National

દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરી બની: અક્ષરધામ નજીક AQI 400 પાર

દિવાળી પહેલાં જ દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. અક્ષરધામ નજીક AQI 426 સુધી પહોંચતા પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતો કહે છે કે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

દિવાળી પહેલાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર (રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર)માં હવાની ગુણવત્તા ઝડપથી ખરાબ થઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર રવિવારે સવારે દિલ્હીની સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 282 નોંધાઈ હતી. જે “ખરાબ” શ્રેણીમાં આવે છે.

અક્ષરધામ મંદિર નજીક AQI 426 સુધી પહોંચી ગયો છે. જે “ગંભીર” સ્તર ગણાય છે. ITO ખાતે AQI 284 અને બારાપુલા વિસ્તારમાં 290 નોંધાયું હતું. ઇન્ડિયા ગેટની આસપાસ પણ હવાની ગુણવત્તા ખરાબ બની છે. જ્યાં AQI 269 નોંધાયો છે. વધતા પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે ઇન્ડિયા ગેટ નજીક પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

દિલ્હીને અડીને આવેલું ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર તરીકે નોંધાયું છે. ત્યાં AQI 324 નોંધાયો છે. જે “ખૂબ ખરાબ” શ્રેણીમાં આવે છે. નોઈડામાં 248 અને ગુરુગ્રામમાં 225 AQI નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ધીમી પવનની ગતિ અને હળવા ધુમ્મસને કારણે પ્રદૂષક કણો હવામાં અટવાઈ જાય છે. જેના કારણે હવાની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે.

હવામાન વિભાગના મુજબ હાલ પવનની ગતિ ઓછી હોવાથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. આગામી ત્રણ દિવસ સુધી સવારના ધુમ્મસ અથવા હળવી ઝાકળની સ્થિતિ રહેશે. જેનાથી દૃશ્યતા ઘટી શકે છે.

શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 19.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે હળવી ઠંડીના કારણે હવામાન અસ્થિર બની રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો દિવાળી દરમિયાન ફટાકડાંના ધુમાડાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવા વધુ ઝેરી બનવાથી બાળકો, વૃદ્ધો અને શ્વાસની સમસ્યા ધરાવતા લોકો માટે જોખમ વધે છે.

નાગરિકોને અનાવશ્યક રીતે બહાર ન નીકળવાની, માસ્કનો ઉપયોગ કરવાની અને ફટાકડા ફોડવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જેથી દિવાળીની ઉજવણી સાથે પર્યાવરણ પણ સુરક્ષિત રહી શકે.

Most Popular

To Top