National

દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી પછી દિલ્હી પોલિસ એલર્ટ થઈ ગઈ, પણ…

રાજધાની દિલ્હીની અનેક સ્કૂલોને આજે સવારે બોમ્બથી ઉડાડી નાખવાના ધમકીભર્યા મેલ અને કોલ મળતા દિલ્હી પોલિસ, અગ્નિશમન દળ અને બોમ્બ સ્કવોડ તરત જ એકશન મોડ પર આવી ગયા હતા. દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને દિલ્હી ફાયર સર્વિસ ઘમકી મળેલી ત્રણ સ્કૂલોમાં તરત જ પહોંચી ને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સાથે સૌપ્રથમ શિક્ષકો અને વિદ્યાર્થીઓને તરત જ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. અને પોલિસ અને બોમ્બ સ્કવોડ એ સર્ચ અભિયાન ચલાવ્યું હતું, તપાસમાં હજી સુધી કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. આગળ હજી પણ તપાસ ચાલી રહી છે.. આજરોજ ઝંડેવાલન સ્થિત બીટી તામિલ સ્કૂલ, સરદાર પટેલ વિદ્યાલય અને બ્રિટિશ સ્કૂલને બોમ્બથી ઉડાડી નાખવાનો કોલ સવારે 9.12 કલાકે પોલિસને આવ્યો હતો, તથા અન્ય સ્કૂલોને ઉડાડી નાખશું એવા મેલ પણ મળ્યા હતા. આ ધમકીઓને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
આ પહેલા 9 તારીખે પણ 15 જેટલી સ્કૂલોને આવી જ ધમકી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તપાસ કરતા આ ધમકીઓ ખોખલી હોવાનું જણાયું હતું. ત્યારબાદ વારંવાર ઘમકીઓના મેલ મળવાના શરૂ થયા હતા. પહેલા મળેલી ધમકીઓના મેલ જૈકરી જેનકિંસ નામના યુઝર નામથી 13 સ્કૂલોને ઇમેલ કરવામાં આવ્યા હોવાનું પોલિસે જણાવ્યું હતું. આ સાથે મેલમાં અફઝલ ગુરુની યાદમાં દિલ્હીને ખાલિસ્તાન બનાવી દઈશું એમ પણ લખ્યું હતું. ગઈકાલે આવા મેલ પંજાબ, ચંદીગઢ અને મોહાલીની સ્કૂલોમાં પણ મળ્યા હોવાનું માલૂમ પડ્યું છે, ત્યાં કુલ મળીને 18 સ્કૂલોને પણ આવા જ મેલ મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જો કે આખી કવાયત બાદ આજે મળેલી ધમકીઓ પણ પોકળ સાબિત થઈ હતી. એ પછી દિલ્હી પોલીસ સહિત સહુનો શ્વાસ હેઠો બેઠો હતો.

Most Popular

To Top