દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટમાં લશ્કરી-ગ્રેડ વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોઈ શકે છે. તપાસકર્તાઓને શંકા છે કે વિસ્ફોટમાં PETN, Semtex અથવા RDX જેવા અતિ ખતરનાક પદાર્થો વપરાયા છે. હાલ ફોરેન્સિક ટીમો અને NSG વિસ્ફોટક નિષ્ણાતો પુરાવાનું વિશ્લેષણ કરી રહ્યા છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર અહેવાલ બહાર આવ્યો નથી.
અહેવાલ મુજબ ગઈ કાલે તા 11 નવેમ્બર મંગળવારે તપાસકર્તાઓએ ફોરેન્સિક વિભાગ પાસે પૂછપરછ કરી કે વિસ્ફોટમાં PETN, Semtex અથવા RDXનો ઉપયોગ થયો હોઈ શકે છે કે નહીં. પ્રાથમિક તારણ સૂચવે છે કે એમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલ અને ડિટોનેટર્સ વપરાયા હશે કારણ કે આ પદાર્થો સસ્તા અને સહેલાઈથી ઉપલબ્ધ હોવાથી ઘણીવાર IED (Improvised Explosive Device) બનાવવા માટે વપરાય છે.
ફોરેન્સિક વિભાગે ઘટનાસ્થળેથી 42 પુરાવા એકત્રિત કર્યા છે. આ પુરાવામાં i20 કારના ટાયર, ચેસિસ, સિલિન્ડર, હૂડના ટુકડા અને પાવડરના કણોનો સમાવેશ થાય છે. તમામ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થની ચોક્કસ ઓળખ થઈ શકે.
PETN શું છે અને કેટલું ખતરનાક છે?
PETN (પેન્ટેરીથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ) એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટક છે. જેનો ઉપયોગ સેનામાં અને આતંકવાદી હુમલાઓમાં થાય છે. આ વિસ્ફોટકનો રંગહીન સ્ફટિક સ્વરૂપ હોય છે જે તેને શોધવામાં મુશ્કેલ બનાવે છે.
માત્ર 100 ગ્રામ PETNથી કારનો સંપૂર્ણ નાશ થઈ શકે છે. તે ગરમી અથવા આંચકા દ્વારા પણ વિસ્ફોટ કરી શકે અને તેની વિસ્ફોટ ક્ષમતા ખૂબ જ વધારે છે.
PETN સામાન્ય રીતે સેમટેક્સ વિસ્ફોટકમાં મુખ્ય ઘટક તરીકે વપરાય છે. તે નાઇટ્રોગ્લિસરિન પરિવારનો સભ્ય છે અને તેની ઊર્જા ક્ષમતા ખૂબ જ ઊંચી છે. એ કારણે જ તેને આતંકવાદી સંગઠનો દ્વારા ઘણીવાર વપરાતો જોખમી પદાર્થ ગણવામાં આવે છે.
તપાસમાં ડિટોનેશન સિસ્ટમની ભૂમિકા
તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ માટે ઉચ્ચ-ગ્રેડ ડિટોનેશન સિસ્ટમ વપરાઈ હોઈ શકે છે. ઘડિયાળ અને નાની બટન બેટરીની મદદથી બોમ્બને રિમોટ અથવા સમયગત રીતે ટ્રિગર કરવામાં આવ્યો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેક્નિકનો ઉપયોગ ઘણા આંતરરાષ્ટ્રીય આતંકી હુમલાઓમાં પણ કરવામાં આવ્યો છે.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે 2011ના દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટમાં પણ PETN અને RDXના ઉપયોગની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ લાલ કિલ્લા વિસ્ફોટમાં કયો પદાર્થ વપરાયો હતો તે ફોરેન્સિક અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ ફરી એકવાર દિલ્હીની સુરક્ષાને લઈને ચિંતાઓ વધારી છે.