SURAT

દિલ્હી-શિરડી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટના સચોટ નિર્ણયથી ટળ્યો ખતરો

દિલ્હીથી શિરડી જતી IndiGoની એક ફ્લાઈટમાં સવાર 150થી વધુ મુસાફરો માટે ગઇકાલની રાત તણાવભરી અને યાદગાર બની રહી. ફ્લાઇટ નિર્ધારિત સમય પ્રમાણે દિલ્હીમાંથી ઉડી હતી અને શિરડી નજીક પહોંચી ત્યારે પરિસ્થિતિ અચાનક બગડી ગઈ હતી . એરપોર્ટ વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો અને વિઝિબિલિટી ખૂબ ઓછી હતી, જેના કારણે પાયલટ તરત લેન્ડિંગ કરી શક્યા નહોતાં. પરિસ્થિતિ સુધરે તેની રાહમાં પાયલટે લગભગ એક કલાક સુધી વિમાનને શિરડીના આકાશમાં ગોળ-ગોળ ચક્કર મરાવ્યા હતા. પરિસ્થિતિમાં સુધારો ન દેખાતા, પાયલટે જોખમ ન લેતા નજીકના વિકલ્પ તરીકે સુરત એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. જરૂરી મંજૂરી મળતાં જ વિમાનને સુરત તરફ વાળવામાં આવ્યું. અચાનક આ ફેરફારથી મુસાફરોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું, ખાસ કરીને બાળકો અને વયોવૃદ્ધો માટે આ અનુભવ વધુ તણાવપૂર્ણ રહ્યો હતો. આ અચાનક ફેરફારને કારણે મુસાફરોમાં થોડો ગૂંચવણભર્યો માહોલ ઉભો થયો, પરંતુ ફ્લાઇટ ક્રૂ અને એરપોર્ટ સ્ટાફે શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

સુરત એરપોર્ટ પર વિમાન લેન્ડ થવાનું સંકેત મળતાં જ સુરક્ષા અને મેડિકલ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપતા તમામ જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક કરી દીધી હતી. વિમાન સલામત રીતે લેન્ડ થતાં મુસાફરોમાં રાહતનો શ્વાસ લીધો હતો અને ઘણા મુસાફરોએ તાળીઓ પાડી પાયલટના કુશળ નિર્ણયની પ્રશંસા કરી હતી. જ્યાં સુધી શિરડીમાં હવામાન સામાન્ય ન થયું, ત્યાં સુધી મુસાફરોને સુરતમાં થોડો સમય રોકવામાં આવ્યા હતા . આ દરમિયાન એરલાઈન્સ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવી અને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી હતી. હવામાન વિભાગ તરફથી અનુકૂળ સંકેતો મળતાં મોડી રાત્રે ફ્લાઇટને ફરી શિરડી માટે રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો તેમના ગંતવ્યસ્થળે લગભગ ત્રણ કલાક મોડા પહોંચ્યા. જોકે, અંતે શિરડી એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતાં મુસાફરોએ ‘સાંઈ રામ’ના જયઘોષ સાથે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top