Columns

દિલ્હીની વગોવાયેલી તિહાર જેલ :કોણ કોણ અહીં આવ્યાં-રહ્યાં ને ગયાં…?

સૌ થી ખૂંખાર અને રીઢા અપરાધીઓને જ્યાં સજારૂપે રાખવામાં આવે છે એવી વિશ્વની સૌથી વધુ સુરક્ષાવાળી ગણાતી 10 કાળમીંઢ કારાગૃહમાં આપણા પણ બે કારાવાસની ગણના થાય છે અને એમાં એક છે મુંબઈની ‘આર્થર રોડ જેલ’ અને બીજી, પાટનગર દિલ્હીની ‘તિહાર જેલ’. ગયા પખવાડિયે અમેરિકાની ખૂબ બદનામ એવી ‘અલ્કાટ્રઝ પ્રિઝન’ વિશે આપણે લેટેસ્ટ જાણકારી મેળવી. એ જ રીતે, ગયા અઠવાડિયે આમચી મુંબઈની ‘આર્થર રોડ જેલ’ વિશે પણ આ કૉલમમાં જાણ્યું. 1968માં બંધ કરીને એને જેલ મ્યુઝિયમમાં ફેરવી નાખ્યું હતું એ ‘અલ્કાટ્રઝ  પ્રિઝન’ હમણાં ફરી સમાચારોમાં ચમક્યું છે કારણ કે, અમેરિકાના તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ જ બદનામ કારાવાસની હાઈએસ્ટ સિક્યુરિટી પ્રિઝન તરીકે કાયાપલટ કરીને પુન: કાર્યરત કરવા ઈચ્છે છે.

આ જ રીતે આપણાં ‘જાણીતાં’ જેલખાનાં આર્થર રોડ અને તિહાર પણ આજકાલ સમાચારમાં છે કારણ કે એ બન્નેની પણ નજીકના ભવિષ્યમાં કાયાપલટ થવાની છે અને એ બન્નેને આંગણે 3 નવા રીઢા ગુનેગાર ‘આવું -આવું’ થઈ રહ્યા છે. એમાંથી એકે તો ગયા મહિને જ દિલ્હીની તિહાર જેલમાં એન્ટ્રી પણ લઈ લીધી છે અને એ છે મુંબઈ બ્લાસ્ટ ( 26/11)નો એક નામચીન કાવતરાખોર તહવ્વુર રાણા.

ગયા મહિને જ અમેરિકાની સરકારે પ્રત્યાર્પણ સંધિ હેઠળ એને ભારત સરકારને સોંપી દીધો છે. દિલ્હીમાં અત્યારે આપણી ‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી’ (NIA) એની તિહાર જેલમાં ઊલટતપાસ લઈ રહી છે. એ પૂરી થતાં રાણાને મુંબઈની આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. બીજા બે ભાગેડુ શ્રીમંત એવા નીરવ મોદી અને વિજય માલ્યાને પણ કોઈ પણ મિનિટે સ્વદેશી જેલમાં વસવાટ કરવો પડે એની પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે. ખેર, આ ત્રણેય મુંબઈ આવશે એવા આર્થર રોડ જેલમાં પોખાશે.

થોડા મહિના તિહાર જેલ અન્ય એક સમાચારને કારણે પણ સમાચારોમાં વિશેષ ચમકી હતી. OTT પ્લેટફોર્મ પર રજૂ થયેલી એક ફિલ્મને લીધે. તિહાર જેલમાં 35 વર્ષ સુધી જેલર રહ્યા હતા એવા સુનીલ ગુપ્તા અને એક પત્રકાર સુનિત્રા ચૌધરી લિખિત પુસ્તક ‘બ્લેક વૉરંટ’માં રજૂ થયેલી કેટલીક સત્યઘટના પર આધારિત એ ફિલ્મ હતી. જેલર તરીકે સુનીલ ગુપ્તા બદનામ એવા સાતેક અપરાધીઓને અપાયેલી ફાંસીના સાક્ષી રહ્યા હતા. આમ જુઓ તો આપણા દેશમાં નાની-મોટી અને વિશાળ કહી શકાય એવી કુલ 1306 જેટલી જેલ છે, જેમાં 145 સેન્ટ્રલ-413 ડિસ્ટ્રિકટ -29 મહિલા જેલ ઉપરાંત 44 સ્પેશ્યલ કારાગૃહ ઈત્યાદિ છે.

