જેમાં પરિવારને 40000 રૂપિયાનું બીલ ચુકવવુ પડ્યું હતું.
જવાબદાર અધિકારી સામે પગલા લેવાય તે જરૂરી
ચીખલીની રેફરલ હોસ્પિટલને અપ્રગ્રેડ કરી સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન મકાનનું પણ નિર્માણ કરાયું છે અને હાલે બીજા મકાનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે પરંતુ સરકારના કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગરીબ લોકોએ પ્રસુતિ જેવા કિસ્સામાં પણ ખાનગી હોસ્પિટલ પર મદાર રાખવો પડતો હોય ત્યારે આ સ્થિતિ માટે જવાબદાર કોણ? સાદકપોરની આ સગર્ભા મહિલા પાંચમાં મહિનાથી જ ચીખલીની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બતાવી રહી હતી. તેમ છતાં પ્રસુતિ સમયે ડોક્ટર નહીં હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દેવાતા હોય અને ગરીબ પરિવારે આર્થિક બોજ સહન કરવાની નોબત આવતી હોય તેવા સંજોગોમાં આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાવી સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના જવાબદાર અધિકારી સામે પગલા લેવાઇ તે જરૂરી જણાઇ રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં જવા માટે જણાવાયું
સાદકપોરના સોનલબેને જણાવ્યુ હતુ કે 19 એપ્રિલના રોજ સવારે ચીખલીની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં જતા ડોક્ટર નહીં હોવાનું જણાવી અગાઉ ડીલેવરી કરાવેલી હોય ત્યાં કે પછી સિવિલમાં જવા જણાવાતા અમે ખાનગી હોસ્પિટલમાં જતા ત્યાં પ્રસુતિ થઇ હતી.
મને ખ્યાલ નથી હું તપાસ કરાવી લઉં છું.
સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેને જણાવ્યું હતુ કે સાદકપોરની સગર્ભા બહેન અંગે મને ખ્યાલ નથી હું તપાસ કરાવી લઉં છું.