નવી દિલ્હી: દેશના ઉત્તરીય રાજ્યોમાં વરસાદ (Rain) માહોલ ફરી જામ્યો છે. દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ સહિત પહાડી રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે 25 સપ્ટેમ્બરથી લો પ્રેશર એરિયા ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, દિલ્હી, ઉત્તર હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ વરસાદના કારણે તાપમાનમાં (Temperature) ઘટાડો જોવા મળી શકે છે.
દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો રાજધાની અને આસપાસના વિસ્તારોમાં શનિવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સાંજે ક્યાંક ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે 25 સપ્ટેમ્બરે દિલ્હી, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 25 સપ્ટેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાજધાનીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડશે. ઘણી જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
મળતી માહિતી મુજબ હવામાનની આગાહી અનુસાર ઉત્તરપૂર્વ રાજસ્થાન, યુપીના નજીકના ભાગોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. તે સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમીની ત્રિજ્યામાં ફેલાયેલું છે. ઉત્તરપૂર્વ રાજસ્થાન અને યુપી પર ચક્રવાતી પરિભ્રમણથી એમપી, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓડિશા થઈને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી વિસ્તરી રહી છે. હવામાન વિભાગ અનુસાર 25 સપ્ટેમ્બરથી હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મેઘમહર જોવા મળશે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ રાજસ્થાન, દિલ્હી એનસીઆરના ભાગો, પશ્ચિમ યુપી, હરિયાણા, આસામ, મેઘાલયના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો જેવા કે બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, આંતરિક કર્ણાટક, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ પડી શકે છે.