આમાં દેશની પાંચ સૌથી મોટી-વિશાળ જેલની વાત કરીએ તો એ લિસ્ટમાં દિલ્હીની તિહાર સહિત યરવડા (પૂણે) નૈની (અલ્હાબાદ)-પુઝલ (ચેન્નાઈ)– અલિપુર (કોલકાતા)નો સમાવેશ છે.  આ બધા વચ્ચે, તિહાર દક્ષિણ એશિયાનું સૌથી મોટું જેલસંકુલ ધરાવે છે. અંદાજે 400 એકરમાં પથરાયેલા તિહાર સંકુલમાં 9 સેન્ટ્રલ જેલ છે, જ્યાં 5200 કેદી સમાવવાની ક્ષમતા છે પણ આજની તારીખે તિહારમાં 14,059 કેદીઓ ખદબદે છે!

1957થી કાર્યરત થયેલી તિહારનું સંચાલન શરૂઆતમાં પંજાબ રાજ્ય સરકાર સંભાળતું હતું. 1966થી એનું સુકાન કેન્દ્રશાસિત દિલ્હીને સોંપવામાં આવ્યું.  ક્ષમતાની મર્યાદા હોવા છતાં અનેક ગણા વધુ કેદીઓ ધરાવતી તિહાર એની અતિ કડક સુરક્ષા માટે જાણીતી છે. એનું મુખ્ય કારણ એ કે અનેક પીઢ અને ખૂંખાર અપરાધીઓની સાથે અહીં વિવિધ પ્રકારના ઉચ્ચ કક્ષાના-હાઈ પ્રોફાઈલ રાજકીય કેદીઓની પણ આવન-જાવન રહે છે. એથી અહીં અતિ આધુનિક ટેકનોલોજી સાથે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે A-ગ્રેડ CCTV સર્વેલન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.

જાંબાઝ અધિકારી તરીકે નામના મેળવનારાં IPS અધિકારી કિરણ બેદીની જેલના મહાનિરીક્ષક તરીકે નિમણૂક થઈ પછી એમણે તિહારમાં અનેકવિધ સુધારા શરૂ કર્યા જેમ કે, અહીંના કેદીઓ માટે સંગીત તાલીમના વર્ગ શરૂ કરાવ્યા. જેલનું પોતાનું રેડિયો સ્ટેશન છે, જે કેદીઓ દ્વારા ચલાવવામાં આવે છે. સ્ટાફ સહિત લાંબી સજા ભોગવી રહેલા કેદીઓ માટે અહીં મનની શાંતિ માટે વિપશ્યના વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા. એ જ રીતે, જેલ સજા પામતા પહેલાં ઘણા કેદી અભ્યાસ કરતા હતા એમના લાભાર્થે જેલમાંથી પણ એ અભ્યાસ ચાલુ રાખી શકે એવી વિશેષ ગોઠવણ પણ કિરણ બેદીએ કરાવી હતી.

સુધારાત્મક સંસ્થા તરીકે કામ કરતા આ કારાવાસના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ્ય છે કેદીઓને અમુક પ્રકારનાં કામ શીખવવામાં આવે અને પછી એમનાં કૌશલ્યનો ઉપયોગ કરીને માલ-સામાન તૈયાર કરવામાં આવે છે. આમ ત્યાંની કાળમીંઢ દીવાલો પાછળ જેલ ઉદ્યોગ ચાલે છે. સંપૂર્ણપણે કેદીઓ દ્વારા સંચાલિત એ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારની પ્રોડ્ક્ટ્સ અહીં તૈયાર કરવામાં આવે છે, જે માર્કેટમાં TJ – તિહાર બ્રાન્ડ તરીખે ખાસ્સી એવી વેચાય છે. આ એકમમાં 700થી વધુ કેદી કામ કરે છે અને એમની કમાણીનો 25% ભાગ એક વિશેષ ફંડમાં જમા કરવામાં આવે છે, જે કેદીઓના શિકાર બન્યા હોય એના પીડિત પરિવારોને વળતર પૂરું પાડે છે.

