Business

દિલ્હીનું નહેરું સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે, નવી સ્પોર્ટ્સ સિટી બનાવાશે

કેન્દ્રિય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ આધુનિક ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો પ્રોજેક્ટ કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના મોડેલ પરથી તૈયાર કરવામાં આવશે અને 102 એકર વિસ્તારમાં ફેલાયેલો હશે.

કેન્દ્રિય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને સંપૂર્ણ રીતે તોડી પાડીને ત્યાં એક નવી “સ્પોર્ટ્સ સિટી” ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતગમત માળખું વિકસાવવાનો અને રાજધાનીમાં વિશ્વ કક્ષાનું રમતગમત કેન્દ્ર સ્થાપિત કરવાનો છે.

નવી સ્પોર્ટ્સ સિટી 102 એકર વિસ્તારમાં ફેલાયેલું હશે અને તેમાં વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ, ટ્રેનિંગ સેન્ટર, ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા, તેમજ દર્શકો માટે અદ્યતન સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં બાદ દિલ્હીને એક વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ હબ તરીકે ઓળખ મળશે.

કતાર અને ઓસ્ટ્રેલિયાના મોડેલ પર તૈયાર થશે યોજના
સૂત્રોના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની ટીમો હાલ કતાર અને ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ ઇનફ્રાસ્ટ્રક્ચરનો અભ્યાસ કરી રહી છે. ખાસ કરીને દોહાના અસ્પાયર ઝોન અને મેલબોર્ન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા મોડેલો પરથી પ્રેરણા લઈ આ નવું સિટી તૈયાર કરવામાં આવશે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રમતગમતને પ્રોત્સાહન આપવાનો જ નથી પરંતુ યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો પણ છે. સાથે જ આ સ્પોર્ટ્સ સિટી ભારતના મોટા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ અને ઇવેન્ટ્સ માટે કેન્દ્રબિંદુ બનશે.

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને બદલે ઊભરતી આ નવી “સ્પોર્ટ્સ સિટી” દિલ્હીને વૈશ્વિક રમતગમત નકશા પર વધુ મજબૂત સ્થાન આપશે. આ નિર્ણય દેશના રમતગમત માળખાને નવી દિશા આપનારો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ઇતિહાસ
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ભારતના સૌથી પ્રતિષ્ઠિત રમતગમત મેદાનોમાંનું એક છે. આ સ્ટેડિયમનું નિર્માણ 1982માં એશિયન ગેમ્સ માટે કરવામાં આવ્યું હતું અને તેનું નામ દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામ પર રાખવામાં આવ્યું હતું. 1982ના એશિયન ગેમ્સના ઉદ્ઘાટન અને સમાપન સમારંભો અહીં યોજાયા હતા. જેના કારણે આ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ બન્યું.

બાદમાં 2010ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમનું સંપૂર્ણ પુનર્નિર્માણ કરવામાં આવ્યું, જેમાં લગભગ રૂ. 900 કરોડનો ખર્ચ થયો હતો. નવા ડિઝાઇન પછી આ સ્ટેડિયમમાં આશરે 60,000 દર્શકો બેસી શકે તેવી ક્ષમતા છે અને તેમાં આધુનિક લાઇટિંગ સિસ્ટમ, ડિજિટલ સ્કોરબોર્ડ, આંતરરાષ્ટ્રીય ધોરણની એથ્લેટિક ટ્રેક અને VIP સુવિધાઓ ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કેટલાક મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ યોજાઈ ચૂક્યાં છે જેમ કે 2010ના કોમનવેલ્થ ગેમ્સ, 2017ના FIFA U-17 વર્લ્ડ કપની મેચો તેમજ ભારતીય ફૂટબોલ ટીમની આંતરરાષ્ટ્રીય મેચો પણ આ સ્ટેડિયમમાં રમાઈ ચૂકી છે. આ મેદાનમાં એશિયન કપ અને સાન્તોશ ટ્રોફી જેવા ટુર્નામેન્ટ્સ પણ યોજાઈ ચૂક્યા છે.

અહી માત્ર રમતગમત જ નહીં પરંતુ જ્યોર્જ માઈકલ અને બ્રાયન એડમ્સ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોએ લાઈવ કોન્સર્ટ પણ થઈ ચૂક્યા છે.

Most Popular

To Top