આવી અનેક સુધારક પ્રવૃત્તિઓને કારણે એક તબક્કે તો આ જેલ ‘તિહાર આશ્રમ’ તરીકે પણ ઓળખાતી હતી!  અનેક નામી-અનામી ગુનેગારોથી ઉભરાતી દેશની આ સૌથી વિશાળ અને સૌથી ચુસ્ત સુરક્ષાવાળી તિહાર જેલ જે રીતે ત્યાં વધતી જતી કેદીઓની સંખ્યા અને કારાગૃહની વિકસતી જતી પ્રવૃત્તિઓને લીધે ત્યાં જગ્યાની સંકડાશ વધી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાના ઉકેલ માટે અને જેલ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે તિહાર જેલને સ્થાનાંતરિત કરવાની યોજના ઘડાઈ રહી છે. 

થોડાં વર્ષ પહેલાં શહેરથી દૂર એકાંત સ્થળે તિહાર જેલ હતી પણ કાળક્ર્મે શહેરના વિકાસ સાથે જેલની આસપાસ બાંધકામ વધી ગયાં -વસતિ વધતી ચાલી, પરિણામે જેલની સુરક્ષા નબળી થતી ગઈ અને જેલમાં પણ કેદીઓની સંખ્યામાં એકધારો વધારો થતાં સમગ્ર જેલનું સ્થળાંતર કરવાનું નક્કી થયું છે.  આજના 14 હજારથી વધુ કેદીઓના સમાવેશ માટે હવે મૂળ 400 વત્તા હવે બીજા 200 એકર વિસ્તારની જગ્યા પર તિહાર કારાગૃહને કેદીઓના વસવાટથી લઈને સુરક્ષા સુધીની અપ-ટુ ડેટ ગોઠવણ કરવામાં આવશે. નવા તિહારની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે અને એ માટે દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ આ વર્ષ માટે રૂપિયા 10 કરોડનું બજેટ પણ ફાળવી દીધું છે.

આ કારાગારના ‘માનવંતા’ મહેમાનો દિલ્હીની આ તિહાર જેલની ‘નામના’ એવી છે કે અહીં અનેક ક્ષેત્રની જાણીતી અને વગોવાઈ ગઈ હોય એવી વ્યક્તિઓએ જેલ મહેમાનગતિનો લાભ લીધો છે. આમ તો આવા લોકોની નામાવલિ લાંબી -પહોળી છે એટલે એની અહીં ઝલક માત્ર જોઈએ જેમ કે,
સંજય ગાંધી : ઇન્દિરા ગાંધીના પુત્ર- મેનકા ગાંધીના પતિ.
સતવંત સિંહ – કેહર સિંહ : ઇન્દિરા ગાંધીની હત્યા બદલ ફાંસી આપવામાં આવી એ બે સુરક્ષા રક્ષક.
લાલુ પ્રસાદ યાદવ (ભૂતપૂર્વ બિહાર મુખ્ય મંત્રી)
સુબ્રત રોય (સહારા ઈન્ડિયા)
છોટા રાજન (ગેંગસ્ટર)
પહેલવાન સુશીલ કુમાર (અન્ય એક પહેલવાનની હત્યાના આરોપી)
ચાર્લ્સ શોભરાજ (એક આંતરરાષ્ટ્રીય સીરિયલ કિલર તિહાર જેલમાંથી આબાદ રીતે છટકી ગયો હતો પરંતુ ફરીથી ઝડપાયો)
રંગા -બિલા (કુલજીત સિંહ જસબીર સિંહ ને ગીતા અને સંજય ચોપરાના અપહરણ – બળાત્કાર કેસમાં ફાંસી)
અફઝલ ગુરુ (આતંકવાદીને-ભારતીય સંસદ હુમલા માટે ફાંસી)
મકબુલ ભટ (કાશ્મીરી આતંકવાદી-ફાંસી)
નિર્ભયા- ગેંગરેપના 5 આરોપીને ફાંસી
લોરેન્સ બિશ્નોઈ (ભારતીય ગેંગસ્ટર)
અને છેલ્લે એ પણ જાણી લો કે ભૂતપૂર્વ દોડવીર મિલ્ખા સિંહને પણ તિહાર જેલની ટૂંકી સજા થઈ હતી – વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરવા બદલ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top